Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

મૌની અમાસ, વસંત પંચમી, મહા કુંભ સ્નાન, તારીખ, મહત્વ અને રોચક વાતો | Mauni Amavasya, Vasant Panchami and Shahi Snan, Date and Significance | Maha Kumbh Top Stories 4

કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર

મૌની અમાસ, વસંત પંચમી, મહા કુંભ સ્નાન, તારીખ, મહત્વ અને રોચક વાતો

હાલમાં પર્વની પાઠશાળામાં મહાકુંભ વિશેષ શ્રેણી અંતર્ગત આપણે દરેક અંકમાં વિવિધ રોચક ચર્ચાઓ કરી રહ્યા છીએ. ગત અંકમાં જ્યારે આપણે નાગા સાધુઓ અને તેમના વિશે વિગતવાર માહિતી મેળવી, ત્યારે મેળામાં અમૃત સ્નાનના પ્રથમ અધિકારી એવા સાધુઓ વિશે જાણી લીધા બાદ આજે આપણે અમૃત સ્નાનની તિથિઓ વિશે વાત કરીશું. જેમાં મકર સંક્રાંતિ બાદ દ્વિતીય સ્નાન અને તૃતીય સ્નાન આ બંને દિવસોના મહત્વ વિશે વિસ્તારમાં જાણીશું.  

મહા કુંભ સ્નાન

શું છે મૌની અમાસ?

માઘ મહિનાની અમાસને ‘મૌની અમાસ’ કહેવામાં આવે છે. ‘મૌની’ શબ્દને ‘મૌન’ અને ‘મુનિ’ એ બંને સાથે સરખાવામાં આવે છે. એક માન્યતા અનુસાર જ્યારે સૃષ્ટિનું સર્જન થયું હતું ત્યારે બધા ઋષિ અને મુનિઓની ઉત્પતિ આ દિવસે થઈ હતી. જેમાં બધા ઋષિમુનિઓ અને ગુરુઓને યાદ કરીને મૌન રખાય છે. આ ઉપરાંત માઘ મહિનો આધ્યાત્મિક દ્રષ્ટિએ ઉન્નતિ આપનારો છે. જેમાં અમાવસ્યાનું મહત્વ વિશેષ છે. કારણ કે ‘અમ’ એટલે સાથે અને ‘વસ્યા’ એટલે રહેવું.

આમ અમાવસ્યા એ અધ્યાત્મના અભ્યાસ રૂપે મૌન રહીને અંતરમન સાથે રહેવું, એ ઉદેશ્યથી પણ અમાસે મૌનવ્રત ધારણ કરવાની પ્રથા છે. આ દિવસે ખાસ કરીને પવિત્ર નદીઓમાં સ્નાન અથવા ગંગા સ્નાન કરવાનો મહિમા છે. જો નદી સ્નાન ન થઈ શકે, તો ઘરે સ્નાનના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવાનું શાસ્ત્રો કહે છે. એ સિવાય આ દિવસે પિંડ દાન અને પિતૃ તર્પણ જેવા કાર્યો મોક્ષ અપાવનારા છે.

મૌની અમાસ

મહા કુંભનો દ્વિતીય સ્નાન

આ સંદર્ભે જો મહા કુંભની વાત કરીએ ત્યારે મૌની અમાસને દિવસે આવતા અમૃત સ્નાનનું મહત્વ અનેક ગણું વધી જાય છે. કારણ કે આ દિવસે કુંભ સ્નાન કરવા સ્વયં દેવતાઓ વિવિધ રૂપ લઈને સંગમે પધારે છે એવી માન્યતા છે. એટલે સંગમ સ્નાનની વિશેષ મહિમા છે. આ મુહૂર્તનો લાભ લેવા સંગમે સાધુઓ અને શ્રદ્ધાળુઓ સ્નાન સિવાય પિંડદાન અને તર્પણ કાર્યો પણ કરે છે. વળી જેમ મહા કુંભ ૧૪૪ વર્ષ બાદ આવ્યો છે તેમ આ મૌની અમાસનો ‘ત્રિગ્રહી યોગ’ લગભગ ૫૦ વર્ષ બાદ આવ્યો છે. કારણ કે આ વખતે મૌની અમાસે મકર રાશિમાં સૂર્ય, બુધ અને ચંદ્ર એકસાથે રહે છે. જે વૃષભ, તુલા અને મકર સહિત અમુક રાશિના જાતકો માટે અત્યંત કલ્યાણકારી છે. 

શું છે વસંત પંચમી?

મૌની અમાસ બાદ તૃતીય સ્નાન વસંત પંચમીએ આવે છે. માઘ સુદ પાંચમે ઉજવાતી પંચમીને ‘શ્રી પંચમી’ પણ કહેવામાં આવે છે. જે વસંત ઋતુની શરૂઆત ગણાય છે. જો કે દરેક ઋતુ વચ્ચેનો સંક્રમણ સમયગાળો ૪૦ દિવસનો હોય છે એટલે પંચમીના ૪૦ દિવસ પછી હોળી પર્વ સાથે વસંત ઋતુ પૂર્ણ રૂપે ખીલે છે. ભારતીય સભ્યતામાં પંચમીનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ વિશ્વની અન્ય સભ્યતાઓ જેમ કે બાલી અને ઈન્ડોનેશિયામાં પણ છે. ત્યાં તેને ‘હરિ રાય સરસ્વતી’ એટલે કે ‘સરસ્વતીનું મહાન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જે ૨૧૦ દિવસના ‘બાલિમીસ પાવુકોન’ કેલેન્ડરની શરૂઆત પણ દર્શાવે છે.

વસંત પંચમી

સમગ્ર ભારતમાં આ દિવસે માતા સરસ્વતીની પૂજા અને હવન થાય છે. કારણ કે માતા સરસ્વતી જ્ઞાન, વિદ્યા, કલા, સર્જનાત્મકતા અને શક્તિના દેવી છે. પીળો રંગ માતાનો પ્રિય રંગ છે; વળી વસંત પંચમીથી સરસવના પાકને પીળા ફૂલ આવતા હોવાથી પ્રાકૃતિક મહત્વ દર્શાવતા લોકો પણ પીળા વસ્ત્રો પહેરી, પીળા અને કેસરી ફૂલોનો શણગાર કરી પીળા અને કેસરી રંગની મીઠાઈ અને વાનગીઓ બનાવી આ તહેવાર ઉજવે છે.

કેટલાક પ્રાંતોમાં આ દિવસે બાળકોનું ‘વિદ્યારંભ સંસ્કાર’ થાય છે. જેમાં તેઓ સરસ્વતી માતાની પૂજા આરાધના કરીને સૌ પ્રથમવાર અક્ષર લખી, જ્ઞાન મેળવીને વિદ્યા ગ્રહણ કરવાની શરૂઆત કરે છે. આ દિવસે માતા સરસ્વતી સિવાય ભગવાન વિષ્ણુ, કૃષ્ણ તેમજ કામદેવ અને દેવી રતીની પૂજા પણ થાય છે. કારણ કે આ જ દિવસે કામ દેવ ભગવાન કૃષ્ણના પુત્ર ‘પ્રદ્યુમ્ન’ રૂપે જન્મ્યા હતા. એટલે તેને ‘મદન પંચમી’ પણ કહેવામાં આવે છે. 

વસંત પંચમી

મહા કુંભનો તૃતીય સ્નાન

હવે મહા કુંભના સંદર્ભમાં વાત કરીએ તો ખાસ વસંત પંચમી એ અમૃત સ્નાનનું વિશેષ મહત્વ છે. કારણકે આ દિવસે ૪ અદ્ભુત યોગ સર્જાવાના છે. વસંત પંચમીની સવારથી ‘સર્વાર્થ સિદ્ધિ યોગ’ ત્યારબાદ ‘રવિ યોગ’, ‘શિવ યોગ’ અને ‘સિદ્ધિ યોગ’ હશે. જે દરમિયાન સંગમ, પવિત્ર નદી કે તીર્થ સ્નાન કરવાથી વિશેષ ફળ મળે છે. વળી અગાઉ મહા કુંભના ત્રીજા પ્રકરણમાં આપણે જાણ્યું કે નાગા સાધુઓ પાંચ ગુરુઓ શિવ, વિષ્ણુ, શક્તિ, સુર્ય અને ગણેશ પાસેથી દીક્ષા લે છે ત્યારે શક્તિ અને જ્ઞાનને સમર્પિત એવી વસંત પંચમી તેમના માટે પણ અધિક મહત્વ ધરાવે છે.

આ દિવસે માતાની પૂજા અને આશીર્વાદથી સાધકો જ્ઞાન અને આધ્યાત્મ માર્ગ પર આગળ વધે છે. નાગા સાધુ હોય, સન્યાસી હોય કે અઘોરી બાવા, સમાજ અને સંસારથી દૂર રહેનારા અને ધર્મની રક્ષા કરનાર એ લોકોનો વિસ્તૃત પરિચય અને અન્ય ઘણી બધી બાબતોથી આપણે અજાણ છીએ. માટે આવતા અંકમાં અન્ય રોચક માહિતી અને તથ્યો વિશે વધુ ચર્ચા કરીશું.         

The article is written by the best-seller author Dr. Krupesh Thacker.


Maha Kumbh Songs


Vasant Panchami Song


મહા કુંભ મેળો 2025 તારીખ, મહત્વ, કથા અને રોચક તથ્યો | Amazing Unknown Facts about Maha Kumbh Mela
અર્ધ કુંભ, પૂર્ણ કુંભ અને મહા કુંભ શું છે? | કુંભ મેળાનો ઇતિહાસ | What is Ardh Kumbh, Purn Kumbh and Maha Kumbh?
નાગા સાધુઓનું રહસ્ય, પ્રક્રિયા, ઇતિહાસ અને અખાડા | The Origin of Naga Sadhu
અઘોરી સાધુ એટલે કોણ, અઘોર પંથના રહસ્યો | મહાકુંભ 2025 વિશેષ | Hidden Secrets Revealed of Aghori Sadhu

Gujarati Mijaaj Content Desk

Gujarati Mijaaj Content Desk is a dynamic team of writers and authors dedicated to capturing the pulse of entertainment, health, and indie music news in Gujarati language. Our global team delivers the latest scoops and insider insights, weaving captivating tales of stardom and uncovering stories often left untold.