Gujarati News (ગુજરાતી સમાચાર)Cultureકૉલમ: કલમ ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષ

પરશુરામ જન્મોત્સવ | Parashurama Janmotsav | Parashurama Jayanti | Best 10 Stories on Culture

લેખક: ડૉ. કૃપેશ ઠક્કર

પરશુરામ જન્મોત્સવ: શસ્ત્ર અને શાસ્ત્રના સમન્વયનો પાવન પર્વ

પરશુરામ જન્મોત્સવ હિંદુ પંચાંગ પ્રમાણે દર વર્ષે વૈશાખ શુક્લ તૃતીયાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. ભગવાન પરશુરામ હિન્દૂ ધર્મના પૌરાણિક ગ્રંથોમાં દર્શાવેલા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે. આજે આપણે પર્વની પાઠશાળામાં જાણીશું આ પર્વની રોચક વાતો, ઈતિહાસ, વિધિ-વિધાન અને  મહિમા.

કોણ હતા પરશુરામ?

પરશુરામ વિશ્વના પ્રથમ બ્રાહ્મણ-ક્ષત્રિય તરીકે ઓળખાય છે, કેમ કે તેમણે શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યા પછી શસ્ત્ર ધારણ કર્યા અને પૃથ્વી પરથી અસંખ્ય વખત અધર્મનો નાશ કર્યો. પરશુરામનો જન્મ મહર્ષિ જમદગ્નિ અને માતા રેણુકાના પુત્ર તરીકે ભ્રગુગોત્રી બ્રાહ્મણ કુળમાં થયો હતો. તેમનું બાળનામ “રામ” હતું, પણ જ્યારે તેમણે ભગવાન શિવ પાસેથી દિવ્ય પરશુ (કુહાડી) પ્રાપ્ત કરી, ત્યારબાદ તેઓ “પરશુરામ” તરીકે પ્રખ્યાત થયા.

પરશુરામ જન્મોત્સવ | Parashurama Janmotsav | Best 10 Stories on Culture

પરશુરામ જન્મોત્સવની ઉજવણી કઈ રીતે કરવી ?

આ દિવસે ભક્તો ઉપવાસ રાખી પરશુરામનું પૂજન કરે છે.આ તિથિ ધર્મ, દાન અને સંકલ્પ માટે સૌથી શુભ માનવામાં આવે છે.તૃતીયા તિથિ પર સૂર્યોદય પછીનું મુહૂર્ત શ્રેષ્ઠ માનવામાં આવે છે.તાંબાના લોટામાં પાણી લઈને ઈશ્વર સમક્ષ આ અવતાર દિવસનું વ્રત રાખવાનો સંકલ્પ લેવામાં આવે છે. ભગવાન પરશુરામના આશીર્વાદ માટે ઉપવાસ રાખવામાં આવે છે. બ્રાહ્મણ, ગૌસેવા, વિદ્યાર્થી કે જરૂરિયાતમંદોને દાન કરવાની પ્રથા છે. હસ્તપ્રદાનથી તિલ, ઘી, કાપડ, પાત્ર, અનાજ વગેરે દાન આપવામાં આવે છે.

પરશુરામની પૌરાણિક કથા

પૌરાણિક કથા અનુસાર અર્જુન નામનો એક મહાસત્તાવાન રાજા હતો. તેણે ભગવાન ને પ્રસન્ન કરી સહસ્ત્ર બાહુ વરદાન સ્વરૂપે મેળવ્યા હતા. તેથી તે સહસ્ત્રાર્જુન તરીકે ઓડખાયો. પરંતુ પોતાની શક્તિનો ઘમંડ તેને ધીમે ધીમે અધર્મના માર્ગે લઈ ગયો. એકવાર તે જંગલમાં હતો ત્યાં જમદગ્નિ ઋષિ કામધેનુ ગાયના આશીર્વાદથી પોતાના યજ્ઞકાર્ય પૂરા કરતા હતા. જ્યારે સહસ્ત્રાર્જુન એ કામધેનુ ગાયની શક્તિ અને ઋષિનો વૈભવ જોયો, ત્યારે તેણે ગાયને બળપૂર્વક લઈ જવાનું નક્કી કર્યું.

જમદગ્નિના પુત્ર પરશુરામને આખી ઘટનાની જાણ થતાં તે ક્રોધમાં આવ્યા અને તેમનુ રુદ્ર સ્વરૂપ જાગૃત થયું. પોતાના પિતાની અવમાનના અને અધર્મના વિરોધમાં પરશુરામે પોતાનો પરશુ (કુહાડી) ઉપાડ્યો અને એકલા હાથે સહસ્ત્રાર્જુન ને યુદ્ધમાં પરાસ્ત કર્યો. પરશુરામે નક્કી કર્યું કે જ્યાં સુધી પૃથ્વી પરથી અધર્મ અને અહંકાર ન નાશ થાય, ત્યાં સુધી તેઓ ક્ષત્રિય વર્ગના દુર્જનોનો નાશ કરતા રહેશે. આથી પરશુરામે પૃથ્વી પરથી ૨૧ વખત ક્ષત્રિયોની અધર્મી પ્રજાઓનો નાશ કર્યો. અહીં ‘ક્ષત્રિય’નો અર્થ માત્ર જાતિ નહીં, પણ અધિકારનો દુરુપયોગ કરે તેવા શાસકો તરીકે કરવો જોઈએ.

એક દિવસ મહર્ષિ જમદગ્નિ યજ્ઞમાં તત્પર હતા ત્યારે તેમની પત્ની રેનુકાનું મન ક્ષણભંગુર થવાને કારણે વૈરાગ્યથી વિમુખ થઈ ગયું હતુ. મહર્ષિએ તપોબળથી જાણ્યું કે રેનુકા મનથી એક ક્ષણે અધર્મ તરફ ઝૂકી હતી. પિતાએ આજ્ઞા આપી કે પુત્રોએ પોતાની માતાનું શિરછેદ કરવું. બધાં ભાઈઓએ અસ્વીકાર કર્યો, પરંતુ પરશુરામે ધર્મની આજ્ઞાને શ્રેષ્ઠ માનીને મૌન સ્વીકૃતિ આપી. તેમણે પરશુ ઉપાડી માતાનું શિર છેદ કરી દીધું. પિતા જમદગ્નિ પુત્રની આ ધર્મનિષ્ઠાને જોઈ પ્રસન્ન થયા અને વર માંગવા કહ્યું. પરશુરામે માતા જીવિત થાય અને આ ઘટના યાદ પણ ન રહે એ વર માંગ્યું. જમદગ્નિએ તપોબળથી રેનુકાને પુનઃ જીવિત કરી અને તેને ભૂતકાળનું સ્મરણ ન રહે તેવું આશીર્વાદ પણ આપ્યું.

પરશુરામજી માત્ર યુદ્ધવીર નહોતા, તેઓ મહાન જ્ઞાની પણ હતા. તેમણે શિવજી પાસેથી દૈવી શસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેઓએ દ્વાપર યુગમાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. મહાભારતમાં ભીષ્મ, દ્રોણાચાર્ય અને કર્ણ જેવા યુદ્ધવિદ્યોને શસ્ત્રવિદ્યા શિખવી હતી. જેમાં કર્ણએ કપટ કરીને સર્વ વિધ્ય ગ્રહણ કરી હતી. જેની પરશુરામ ને જાણ થતાં તેમણે કર્ણ ને શાપ આપ્યું હતું કે જ્યારે આ વિદ્યાની સૌથી વધુ જરૂર હશે ત્યારે જ  તે વિદ્યા ભૂલી જશે. એથી જ અર્જુન સામે યુદ્ધમાં કર્ણ પોતાની વિદ્યા ભૂલી જાય છે.  તેમનું જીવન બતાવે છે કે ફક્ત શાસ્ત્રનો જ્ઞાન નહીં પણ શસ્ત્રનો જ્ઞાન પણ એટલો જ અગત્યનો છે.

આ જ રીતે ત્રેતા યુગમાં પરશુરામ શ્રી રામ મિલનની ગાથા પણ પ્રચલિત છે. માતા સીતાના સ્વયંવર વખતે જ્યારે પ્રભુ રામ શિવધનુષ ‘પિનાક’ તોડે છે ત્યારે તેના નાદથી પરશુરામને ખબર પડે છે. પરશુરામ શિવના પરમ ભક્ત હોતા ક્રોધિત થઈ સ્વયંવર સભામાં ફરી સંહાર માટે આવે છે. પરંતુ શ્રી રામ વિવેક અને ધૈર્યથી પરશુરામની સાથે સંવાદ કરે છે અને અંતે પરશુરામને શ્રી રામ ભગવાન વિષ્ણુના અવતાર હોવાનો એહસાસ થાય છે.

આ પણ વાંચો: અક્ષય તૃતીયા

પરશુરામનો ચિરંજીવી અવતાર

પરશુરામને ભગવાન શિવ પાસેથી શસ્ત્રવિદ્યા ઉપરાંત ચિરંજીવી થવાનો આશીર્વાદ મળ્યો હતો. શિવજી એ કહ્યું હતું કે તે પોતાનાં ધર્મકાર્ય માટે આ પૃથ્વી પર ચિરંજીવી બની રહેશે અને ભવિષ્યમાં જ્યારે કલ્કિ અવતાર અવતરીશે ત્યારે તેમને શસ્ત્રવિદ્યા શિખવશે.

अश्वत्थामा बलिर्व्यासो हनूमांश्च विभीषण:।
कृप: परशुरामश्च सप्तएतै चिरजीविन:॥
सप्तैतान् संस्मरेन्नित्यं मार्कण्डेयमथाष्टमम्।
जीवेद्वर्षशतं सोपि सर्वव्याधिविवर्जित।। [पद्म पुराण 51/6-7]

કલ્કિ પુરાણમાં પણ આવ્યું છે કે કલિયુગના અંતે જ્યારે કલ્કિ અવતાર જન્મ લેશે, ત્યારે પરશુરામ શસ્ત્રવિદ્યા શિખવશે અને ધર્મની પુન:સ્થાપનામાં તેમનું માર્ગદર્શન કરશે. પરશુરામજીનું ચિરંજીવી થવું એ દર્શાવે છે કે જીવની શક્તિ માત્ર ભૌતિક શરીરમાં નથી, પણ તેના ધર્મકાર્ય અને જ્ઞાનપ્રસારના ધ્યેયમાં છે.

પરશુરામ જન્મોત્સવ  એ માત્ર ઉજવણી નહીં, પણ વિચાર કરવાનો અવસર છે કે ધાર્મિકતા એ ફક્ત પૂજા-પાઠ નથી, પરંતુ અધર્મ સામે લડવા માટે વિવેકપૂર્ણ નિર્ણય લેવાની તાકાત પણ છે.

આ અવસરે આપણે પણ આ સંકલ્પ લઈએ કે પોતાના જીવનમાં શાસ્ત્ર અને શસ્ત્ર—અર્થાત્ જ્ઞાન અને નિર્ણયક્ષમતા—બન્નેનો યોગ્ય ઉપયોગ કરીને સમાજ માટે ન્યાય અને સત્ય સ્થાપિત કરીએ.

Here is the superhit devotional songs by Dr. Krupesh, Dr. Pooja, Vacha and Parv (Parv Fusion Band) for this auspicious occasion.



Gujarati Mijaaj Content Desk

Gujarati Mijaaj Content Desk is a dynamic team of writers and authors dedicated to capturing the pulse of entertainment, health, and indie music news in Gujarati language. Our global team delivers the latest scoops and insider insights, weaving captivating tales of stardom and uncovering stories often left untold.