સીતા નવમી | सीता नवमी | જાનકી નવમી| Sita Navami | Best 10 Stories on Culture
કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર
સીતા નવમી: માતા સીતાના પ્રાગટ્ય દિવસની પવિત્ર ઉજવણી
હિંદુ ધર્મમાં વૈશાખ મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિને “સીતા નવમી” તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસ માતા સીતાના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે અને “જાનકી નવમી” તરીકે પણ ઓળખાય છે
વાલ્મીકિ રામાયણ અનુસાર, મિથિલાના રાજા જનક એક વખત યજ્ઞ માટે જમીન ખેડી રહ્યા હતા ત્યારે તેમના હળના ફાળે જમીનમાં ફસાયેલું એક કુંડ મળ્યું. તેમાંથી એક સુંદર બાળકી પ્રગટ થઈ, જેને રાજા જનકે પોતાની પુત્રી તરીકે સ્વીકારી અને “સીતા” નામ આપ્યું. આ ઘટના વૈશાખ શુક્લ નવમીના દિવસે બની હતી, તેથી આ દિવસને સીતા નવમી તરીકે ઉજવવામાં આવે છે.
માતા સીતાને લક્ષ્મીજીનો અવતાર માનવામાં આવે છે. આ દિવસે તેમની પૂજા કરવાથી વ્યક્તિને ધર્મ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે. વિશેષ કરીને દાંપત્ય સુખ માટે આ દિવસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પૂજા કરનારને 16 મહાદાન અને પૃથ્વી દાનનું ફળ મળે છે. આ દિવસ સ્વયંસિદ્ધ મુહૂર્ત માનવામાં આવે છે, એટલે કે કોઈ પણ શુભ કાર્ય માટે વિશેષ મુહૂર્તની જરૂર નથી
પૂજા વિધિમાં સાંજના સમયે લાલ કે પીળા કપડાં પર માતા સીતાની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરી જળ, સિંદૂર, અક્ષત અને ફૂલો સાથે કલશ સ્થાપિત કરવામાં આવે છે. માતા સીતાને સિંદૂર, અક્ષત, ફૂલ, માળા અને વસ્ત્ર અર્પણ કરી “શ્રી સીતાયૈ નમઃ” અને “શ્રી રામાય નમઃ” મંત્રોનો જાપ કરવામાં આવે છે. માતા સીતાને ચોખા અને મખાણાની ખીર અર્પણ કરી અને પછી તે પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.

જીવન કથા
માતા સીતાનું બાળપણ અનેક પ્રેરણાદાયક ઘટનાઓથી ભરેલું છે, જેમાં શિવ ધનુષ સાથે જોડાયેલી કથા વિશેષ મહત્વ ધરાવે છે. મિથિલાના રાજા જનકને પરશુરામજી દ્વારા ભગવાન શિવનું દિવ્ય ધનુષ્ય પ્રાપ્ત થયું હતું. આ ધનુષ્ય એટલું ભારે અને શક્તિશાળી હતું કે તેને ઉપાડવું પણ સામાન્ય મનુષ્ય માટે અશક્ય હતું. માતા સીતાએ બાળપણમાં આ ધનુષ્યને સરળતાથી ઉપાડી લીધું હતું, જે તેમના અસાધારણ શક્તિ અને દિવ્ય સ્વરૂપનું પ્રતિક છે
માતા સીતાની શક્તિઓને જોતા, રાજા જનકે નક્કી કર્યું કે જે પુરૂષ આ શિવ ધનુષ્યને ઉપાડી અને તેને પ્રત્યંચા ચડાવશે , તે જ સીતાના પતિ બનવા લાયક હશે. આ શરત સાથે સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું. અન્ય રાજાઓ આ ધનુષ્યને હલાવી પણ શક્યા નહીં, પરંતુ ભગવાન શ્રીરામે તેને સરળતાથી ઉપાડ્યું અને તેમનાથી ધનુષ તૂટી પણ ગયું. આ ઘટના પછી, શ્રીરામ અને સીતાનું વિવાહ સંપન્ન થયાં.
રામાયણના પ્રસંગો

રામાયણના પ્રસંગોમાંથી એક મહત્વપૂર્ણ ઘટના છે જ્યારે શ્રીરામને ચૌદ વર્ષ વનવાસ મોકલવામાં આવ્યા ત્યારે માતા સીતાએ પોતાનું રાજસુખ ત્યાગ કરીને પતિ સાથે વનમાં જવાનું નક્કી કર્યું, જે તેમના ધૈર્ય, સમર્પણ અને નારી શક્તિનું પ્રતિક છે.
રામાયણના અરણ્યકાંડમાં વર્ણવાયેલા પ્રસંગ અનુસાર, પંચવટીમાં વસવાટ કરતી વખતે, રાવણે સુવર્ણમૃગના રૂપમાં મારિચને મોકલ્યા. વિધિના આ વિધાનો જોતાં શ્રી રામ અને સીતા માતા સમજી ગયા કે હવે જે કાર્ય માટે તેમનો જન્મ થયો છે એ માટે આ મૃગ નિમિત બની આવી ગયો છે. શ્રીરામ અને લક્ષ્મણ મૃગનો પીછો કરવા ગયા, ત્યારે રાવણ ભિક્ષુક બ્રાહ્મણના વેશમાં સીતા માતાની પર્ણકુટિએ પહોંચ્યો. રાવણ, ભિક્ષુકના વેશમાં, ભિક્ષા માંગે છે અને સીતા માતાને કહે છે કે જો તે ભિક્ષા નહીં આપે તો તે અપમાનિત થશે.
સીતા માતા લક્ષ્મણ રેખાને પાર ન કરવાની પ્રતિજ્ઞા અને રઘુકુળની પરંપરાની વચ્ચે ધર્મસંકટ અનુભવે છે. તેમણે વિચાર્યું કે કોઈ પણ અતિથિને ખાલી હાથે મોકલવું તેમના કુળધર્મના વિરુદ્ધ છે. અંતે, તેમણે લક્ષ્મણ રેખાને પાર કરીને રાવણને ભિક્ષા આપવાનું નક્કી કર્યું. આ પ્રસંગ સીતા માતાની કરુણા, અતિથિ ધર્મ અને ધર્મનિષ્ઠાને દર્શાવે છે. તેમની આ ગુણો આજે પણ નારી શક્તિ અને નૈતિકતાનું પ્રતિક છે.
સીતા માતાના અપહરણ બાદ રાવણે સીતાજીને પોતાના મહેલમાં રહેવા માટે આમંત્રિત કર્યું, પરંતુ સીતાજીએ તેનો ઇનકાર કર્યો અને અશોકવાટિકામાં એક અશોક વૃક્ષ નીચે રહેવાનું પસંદ કર્યું. તેમણે રાવણના તમામ લાલચ અને ધમકીઓને અવગણીને પોતાના પતિ શ્રીરામ પ્રત્યેની ભક્તિ અને સમર્પણ જાળવી રાખ્યું. તેમનો આ નિર્ણય તેમના આત્મસંયમ અને નૈતિક બળને દર્શાવે છે.
અશોકવાટિકામાં સીતાજીએ નિયમિત રીતે પૂજા અને ધ્યાન દ્વારા પોતાના આત્મવિશ્વાસ અને આધ્યાત્મિક શક્તિને મજબૂત બનાવ્યા. તેમણે દરેક પરિસ્થિતિમાં શાંતિ અને ધૈર્ય જાળવી રાખ્યું, જે આજે પણ આધ્યાત્મિકતા અને આત્મવિશ્વાસનું પ્રતિક છે.
નિષ્કર્ષ:
માતા સીતાના જીવનમાંથી આપણે શીખી શકીએ છીએ કે કેવી રીતે મુશ્કેલીઓનો સામનો કરીને પણ ધર્મ અને સત્યના માર્ગે આગળ વધવું. સીતા નવમી માત્ર તહેવાર નથી, પણ નારી શક્તિ, ધર્મ અને ભક્તિનું પ્રતિક છે. આ દિવસે માતા સીતાની પૂજા કરીને આપણે જીવનમાં ધૈર્ય, શિસ્ત અને સત્યના માર્ગે ચાલવાનો સંકલ્પ લઈએ.
સીતા માતાને પ્રણામ
રામચરિત માનસના બાલકાંડ ના મંગલાચરણના પાંચમા શ્લોક પ્રમાણે અંતમાં માતા સીતાને પ્રણામ
उद्भवस्थितिसंहारकारिणीं क्लेशहारिणीम्।
सर्वश्रेयस्करीं सीतां नतोऽहं रामवल्लभाम्॥
Here is the superhit devotional songs by Dr. Krupesh, Dr. Pooja, Vacha and Parv (Parv Fusion Band)
