નરસિંહ જયંતી | | नरसिंह जयंती | Narasimha Jayanti | Best 10 Stories on Culture | Vishnu Avtar Story
કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર
નરસિંહ જયંતી : પ્રાગટ્ય દિવસ અને ઈતિહાસ
નરસિંહ જયંતી હિંદુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે ભગવાન વિષ્ણુના ચોથા અવતાર, નરસિંહ ભગવાનના અવતરણની યાદમાં ઉજવાય છે. આ તહેવાર વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવાય છે, જે સામાન્ય રીતે એપ્રિલ-મે મહિનામાં આવે છે .
હિન્દુ પુરાણો અનુસાર, હિરણ્યકશિપુ નામનો અસુર રાજા હતો. હિરણ્યકશિપુએ ભગવાન બ્રહ્માથી એવું વરદાન મેળવ્યું હતું કે તેને કોઈ માનવ, દૈવ, દાનવ કે પ્રાણી મારી ન શકે, કોઈ શસ્ત્ર કે હથિયારથી મારી ન શકે, દિવસ કે રાત્રિમાં ન મરાય, ઘરના અંદર કે બહાર ન મરાય, જમીન કે આકાશમાં ન મરાય. આ વરદાનને કારણે હિરણ્યકશિપુને લાગ્યું કે તે અમર બની ગયો છે અને પોતાને ભગવાન માનવા લાગ્યો. તેણે ભગવાન વિષ્ણુના ભક્તો પર અત્યાચાર શરૂ કર્યો.

હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. પ્રહલાદની ભગવાન વિષ્ણુ પ્રત્યેની પ્રખર ભક્તિનું મૂળ તેમના જન્મ પહેલાંના સંસ્કાર અને દેવર્ષિ નારદના સાનિધ્યમાં છે. જ્યારે હિરણ્યકશિપુ તપસ્યા માટે ગયા હતા, ત્યારે દેવતાઓએ તેમના રાજ્ય પર આક્રમણ કર્યું અને તેમની પત્ની કયાધુને પકડી લીધી. દેવર્ષિ નારદએ કયાધુને બચાવીને પોતાના આશ્રમમાં રાખી. તે સમયે કયાધુ ગર્ભવતી હતી, અને નારદમુનિએ તેમને ભગવાન વિષ્ણુની મહિમાની કથાઓ સંભળાવી. આ કથાઓ ગર્ભમાં રહેલા પ્રહલાદે પણ સાંભળી, જેના કારણે તેમના મનમાં ભગવાન વિષ્ણુ પ્રત્યેની ભક્તિનો બીજ રોપાયો. જન્મ પછી, પ્રહલાદ ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહ્યા. તેમના પિતા હિરણ્યકશિપુએ તેમને વિષ્ણુની ભક્તિથી દૂર કરવા માટે અનેક પ્રયાસો કર્યા, જેમ કે: ઝેર આપવો, હાથીના પગ નીચે કચડાવવાનો પ્રયાસ, ઝેરી સાપો સાથે રાખવો, પર્વત પરથી નીચે ફેંકવાનો પ્રયાસ, હોલિકા સાથે અગ્નિમાં બેસાડવો; પરંતુ દરેક વખતે પ્રહલાદ ભગવાન વિષ્ણુના આશીર્વાદથી બચી ગયા.
અંતે, પિતા હીરણ્યકશિપુના ઘણાં ત્રાસમાંથી પ્રહલાદને મુક્ત કરવા વિષ્ણુ નરસિંહ (અર્ધ માનવ અને અર્ધ સિંહ) અવતાર લે છે. જે અર્ધ માનવ અને અર્ધ સિંહ સ્વરૂપે માનવ કે પ્રાણી નહીં, પણ બંનેનો સંયોજન હતા, ભગવાન સાંજના સમયે (દિવસ અને રાત્રિ વચ્ચે) પ્રગટ થયા, તેમણે મહેલના દરવાજાની ઓટમાં (ઘરના અંદર કે બહાર નહીં) હિરણ્યકશિપુને પકડ્યો, તેમના ઘૂંટણ પર (જમીન કે આકાશમાં નહીં) બેસાડી ને નખોથી (શસ્ત્ર કે હથિયાર વડે નહીં) તેને માર્યો. આમ નરસિંહ અવતાર એ ભગવાન વિષ્ણુએ હિરણ્યકશિપુના વરદાનની દરેક શરતને ધ્યાનમાં રાખીને, એક એવું સ્વરૂપ ધારણ કર્યું કે જે કોઈ પણ વર્ગમાં ન આવે. આ અવતાર દ્વારા, ભગવાને બતાવ્યું કે ભક્તિ અને સત્યની હંમેશા વિજય થાય છે, અને દુષ્ટતા સામે ધર્મની હંમેશા જીત થાય છે.
નરસિંહ જયંતી : પૂજા વિધિ
નરસિંહ જયંતી ના દિવસે લોકો સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી વ્રતનો સંકલ્પ લઈને આખો દિવસ ઉપવાસ રાખે છે. પૂજામાં ભગવાન નરસિંહને ફળ, ફૂલો અને પાનકમ (ગોળ અને પાણીથી બનેલું પીણું) અર્પણ કરવામાં આવે છે. “ૐ નમો નરસિંહાય” મંત્રનો જાપ કરવામાં આવે છે. સાંજે પૂજા-અર્ચના કરે છે. ઘણા ભક્તો આ દિવસે પ્રહલાદ ચરિત્રનું પઠન કરે છે અને દાન-ધર્મ કરે છે .
નિષ્કર્ષ
નરસિંહ જયંતી ના પાવન અવસર પર ભક્ત પ્રહલાદ અને ભગવાન નરસિંહના અવતાર બંનેથી શીખ મળે છે. પ્રહલાદે બતાવ્યું કે સાચી ભક્તિ કોઈ પણ પરિસ્થિતિમાં અડગ રહેવી જોઈએ. તેણે શીખવ્યું કે સત્યનો માર્ગ ક્યારેય છોડવો નહીં, ભલેને કેટલાય અવરોધો આવે. પ્રહલાદે દર્શાવ્યું કે ભગવાન સર્વત્ર છે અને દરેકમાં વસે છે. ભગવદ ગીતામાં પણ શ્રી કૃષ્ણ પંદરમાં અધ્યાયના પંદરમાં શ્લોકમાં કહે છે ને કે सर्वस्य चाहं हृदि सन्निविष्टो, અર્થાત હું દરેક જીવના હૃદયમાં વસેલો છું. પ્રહલાદની કથા ભક્તિ, ધર્મ અને સત્યની વિજયની ઉજવણી છે.
હિરણ્યકશિપુના અહંકાર અને અધર્મનો નાશ કરીને ભગવાન નરસિંહે દર્શાવ્યું કે અંતે સત્ય અને ધર્મની જ જીત થાય છે. ભગવાન પોતાના ભક્તોની રક્ષા માટે કોઈપણ સ્વરૂપ ધારણ કરી શકે છે. આમ આ તહેવાર દુષ્ટ પર સજ્જનના વિજય અને ધર્મની સ્થાપનાનું પ્રતિક છે. તે શીખવે છે કે ભગવાન હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરે છે અને દુષ્ટતાનો નાશ કરે છે.
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥
અંતમાં ભગવાન નરસિંહને નમસ્કાર કરીએ, જે ઉગ્ર, વીર, મહાવીષ્ણુ, સર્વત્ર જ્વલંત, ભયાનક અને ભદ્ર છે, અને જે મૃત્યુના પણ મૃત્યુ છે.
“ઉગ્રં વીરો મહાવિષ્ણું જ્વલંતં સર્વતોમુખમ્।
નૃસિંહં ભીષણં ભદ્રં મૃત્યુમૃત્યું નમામ્યહમ્॥”
Here is the superhit devotional songs by Dr. Krupesh, Dr. Pooja, Vacha and Parv (Parv Fusion Band)
