હબાય નો ઇતિહાસ, વાર્તા અને ફોટા| ધન્ય ધરા ગુજરાતની | 50 Best Tourist Places in Kutch
કૉલમ: ધન્ય ધરા ગુજરાતની | લેખક: અરુણા ઠક્કર
પરમ શક્તિ: વાઘેશ્વરી(હબાય)
કચ્છ જિલ્લા મથક ભુજથી આશરે પચ્ચીસ કિમીના અંતરે હાબા ડુંગરની તળેટીમાં હબાય ગામ આવેલું છે. અહીં પરમ શક્તિ મા વાઘેશ્વરીના બેસણા છે. નવરાત્રી ઉત્સવ દરમિયાન અહીં માની આરાધના કરવા લોકો ભક્તો ઉમટી પડે છે. ચૈત્રી નવરાત્રીમાં આઠમનો મિની મેળો ભરાય છે. આસો નવરાત્રીમાં આઠમ-નોમનો ભવ્ય લોકમેળો ભરાય છે. અલકમલક મનેખ, શ્રદ્ધાપૂર્વક એમાં મ્હાલે છે. ત્યાંની માટી ગરમી, ગળગૂમડ, માટે ઔષધ જેવું કામ કરે છે.
હબાય નો ઈતિહાસ
આપણો ઈતિહાસ, આપણો ધર્મ, અદ્ભુત છે. મા હાબાઈની સ્થાપના પ્રાચીન કાળથી છે. લોકવાયકા મુજબ શ્રવણે માતા-પિતાને યાત્રા દરમિયાન અહીં દર્શન કરાવ્યા હતા. સંવત ૮૮૦, ફૂલાણી લાખા જામના પિતા જામ ફૂલ પણ, ભ્રમણ દરમિયાન અહીં દર્શન-પૂજન કર્યા. આ કોઈ નાની સુની ઘટના નથી. લોકવાયકાની વાત કરીએ તો, પ્રાચીન સમયમાં ત્રિશૂળના પ્રચંડ પ્રહારથી કુંડનું નિર્માણ થયું. આ ઘટના પણ શક્તિનો પરિચય આપે છે. આપણી શ્રદ્ધાને અભિભૂત કરી દે, એવી વાત જાણીએ.

હબાય ની વાર્તા
આહીર માલધારી વૃદ્ધને એમની ભક્તિથી પ્રસન્ન થઇને માતા વાઘેશ્વરીએ સાક્ષાત દર્શન આપેલ. આહીર બાપા માતાજી સાથે થતાં વાર્તાલાપ વખતે ‘હા બાઈ, હાચી વાત સે’ ‘હા બાઈ, ખરી વાત સે’ એમ હુંકાર આપતા રહ્યા. આ કારણસર ‘હાબાઈ’ કહેવાયા. કચ્છમાં દીકરીને અને ક્યાંક બહેનને લાડમાં ‘બાઈ’ કહેતા હોય છે. મમ્મી અને દાદીને પણ બાઈ કહેવાય છે. આમ આ, માનવાચક, ભાવવાચક શબ્દને જાણે કે ખુદ માતાએ નામ સ્વરૂપે ધારણ કર્યો છે.
ધ્રંગ ગામના કોવાડિયા આહીરોએ કચ્છના કબીર, મેકરણ દાદાને પાણી માટે અરજ કરી. દાદા સહુ ભક્તો સાથે હાબાઈ ધામ પધાર્યા. અહીં આર્તનાદ પૂર્વક થયેલ પૂજનથી પ્રસન્ન થઈને માતાજીએ દયા કરી, પાણી ધ્રંગ, ખીરસરી વાવમાં પહોંચાડ્યું. સહુને આ આભાસ થયો. ધ્રંગ આવીને જોયું તો, પાણીથી ભરેલી વાવમાં, હબાયના ચાડ આહીરનું નામ કોતરેલી પિત્તળની ત્રાંબડી તરતી હતી. મહત્વની વાત તો એ છે કે, આ પાણી પીવાથી બી૧૨ ક્યારેય ખૂટતું નથી!
આવી જ રીતે ચમત્કારિક કુંડમાં અત્યાર સુધીના ભયંકર દુષ્કાળમાં પણ, પીવાનું પાણી ખૂટ્યું નથી. વર્તમાન સમયે નળની વ્યવસ્થા હોવાં છતાં, અઢારે વર્ણની પનિહારી, ધર્મભેદ કે વર્ણભેદ ભૂલીને, પ્રસાદરૂપે પાણી અચૂક ઘરે લઈ જાય છે. ભીમ અગિયારસના આ ભવ્ય કુંડની ઉત્સાહ અને શ્રદ્ધા પૂર્વક સફાઈ કરવામાં આવે છે, ત્યારે અંદર ભોંયરામાં અખંડ દીવો પ્રગટે છે, એવું કહેવાય છે.કચ્છ જેવા સૂકા મુલકમાં આ અખૂટ, સભર કુંડ, માતાજીના આશીર્વાદરૂપ જ છે. દુષ્કાળે થોડો સમય થયો, કચ્છ પરથી નજર હટાવી છે, એ સર્વ વિદિત છે.

મંદિરની અંદર માતાજીની અદ્ભુત મૂર્તિ, મંદિરમાં શણગાર માટે કચ્છી ભરતકામ શોભા વધારે છે. કાયમી ભોજન પ્રસાદાલય-૨૪ કલાક રસોડું ચાલુ, અદ્યતન ગૌશાળા, રાત્રિ વિસામો, જેવી સુવિધા યુકત ભૂમિ પર મા વાઘેશ્વરી ભવનનું નિર્માણ કાર્ય ચાલુ છે. મંદિરના પ્રાંગણમાં પ્રાચીન પીપળો-ધર્મના પ્રતિક સમો, આંબલી, શક્તિનું પ્રતીક, વડનું વૃક્ષ સદાશિવનું પ્રતીક છે. શિવ શક્તિના સાન્નિધ્યમાં, ધર્મ, ભક્તિ અને સેવાના સમન્વય જેવી પાવન ભૂમિને વંદન….
ધન્ય ધરા ગુજરાતની – મારું ગુજરાત છે
પર્વ ઠક્કર, વાચા ઠક્કર અને ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા ગાયેલ “ધન્ય ધરા ગુજરાતની – મારું ગુજરાત છે” ગીત.
