Gujarati News (ગુજરાતી સમાચાર)Cultureકૉલમ: ધન્ય ધરા ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષ

નારાયણ સરોવર નો ઇતિહાસ,ફોટા અને વાર્તા | ધન્ય ધરા ગુજરાતની | Best 50 tourist places in Kutch

કૉલમ: ધન્ય ધરા ગુજરાતની | લેખક: મીનાક્ષી સોની

ધન્ય ધરા ગુજરાતની એ શબ્દ યાત્રા અંતર્ગત આજે આપણે કચ્છના પ્રસિદ્ધ અને પવિત્ર પૌરાણિક તીર્થધામ નારાયણ સરોવરની શબ્દ યાત્રા કરીશું….

ધર્મ શાસ્ત્રો અનુસાર ભારતમાં જે પાંચ પવિત્ર સરોવર આવેલા છે તે પૈકી પશ્ચિમે નારાયણ સરોવર આવેલું છે :
માન સરોવર,બિંદુ સરોવર, પંપા સરોવર, પુષ્કર સરોવર અને પાંચમું નારાયણ સરોવર… કચ્છની ધરતીને એ સૌભાગ્ય છે કે પાંચ મુખ્ય સરોવરમાંથી એક નારાયણ સરોવર કચ્છમાં આવેલું છે.

ઓમ નમો નારાયણાય પુરુષાય
મહાત્મને વિશુદ્ધ સત્યમ
મહા હંસાય ધીમહિ।

મહાત્મા પુરુષ એવા નારાયણને અમે નમસ્કાર કરીએ છીએ તથા શુદ્ધ તત્વજ્ઞાન એવા ભગવાનને નમસ્કાર કરીએ છીએ
આ પ્રાર્થના સ્તુતિ અનાદિકાળ પહેલા હર્યશ્વો અને સુબલાશ્વોએ નારાયણ સરોવર તીર્થમાં કરી હતી.

નારાયણ સરોવર નો ઇતિહાસ

શ્રીમદ ભાગવત મહાપુરાણના છઠ્ઠા સ્કંદ પ્રમાણે 10000 હર્યશ્વોઅને 1000 સુબલાશ્વોએ શ્રી નારદ ઋષિના ઉપદેશથી નારાયણ સરોવરના ક્ષેત્રમાં તપશ્ચર્યા કરી હતી અને એની પરમહંસના ધર્મમાં તેમની મતિ _બુદ્ધિ સ્થિર થઈ હતી.

ચતુર્થ સ્કંદ પ્રમાણે પ્રાચીન બર્હિરાજાના પુત્ર 10 હજાર પ્રચેતાઓએ જળની વચ્ચે રહીને પિતા પ્રાચીન બર્હિરાજાની આજ્ઞા અનુસાર સૃષ્ટિ સર્જનનું કાર્ય સંભાળ્યુંહતું. પ્રચેતાઓએ સમુદ્રમાંથી બહાર આવીને તેમની આંખોના તેજ વડે આ જમીનને સુંદર બનાવી હતી. આમ મનુષ્ય જાતિની ઉત્પતિ શ્રી નારાયણ સરોવર ક્ષેત્રે થઈ હોવાનું મનાય છે.પ્રચેતાઓએ આ સરોવરમાં 10,000 વર્ષ સુધી તપ કરવાનો ઉલ્લેખ છે આમ ભારતના મહાન સરોવર માંથી જે નારાયણ સરોવર છે તેમનું મહત્વ વિશેષ છે.

નારાયણ સરોવર નો ઇતિહાસ,ફોટા અને વાર્તા | ધન્ય ધરા ગુજરાતની | Best tourist places in Kutch

આ સરોવર માટે એક વાત એવી પણ છે કે પુરાણ કાળમાં જ્યારે ખૂબ જ દુકાળ પડ્યો હતો ત્યારે ઋષિમુનિઓ અને ભક્તોએ ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરી એટલે એ પ્રાર્થના ના બદલામાં ભગવાન શ્રી વિષ્ણુના ચરણના અંગૂઠામાંથી પ્રગટ થયેલું સરોવર એટલે નારાયણ સરોવર. જેની ચારે બાજુ સમુદ્ર હોવા છતાં એ સરોવરનું પાણી મીઠું છે.

ઇસવીસન પૂર્વે 325 માં સિકંદર એ અને તેના પછીના પણ વિદેશી પ્રવાસીઓએ પણ મીઠા મહેરામણ જેવા સરોવરનો ઉલ્લેખ પોતાના પ્રવાસ નોંધમાં કરેલો છે. આ તીર્થધામમાં શ્રી રણછોડરાયજી, ત્રિકમ રાયજી, લક્ષ્મીનારાયણ ,શ્રી ગોવર્ધનનાથજી, દ્વારકાનાથ અને આદિ નારાયણ વગેરેના મંદિરો આવેલા છે.
સંવત 1790 ના ના અરસામાં મહારાજ શ્રીદેસરજીના રાણી સાહેબે આ મંદિરો બંધાવ્યા છે .ચારધામની યાત્રામાં પણ આ પવિત્ર ધામનું ખૂબ જ મહત્વ છે.

પ્રેમ લક્ષણા ભક્તિ, નામ સ્મરણ, શરણાગતિ, શ્રદ્ધા અને વિશ્વાસના મજબૂત તાંતણે સ્થપાયેલા એવા પુષ્ટિમાર્ગ સંપ્રદાયના સ્થાપક શ્રીમદ વલલ્ભાચાર્યજીએ પણ તેમને દેશભરના ધાર્મિક પરિભ્રમણ દરમિયાન 84 જગ્યાઓમાં ભાગવતનું વાંચન કર્યું હતું. જેમાંનું 63મી ભાગવત આચાર્યશ્રીએ કચ્છના પ્રસિદ્ધ એવા નારાયણ સરોવર કોટેશ્વરના સ્થાનકે કરી હતી.અને શ્રી નારાયણની ઉત્કૃષ્ટ ભક્તિનો પ્રસાદ કચ્છના માધ્યમથી સમગ્ર ભારતને આપ્યો હતો. શરણાગત વૈષ્ણવો દેશ વિદેશમાંથી આજે પણ મહાપ્રભુજીની બેઠકના દર્શનાર્થે આવે છે.

રામાયણ અનુસાર ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને માતા જાનકી પણ તેમના વનવાસ દરમિયાન આ સરોવરે પધાર્યા હતા જેના સાબિતી રૂપે અહીં રામગુફા લક્ષ્મણ ગુફા અને જાનકી ગુફા પણ આવેલી છે તે પૌરાણિક ઇતિહાસ નું સાક્ષીકરણ કરે છે.

આ તીર્થધામમાં 1968 થી અન્નક્ષેત્રની વ્યવસ્થા છે જ્યાં લગભગ દરરોજ એક લાખ જેટલા ભકતો પ્રસાદ લે છે અને 1987 થી ગૌશાળાની પણ સ્થાપના થઈ છે અને જેમાં ખૂબ જ સુંદર રીતે ગાયોની સેવા કરવામાં આવે છે ત્યાં કોઈપણ વ્યક્તિ પોતાના વડીલોની યાદગીરીમાં તિથિદાન નોંધાવીને તેમાં પોતાનો સહયોગ આપી શકે છે .

નારાયણ સરોવર ની આસપાસ આવેલ સ્થળો

નારાયણ સરોવર વિસ્તારમાં 1981 ની સાલમાં 444.23 ચોરસ કિ.મીમાં ચિંકારા અભયારણ્યની સ્થાપના કરવામાં આવી છે.
જે લુપ્ત થતી ચિંકારા જાતિ માટે એક સુંદર સ્થળ છે અને જે પ્રકૃતિ પ્રેમીઓને ખૂબ જ આકર્ષે છે.

નારાયણ સરોવરથી માત્ર 33 કિલોમીટરના અંતરે લખપત ફોર્ટ આવેલો છે જે જામ લાખા નામ પરથી રાખવામાં આવ્યું છે. જ્યાં શીખ સંપ્રદાયના પ્રકાશ પુંજ જેવા ગુરુનાનક દેવ પણ તેમની ધર્મ યાત્રા દરમિયાન પધાર્યા હતા.ત્યાં એક ગુરુ દ્રાર પણ છે પણ એક સુંદર જોવાલાયક સ્થળ છે. એટલે નારાયણ સરોવર પવિત્ર પૌરાણિક યાત્રાધામની સાથે વન્યજીવો અને રક્ષણ કરતી વખતે પ્રકૃતિનું પણ એક સુંદર સ્થળ છે.

નારાયણ સરોવર નો ઇતિહાસ,ફોટા અને વાર્તા | લખપત ફોર્ટ | ધન્ય ધરા ગુજરાતની | Best tourist places in Kutch
નારાયણ સરોવર નો ઇતિહાસ,ફોટા અને વાર્તા | કોટેશ્વર | ધન્ય ધરા ગુજરાતની | Best tourist places in Kutch

નારાયણ સરોવરથી માત્ર ચાર કિલોમીટરના અંતરે ભગવાન શિવનું શ્રી કોટેશ્વર મંદિર આવેલું છે જે સુંદર દરિયાકિનારે હોવાથી સૈલાણીઓ માટે ખૂબ જ આકર્ષિત સ્થળ છે.

પૌરાણિક માન્યતા પ્રમાણે રાવણ જ્યારે ભગવાન શિવને લઈને લંકા જતો હતો ત્યારે રસ્તામાં ભગવાન શિવે ગાયનું રૂપ લઈને તેને રોક્યો હતો .રાવણે જમીન પર ચારણી પર શિવલિંગ મુકતા તે શિવલિંગ હજારોની સંખ્યામાં થઈ જવાથી રાવણ મૂલ શિવલિંગ ઓળખી શકતો નથી અને તેનું અમર થવાનું સપનું અધુરું રહી જાય છે તેથી કોટેશ્વર નામ પડ્યું છે. એટલે આ મંદિર રાવણ દ્વારા સ્થાપિત શિવલિંગ હોવાથી તે ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક માન્યતા ધરાવે છે . ત્યાં પશ્ચિમનો છેવાળો છે.

ત્યાંથી પાકિસ્તાની સરહદ એકદમ નજીકથી દેખાય છે અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ તે ખૂબ મહત્વનું સ્થળ છે જ્યાં બીએસએફ ની ચોકી પણ આવેલી છે કોટેશ્વર નો દરિયા કિનારો ખૂબ જ સુંદર અને શાંત હોવાથી ખૂબ જ આકર્ષે છે…..

તો ચાલો આપણે પણ આવા પવિત્ર પૌરાણિક તીર્થધામ નારાયણ સરોવરની યાત્રાનો આનંદ લઈએ…..



ધન્ય ધરા ગુજરાતની – મારું ગુજરાત છે

પર્વ ઠક્કર, વાચા ઠક્કર અને ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા ગાયેલ “ધન્ય ધરા ગુજરાતની – મારું ગુજરાત છે” ગીત.


Gujarati Mijaaj Content Desk

Gujarati Mijaaj Content Desk is a dynamic team of writers and authors dedicated to capturing the pulse of entertainment, health, and indie music news in Gujarati language. Our global team delivers the latest scoops and insider insights, weaving captivating tales of stardom and uncovering stories often left untold.