કલ્કિ જયંતિ | ભગવાન વિષ્ણુના 10માં અવતાર | કલિયુગના અંત | Kalki Jayanti Date, Time, Importance, Significance
કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર
દર વર્ષે આષાઢ માસના શુક્લ પક્ષની દશમી તિથિએ ઉજવાતી કલ્કિ જયંતિ હિંદુ ધર્મમાં એક વિશિષ્ટ તિથિ છે. તો આજે પર્વની પાઠશાળામાં આપણે ભગવાન કલ્કિ વિશે જાણશુ રોચક વાતો. કલ્કિ ભગવાન વિષ્ણુના દસમા અવતાર તરીકે ઓળખાય છે, જે હજુ આવનારા સમયનો અવતાર છે — એટલે કે કલ્કિ અવતારનું આગમન હજી થવાનું છે. તેમ છતાં, આ અવતારનો ઉલ્લેખ અનેક શાસ્ત્રોમાં પૂર્વોક્ત સ્વરૂપે થાય છે.
અર્થ
સંસ્કૃતમાં “કલ્કિ” શબ્દ “कल्क” શબ્દ પરથી અવતરીત છે. “कल्क” નો અર્થ થાય છે – “મલિનતા”, “અધર્મ”, “અશુદ્ધિ”, “પાપ”, “દુરાચાર” વગેરે. અત: “કલ્કિ” નો અર્થ થાય છે – “કલ્ક (અધર્મ) નો નાશ કરનાર”, એટલે કે “મલિનતાઓનો વિનાશ કરનાર”.
“यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत…”
ભગવાને ભગવદગીતામાં કહ્યુ જ છે કે તેઓ પૃથ્વી પર ધર્મની રક્ષા માટે અવતાર ધારણ કરે છે. કલ્કિ એ જ શ્રેણીનો અંતિમ અવતાર ગણાય છે. વિષ્ણુ પુરાણ અનુસાર કલ્કિ અવતાર એ શસ્ત્રધારી ક્ષત્રિય રૂપે સંપન્ન રહેશે, અને પાપીઓનો વિનાશ કરશે.
કલ્કિ અવતાર
ભગવાન કલ્કિનું જન્મસ્થળ શંભલપુર (વર્તમાન ઉત્તર પ્રદેશનો એક ખંડ) કહેવાય છે. તેઓ બ્રાહ્મણોના ઘરમાં જન્મ લેશે અને તેઓ ઘોડા ઉપર સવાર થઈને અધર્મીઓનો નાશ કરશે. તેમનો ઘોડો “દેવદત્ત” હશે અને હાથે તીખી તલવાર હશે. કલ્કિ એ ધર્મના પુનઃસ્થાપક અને કલિ યુગના વિનાશક કહેવાય છે.

શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સ્કંધ 12 અધ્યાય 2 અનુસાર
“शम्भल ग्राममुख्यस्य ब्राह्मणस्य महात्मनः।भवने विष्णुयशसः कल्किः स्थापयिता नृणाम्॥”
અર્થ: કલિયુગના અંતે ભગવાન વિષ્ણુ “શંભલ” ગામમાં એક પવિત્ર બ્રાહ્મણ “વિષ્ણુયશા”ના ઘરે કલ્કિ તરીકે અવતાર ધારણ કરશે.
કલિયુગના અંત
કલિયુગના અંત સમય સુધી પૃથ્વી પર અધર્મ, પાપ, લોભ, હિંસા, અસત્ય અને અન્યાયની પરાકાષ્ઠા થઇ જશે. સત્તધરિઓ જ અપાર લાલચી, નીતિવિહિન અને પ્રજાનું શોષણ કરનારા બનશે. બ્રાહ્મણો પોતાના ધર્મથી વિમુખ થશે, વેદો ભુલાવામાં આવશે, અને પવિત્ર કાર્યનો નાશ થતો જશે.
એક માન્યતા અનુસાર દેવતાઓ અને પૃથ્વી માતા વ્યથિત થઈને ભગવાન વિષ્ણુ પાસે જઈને અરજ કરશે: “હે વિષ્ણુ! પૃથ્વી ઉપર અધર્મ ફેલાઈ ગયો છે અને હવે ધર્મ જીવતો નથી. અમારી રક્ષા કરો.”
ત્યારે ભગવાન વિષ્ણુ તેમની દશમા મૂર્તિ તરીકે કલ્કિ રૂપે અવતાર લેશે. તેમજ જેમ રામે રાવણનો, કૃષ્ણે કન્સનો અને નરસિંહે હિરણ્યકશ્યપનો નાશ કર્યો હતો, તેમ કલ્કિ પણ અધર્મીઓ અને દુરાચારીઓનો વિનાશ કરશે.
કલ્કિ ભગવાનને દેવતાઓ પાસેથી શું મળ્યું?

કલ્કિ ભગવાનને દેવતાઓ તરફથી અનેક દિવ્ય વસ્તુઓ મળશે. જેમા શિવજી તેઓને એક અગ્નિસમાન તલવાર આપશે. ઇન્દ્રદેવ દેવદત્ત નામે એક દીવ્ય શ્વેત ઘોડો આપશે. તથા બ્રહ્માજી તેમને દિવ્ય કવચ અને ચૂડામણિ આપશે. કલ્કિ તપસ્યા કરીને શક્તિ મેળવશે અને દુનિયાના દુષ્ટ શાસકોના નાશ માટે યુદ્ધ કરશે.
હિંદુ ધર્મમાં ભગવાનના ભૂતકાળના, વર્તમાનના અને ભવિષ્યના અવતાર — ત્રણે સ્વરૂપોની પૂજા અને સ્મૃતિ શાસ્ત્રોક્ત રીતે માન્ય છે. તો કલ્કિ જયંતિ નિમિતે કલ્કિ ભગવાનની પૂજા અને ભક્તિ કલયુગમાં અત્યંત કલ્યાણકારી ગણાય છે.
બ્રહ્માંડ પુરાણ અનુસાર
“अवताराणां पूजनं सर्वेषां फलदायकम्।
भविष्यत्कालिकं विष्णुं अपि पूज्यं सदा भवेत्॥”
અર્થાત્ ભગવાનના ભૂતકાળના કે ભવિષ્યના અવતારનું સ્મરણ અને પૂજન કરવું પણ પાવન અને ફળદાયક છે.
કલ્કિ પુરાણ મુજબ
“कल्केर्नामस्मरणं च सर्वपापविनाशनम्।
ध्यानं च तस्य देवस्य सर्वसिद्धिप्रदायकम्॥”
અર્થાત્ કલ્કિ ભગવાનનું નામસ્મરણ પણ પાપ નાશક અને સિદ્ધિદાયક છે.
ધર્મની પુનઃસ્થાપનાનો સંકેત
આથી ભક્તો કલ્કિ અવતારની તિથિએ તેમના નામનો જપ, ધ્યન, સ્તોત્ર પાઠ વગેરે દ્વારા આત્મશુદ્ધિ કરે છે. કલ્કિ જયંતિ એ “આશાવાદ” અને “ધર્મની પુનઃસ્થાપના” માટે પ્રતીકરૂપ તિથિ છે. ભક્તો આ દિવસે પ્રાર્થના કરે છે કે પૃથ્વી પર ધર્મની ફરીથી સ્થાપના થાય, અધર્મનો નાશ થાય તથા ભવસાગરમાં ડૂબેલા લોકો માટે ભગવાન કલ્કિ આશા રૂપે અવતરે. આ દિવસે કલ્કિ અવતારના આવનારા અવતરણ માટે આમંત્રણરૂપ ધ્યાન અને પૂજા કરવામાં આવે છે.
કલ્કિ અવતાર એ માત્ર પૌરાણિક સંકેત નહિ, પણ આધ્યાત્મિક સંકલ્પ છે. જેમ રામ ભગવાનની પૂજા માત્ર તેમના ઐતિહાસિક જીવન માટે નથી થતી, પણ તેઓ સત્ય અને મર્યાદાનું રૂપ છે;
તેમ જ, કલ્કિ ભગવાન પણ “ભવિષ્યમાં ધર્મની પુનઃસ્થાપનાનો સંકેત” છે – જેને લઇને ભક્તો આજે પણ તેમને પૂજે છે.
આ દિવસે થતા વિધિ વિધાન વિશે વાત કરીએ તો ભક્તો ભગવાન વિષ્ણુની અને કલ્કિ સ્વરૂપની પ્રતિમાનું પૂજન કરે છે; વ્રત, જપ અને ધ્યાન દ્વારા ભક્તિમાં લીન થાય છે; કલ્કિ સ્તોત્ર, વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ કરે છે; દશાવતાર સ્તોત્રના પાઠ દ્વારા સમગ્ર અવતાર શ્રેણીનું સ્મરણ કરે છે તથ ધાર્મિક વ્યાખ્યાનો અને ભવિષ્યવાણીનાં કાર્યક્રમો થાય છે. આમ કલ્કિ અવતાર એક આશાની કિરણ છે — જ્યાં દુઃખ અને પાપ છવાયેલ હોય ત્યાંથી ઉદ્ધાર કરવાની શક્યતા દર્શાવે છે. આમ કલ્કિ જયંતિ એ ભવિષ્ય માટે શ્રદ્ધા અને આશાવાદની ઉજવણી છે.
Here is the superhit devotional songs by Dr. Krupesh, Dr. Pooja, Vacha and Parv (Parv Fusion Band)
