Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

નાગા સાધુઓનું રહસ્ય, પ્રક્રિયા, ઇતિહાસ અને અખાડા | The Origin of Naga Sadhu| Maha Kumbh Top Stories 3 | Mind-blowing Facts

કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર

નાગા સાધુ (Naga Sadhu): આપણું ૧૪૪ વર્ષ બાદ આવેલા વિરલ મહા કુંભના યોગ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા હોવું પણ સૌભાગ્યની વાત છે. પર્વની પાઠશાળામાં જ્યારે આપણે આ ૪૫ દિવસીય મહા કુંભ પર્વના ઇતિહાસ અને મેળાના અમૃત સ્નાન વિશે જાણ્યું છે ત્યારે આ અંકમાં મેળાના પ્રથમ અધિકારીઓ એટલે કે નાગા સાધુઓ વિશે વિગતવાર ચર્ચા કરીશું. 

તેઓ શા માટે કહેવાય છે ‘નાગા’? | The origin of ‘Naga Sadhu’

આપણી સનાતન સંસ્કૃતિએ કુંભ મેળા સ્નાનમાં સૌ પ્રથમ અધિકાર નાગા સાધુઓને આપેલો છે. એમના પછી જ અન્ય સાધુ સંતો કે શ્રદ્ધાળુઓને સ્નાન કરવાનો લાભ મળે છે. ઋગ્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે 

सितासिते सरिते यत्र संगते तत्राप्लुतासो दिवमुत्पतन्ति।
ये वै तन्वं विसृजन्ति धीरास्ते जनासो अमृतत्वं भजन्ते।।

અર્થાત્ જે શ્વેત અને શ્યામ નદીઓના સંગમમાં સ્નાન કરે છે તેમને સ્વર્ગ મળે છે અને જે દૃઢ-પ્રતિજ્ઞ વ્યક્તિ ત્યાં શરીર ત્યાગે તે અમર થઈ જાય છે. એટલે કે મોક્ષ મેળવી મુક્ત થઈ તત્વમાં ભળી જાય છે. માટે કુંભ મુહૂર્ત (કુંભ મેળો) માં સંગમમાં સ્નાન કરવાની પરંપરા યુગો યુગોથી પ્રવર્તમાન છે અને પ્રથમ અધિકારી દૃઢ-પ્રતિજ્ઞ વ્યક્તિ એવા નાગા સાધુઓને મળેલ છે. નાગા સાધુઓની વાત કરીએ તો नागच्छेतीती नगहः, आगच्छेतीती अगहः

અર્થાત્ સંસ્કૃત શબ્દ ‘નાગ’ એટલે પર્વત અને ‘અગ’ એટલે દૃઢ એમ નાગા શબ્દ પર્વત જેવા દૃઢ અને અડગ વ્યક્તિ માટે વપરાયું છે. આ વ્યક્તિઓ ભૌતિક અને સાંસારિક જગતથી પર એવા અધ્યાત્મને જ સમર્પિત હોય છે. નાગા સાધુઓનું નગ્ન અવસ્થામાં રહેવું એ તેમની વિરલ સહનશક્તિ અને અનાસક્તિનું પ્રતિક છે. ભલે આજીવન અખાડામાં રહેતા હોય પણ જ્યારે ધર્મને રક્ષાની જરૂર હોય ત્યારે નાગા સાધુ શક્તિના પ્રતિક રૂપે સૌથી પહેલા શાસ્ત્ર અને શસ્ત્ર ઉઠાવનાર હોય છે. તેમનો વેશ અને સિદ્ધિઓ જ શત્રુને ભયભીત કરવા પર્યાપ્ત છે.

નાગા સાધુ Naga Sadhu

નાગાઓનો ઇતિહાસ | History

ઇતિહાસકારો અનુસાર ભારતીય સનાતન ધર્મના વર્તમાન સ્વરૂપના પાયા આદિગુરુ શંકરાચાર્ય એ પાંચમી સદી પહેલા નાખેલા છે. એ સમયે ભારતની સાંસ્કૃતિક અને ભૌતિક સમૃદ્ધિ જોઈ આક્રમણકારીઓ ભારતીય ધરોહર અને જનમાનસની સાથે સાથે ધર્મ, સંસ્કૃતિ અને શાસ્ત્રોને પણ નુકસાન પહોંચાડી રહ્યા હતા. એવામાં સનાતન ધર્મની સ્થાપના કરવા માટે શંકરાચાર્યએ અનેક પગલાં લીધા. જેમાં તેમણે દેશના ચાર ખૂણે ચાર પીઠો- ગોવર્ધન પીઠ, દ્વારિકા પીઠ, શારદા પીઠ અને જ્યોતિર્મઠ પીઠનું નિર્માણ કર્યું. આ સાથે જ ધર્મની રક્ષા કરવા માટે નિર્ભીક રીતે લડી શકે એવા સનાતન ધર્મના વિવિધ સંપ્રદાયોના સાધુઓને સશસ્ત્ર તાલીમ મળી રહે એવા ‘અખાડા’ ની સ્થાપના કરી.

આદિગુરુ જાણતા હતા કે ફક્ત આધ્યાત્મિક શક્તિ જ નહીં પરંતુ શૌર્ય સાથે પડકાર કરવું એ જ સમયની માંગ છે. એટલે તેમના દ્વારા વિવિધ અખાડાઓને માધ્યમે યુવાન સાધુઓને સુદ્રઢ બનાવવા વ્યાયામ, તપ, સાધના અને સશસ્ત્ર તાલીમ મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી. ત્રિશુળ, શંખ, તલવાર અને ચિલમ એ તેમના સૈન્યમાં વિવિધ ભૂમિકાઓના પ્રતિક રૂપે પ્રસ્થાપિત થયા. જ્યારે પણ રાજાઓને યુદ્ધમાં જરૂર પડતી ત્યારે હજારોની સંખ્યામાં નાગા સાધુઓએ ગૌરવપૂર્ણ વિજય અપાવ્યું હોય એવી કથાઓ આપણા ભારતના ઇતિહાસમાં જોવા મળે છે.

સંદેશાવ્યવહાર અને પરિવહનના અગવડ ભર્યા એ સમયમાં શંકરાચાર્ય એ કુંભ મેળાને અખિલ ભારતીય મહાસભામાં પરિવર્તિત કર્યા. જેમાં દેશના દરેક ખૂણેથી સાધુઓ અને અખાડાઓ એકત્ર થતાં અને ધર્મ તથા સમાજની ઉન્નતિ માટે રણનીતિ ઘડતા. તેઓ ખગોળીય ગણનાઓને આધારે જ કુંભ મેળાનો નિશ્ચિત સમય અને સ્થળ જાણી લઈને સમયસર પોતાની ભૂમિકા ભજવતા. ભારતની સ્વતંત્રતા બાદ આ અખાડાઓ એ પોતાની સૈન્ય સંરચના છોડી અધ્યાત્મ પરાયણ સંયમિત શૈલી સ્વીકારી. 

આ પણ વાંચો: અર્ધ કુંભ, પૂર્ણ કુંભ અને મહા કુંભ શું છે? | કુંભ મેળાનો ઇતિહાસ | What is Ardh Kumbh, Purn Kumbh and Maha Kumbh? | Best of 2025

રહસ્યમય નાગા-સાધુ

નાગા સાધુઓ અને તેમની અલૌકિક સિદ્ધિઓ વિશે તો આપણે સૌ જાણીએ જ છીએ. અધ્યાત્મ, યોગ, તપ અને સાધનાના પ્રભાવે તે માનવ શરીરની મર્યાદાઓ ઓળંગી અનેક ચમત્કારો કરી શકે છે. હિમાલયની ઘાતક ઠંડીમાં નિર્વસ્ત્ર રહે છે તો જળમાં રહીને તપસ્યા પણ કેર છે. અન્નજળ વિના પણ સ્વસ્થ રહે છે તો માનસિક શક્તિઓથી અગમ-નિગમનું જ્ઞાન પણ મેળવે છે. હાલમાં મહા કુંભ દરમિયાન એવા વિરલ સાધુઓના કિસ્સા જોવા મળી રહ્યા છે. કોઈ હવાથી અગ્નિ ઉત્પન્ન કરતા દેખાય છે તો કોઈ મંત્રશક્તિના પ્રયોગ પણ દર્શાવે છે. ત્યાં જ સમાધિ લઈ લેનાર અને સંગમના જળમાં અદૃશ્ય થઈ જનાર સાધુઓની પણ લોકોમાં ચર્ચા થતી હોય છે.

નાગા સાધુ બનવાની પ્રક્રિયા | How one become Naga Sadhu?

કુંભમાં પોતાનું જ પિંડદાન કરીને સાધુ અંતિમ પ્રક્રિયા પૂર્ણ કરી નાગા સાધુ બને છે. નાગા સાધુ બનવાની પ્રક્રિયામાં સંસાર છોડવું, ભિક્ષા પારાયણ થવું, સર્વે ઈચ્છાઓનો ત્યાગ કરવો, સહનશીલતા કેળવી તપ અને સાધના કરવી, તાલીમ અને જ્ઞાન મેળવવું, વસ્ત્રોની સાથે સંસરિક્તા ત્યાગવી અને પાંચ ગુરુઓ શિવ, વિષ્ણુ, શક્તિ, સુર્ય અને ગણેશ પાસેથી દીક્ષા લઈને કુંભ મેળામાં અંતિમ પિંડદાન વગેરે જેવી બાબતો હોય છે. 

અખાડા | Akharas

નાગા સાધુઓ આજીવન નિર્ધારિત આખડામાં રહી અને કુંભ મેળા વખતે સામાન્ય લોકોની સામે આવે છે. હાલમાં મુખ્ય ૧૩ અખાડાઓ છે જેમાં નિરંજની કે જૂના અખાડા, મહાનિર્વાણી, બડા ઉદાસીન, છોટા ઉદાસીન, નિર્મલ અખાડા, દસનામ અખાડા, આહ્વાન અખાડા, આનંદ અખાડા, પંચાગ્નિ અખાડા, વૈષ્ણવ અખાડા, અટલ અખાડા, નાગપંથી અખાડા અને પંચાયતી અખાડાનો સમાવેશ થાય છે. હાલમાં સર્વે અખાડાઓ અને અન્ય સંપ્રદાયો મહાકુંભના કલ્પવાસમાં વિવિધ પ્રક્રિયાઓ અનુસરી રહ્યા છે. આવતા અંકમાં આપણે મહા કુંભની અન્ય રોચક વાતો કરીશું.

The article is written by the best-seller author Dr. Krupesh Thacker.


મહા કુંભ મેળો 2025 તારીખ, મહત્વ, કથા અને રોચક તથ્યો | Amazing Unknown Facts about Maha Kumbh Mela
અર્ધ કુંભ, પૂર્ણ કુંભ અને મહા કુંભ શું છે? | કુંભ મેળાનો ઇતિહાસ | What is Ardh Kumbh, Purn Kumbh and Maha Kumbh?
અઘોરી સાધુ એટલે કોણ, અઘોર પંથના રહસ્યો | મહાકુંભ 2025 વિશેષ | Hidden Secrets Revealed of Aghori Sadhu
મૌની અમાસ, વસંત પંચમી, મહા કુંભ સ્નાન, તારીખ, મહત્વ અને રોચક વાતો | Mauni Amavasya, Vasant Panchami and Shahi Snan, Date and Significance

Gujarati Mijaaj Content Desk

Gujarati Mijaaj Content Desk is a dynamic team of writers and authors dedicated to capturing the pulse of entertainment, health, and indie music news in Gujarati language. Our global team delivers the latest scoops and insider insights, weaving captivating tales of stardom and uncovering stories often left untold.