Gujarati News (ગુજરાતી સમાચાર)Cultureકૉલમ: ધન્ય ધરા ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષ

દેવી ધામ: મચ્છુ માતાજી | ઇતિહાસ, વાર્તા અને ફોટા| ધન્ય ધરા ગુજરાતની | 50 Best Tourist Places in Kutch

કૉલમ: ધન્ય ધરા ગુજરાતની | લેખક: અરુણા ઠક્કર

પાંચ નાકા અને છઠ્ઠી બારી…. ભુજિયા ડુંગર જેમ જ, ભુજ નગરની ઓળખ! ભુજના પાંચ નાકામાંથી એક નાકું ભીડનું, જે ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. કારણકે અહીંથી બહાર નીકળીને કચ્છના કેટલાય વિસ્તારો સુધી પહોંચી શકાય છે. આ નાકાની વિશેષતા એ છે કે અહીં દરેક કોમ, વસે છે. ધંધાકીય રીતે પણ અહીં વિવિધતા છે. રવિવારે સવારથી ભરાતી બજાર, કેટલીય વસ્તુઓથી સભર હોય છે. આ બધી ગતિવિધિઓ પર નજર અને આશિષ રાખીને બેઠા હોય, એમ મચ્છુ માતાજી અહીં આસન જમાવીને બેઠા છે.

ભુજ ભરવાડ સમાજ સંચાલિત જગ્યાની સ્થાપના સંવત ૧૬૫૫ અને ટ્રસ્ટ રજિ. એ ૫૬ ભુજથી નોંધાયેલ આ મંદિર ભરવાડ સમાજની શ્રદ્ધેય ભૂમિ છે. મચ્છુ માતાજીનું મુખ્ય સ્થાન મોરબી છે. આપણા વિદ્વાનો અને મહાપુરુષોના કથન પ્રમાણે એક જૂના મંદિરના જીર્ણોદ્ધારનું પુણ્ય નવા સો મંદિરના નિર્માણ જેટલું પ્રાપ્ત થાય છે. ૧૨/૧૨/૨૦૨૪ માં શિખરબંધ અને માર્બલ્સ, ગ્રેનાઈટ, વેટ્રીફાઈ ટાઈલ્સ સાથેનું નવનિર્મિત મંદિરથી ભીડ નાકાનું સ્થાન ઊંચું થઈ ગયું છે.

      

માલધારી ભરવાડ સમાજ

ઐતિહાસિક મંદિર અંગે વાત કરીએ તો, ભુજ શહેરની સ્થાપનાના સમયે ભીડ નાકા પાસે માલધારી ભરવાડ સમાજની મોટી વસાહત હતી. ત્યારબાદ શહેરને ફરતે કિલ્લો અને પાંચ નાકા, છઠ્ઠી બારીનું નિર્માણ થયું. દોઢેક એકરના ભૂપટ ધરાવતા વિસ્તારમાં સમસ્ત સમાજના કુળદેવી મચ્છુ માતાજી અને પુનિયા મામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. એ સમયે ઘેટાં-બકરાં, દૂધ, ઊન, ખેતીવાડી જેવા કાર્યોમાં આ સમાજ પરોવાયેલો હતો.

         

          આ ધાર્મિક અને મહેનતુ વિસ્તારમાં નિયમિત ભજન કીર્તન થતાં હતાં. સરસપર ગામના ગરવા સમાજના ભજનિક પણ અહીં ભજન કરવા આવતા‌. આ દરમિયાન ગરવા ભક્તને માતાજી પ્રત્યે એટલી બધી શ્રદ્ધા બેસી ગઈ કે તેમણે માતાજીના મંદિર માટે પોતાની દોઢ એકર જમીન દાનમાં આપી દીધી.આ દરમિયાન જ્યારે ગામને પાંચ નાકા અને છઠ્ઠીબારીથી બંધ કરવામાં આવ્યું ત્યારે કોટ અંદરના વિસ્તારમાં, નાકા બંધ થઈ ગયા બાદ, કોઈને પણ પ્રવેશવાની મનાઈ થઈ ગઈ હતી.

       ભરવાડ સમાજના લોકો જ્યારે પોતાના ઘેટાં બકરાં જંગલમાં ચરાવીને પાછાં ફરતાં ત્યારે ઘણું મોડું થઈ જતું. પરિણામે તેમને નાછૂટકે નાકા બહાર રહેવાનો વારો આવતો. કાળક્રમે આ સમાજને આ મુશ્કેલીનો વધારે સામનો કરવો પડ્યો. છેવટે ધીમે ધીમે આ બધાં રહેવાસીઓ, આ ભીડ નાકા વિસ્તારને અલવિદા કરીને વાગડ, સૌરાષ્ટ્ર તરફ નીકળી ગયા. સમાજની વસ્તી ભલે અહીંથી દૂર થતી ગઈ, પણ મંદિર અહીં જ છે. દોઢ એકરમાં ફેલાયેલું મંદિર અત્યારે ૨૪૦ મીટરની જગ્યામાં છે.

મચ્છુ માતાજી

       ભરવાડ સમાજના આસ્થા અને શ્રદ્ધાના કુળદેવી મચ્છુ માતાજીનું મંદિર નિર્માણ ભલે સદીઓ પહેલાં પામ્યું હતું, પણ જીર્ણોદ્ધાર થોડા સમય પહેલા માઈભક્તોના માતબર દાનથી, વીસ લાખ રૂપિયાના ખર્ચે થયું. માતાજી પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવનાર પુનિયા મામાની માતાજીએ કસોટી કરેલી. એમાંથી તેઓ શ્રદ્ધા પૂર્વક પાર ઊતરેલા. આપણી શ્રદ્ધાને આશ્ચર્ય ચકિત કરી દે, એવી વાત તો એ છે કે, ભીડ નાકા પાસે આવેલ, ઠોઠાવાળી વંડીનું નામ પણ પુનિયા મામાના નામ સાથે સંકળાયેલું છે.

         માતાજીને લાપસી ધરાવાય, જ્યારે પુનિયા મામાને ઠોઠા ચઢાવવામાં આવે છે. જે-તે વખતે આ જગ્યામાં મામા માટે ઠોઠાનો પ્રસાદ તૈયાર થતો, એટલે આ જગ્યાનું નામ ઠોઠાવાળી વંડી જ પડી ગયું. આ નવનિર્મિત મંદિરથી ભીડ નાકાની શોભા તો વધી જ છે, સાથે સાથે નિયમિત બે સમયે પૂજા પાઠ, ગામેગામથી આવતા ભક્તોથી આ જગ્યામાં ચેતન રહે છે. આરસ પથ્થરથી માતાજીની મનમોહક મૂર્તિ બનેલી છે. ગર્ભગૃહમાં પ્રવેશ પાસે સિંદૂરથી શોભતી જૂની મૂર્તિ  પુનિયા મામાની છે. મચ્છુ માતાજીની મૂર્તિની સ્થાપના હોય ત્યાં સમાજના આ મહાપુરુષની મૂર્તિની સ્થાપના અચૂક કરવામાં આવે છે. આનાથી વિશેષ માનવ માટે વિશ્વાસની વાત શું હોઈ શકે!             

Gujarati Mijaaj Content Desk

Gujarati Mijaaj Content Desk is a dynamic team of writers and authors dedicated to capturing the pulse of entertainment, health, and indie music news in Gujarati language. Our global team delivers the latest scoops and insider insights, weaving captivating tales of stardom and uncovering stories often left untold.