Gujarati News (ગુજરાતી સમાચાર)Blogકૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

મહા કુંભ પાછળનો વિજ્ઞાન, ઉદ્દેશ્ય અને સંદેશ | Science, Astronomy & Takeaway Learnings| Maha Kumbh Best Stories 6

મહા કુંભ પાછળનો વિજ્ઞાન, ઉદ્દેશ્ય અને સંદેશ

પર્વની પાઠશાળા મહાકુંભ પ્રકરણ અંતર્ગત છેલ્લા પાંચ અંકોમાં આપણે મેળાના મહત્વ, મહિમા, ઇતિહાસ, અમૃત સ્નાન અને સાધુઓનો પરિચય તેમજ અન્ય કેટલીક રોચક બાબતો જાણી. સાહિત્ય થકી જ્ઞાન અને અધ્યાત્મના સંગમમાં ડૂબકી લગાવ્યા બાદ આજના અંકમાં આપણે કુંભ મેળા પાછળનો વિજ્ઞાન અને ઉદ્દેશ્યની વાત કરીશું. સાથે સાથે મહા કુંભનો સંદેશ અને એમાંથી આપણે શું શીખવું જોઈએ એની પણ ચર્ચા કરીશું.  

જ્યોતિષવિદ્યા, ખગોળશાસ્ત્ર અને આધ્યાત્મિક સિદ્ધિઓનો ‘મહા મિલન’

સનાતન ધર્મના રક્ષકો અને પ્રચારકોનો વિશ્વનો સૌથી મોટો ‘મહા મિલન’ છે કુંભ મેળો. એક એવો પર્વ કે જેને આમંત્રણ વિના, સૌ કોઈ આતુરતાથી પ્રતીક્ષા કરીને ઉજવે છે. ટીવી, સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટના માધ્યમે આજે બધા લોકો સતત મહા કુંભ વિશેની ક્ષણે ક્ષણની માહિતી મેળવી શકે છે. તેમજ ટેકનોલોજીના આધારે ઘર બેઠા જ કુંભ મેળાના દર્શન કરી શકે છે. પરંતુ આપણે વાત કરીશું એ સમયની જ્યારે  નાગા સાધુ, અઘોરી અને અન્ય સિધ્ધ મહાત્માઓ તરીકે ઓળખાતા એ વિજ્ઞાનિકો દૂર-દર્શન અને સંદેશાવ્યવહાર માટે ફક્ત આધ્યાત્મિક સિદ્ધિઓ અને ખગોળ વિજ્ઞાનનો ઉપયોગ કરીને કુંભ મેળા માટે એકત્ર થઈ જતા.

એ સાધુઓના શરીર ભસ્મથી અને મન આધ્યાત્મિક જ્ઞાન સાથે જ્યોતિષવિદ્યા અને ખગોળશાસ્ત્રથી આવૃત રહેતા. જે તેમને ગુરુઓ પાસેથી પ્રશિક્ષણ અને દીક્ષાના ભાગ રૂપે મળતા. ફક્ત બાહ્ય દેખાવને કારણે ન જોઈ શકાતી તેમની અસામાન્ય સિદ્ધિઓ વિશે વાત કરીએ તો એ સમયમાં જ્યોતિષ અને ખગોળમાં પારંગત એ સાધુઓ આકાશ દર્શન થકી સમયનો તાગ મેળવતા.

મહા કુંભ 2025

ભારતીય જ્યોતિષ શાસ્ત્રમાં આકાશના ૩૬૦ ડિગ્રીના વર્તુળને બાર ભાગમાં વિભાજિત કર્યા છે. એ પ્રત્યેક ૩૦ ડિગ્રીના ભાગને આકાશમાં નરી આંખે જોઇ શકાતા તારાઓની આકૃતિ સાથે સાંકળીને તેને “રાશિ” નામ અપાયું છે. જે તે સ્થળેથી જોનાર વ્યક્તિને જે તે ગ્રહ જે તે રાશિમાં આવેલ દેખાય ત્યારે તે ગ્રહનો રાશિમાં પ્રવેશ છે એમ કહેવાય. આ ઉપરાંત આકાશના ૩૬૦ ડિગ્રીના વર્તુળ (સંપૂર્ણ રાશિ ચક્ર) ને ૨૭ ભાગમાં વિભાજીત કરીને તેને નક્ષત્ર કહ્યા છે. આમ પ્રત્યેક નક્ષત્ર ૧૩ ડિગ્રી અને ૨૦ સેં. ના માપનું બને છે. ઉપરાંત પ્રત્યેક નક્ષત્ર ચાર ભાગમાં વહેંચવામાં આવે છે જેને “પાદ” અથવા “ચરણ” કહે છે. જેમ પૃથ્વીને સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરતાં 365 દિવસ લાગે છે, તેમ ગુરુ ગ્રહને સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતાં 12 વર્ષ લાગે છે.

આમ, ગુરુ ગ્રહનું એક સંપૂર્ણ ચક્ર પૂર્ણ થતાં કુંભનું આયોજન થાય છે. આ બધા જ સમીકરણો મેળવીને દર બાર વર્ષે યોજાતા કુંભ મેળામાં બધા સનાતનના આગેવાનો એકત્ર થઈ જતાં. એટલે કહી શકાય કે બ્રહ્માંડમાં સ્વયં ગુરુ (બૃહસ્પતિ) ને કેન્દ્રમાં રાખીને સૌ શિષ્યો કોઈ પણ જાતના ભૌતિક વ્યવહાર વિના આધ્યાત્મિક જોડાણથી કુંભમાં પ્રગટ થઈ જતાં. તેમનું ધર્મના સંવર્ધન અને રક્ષણ સિવાય બીજું સૌથી મોટું યોગદાન એ રહેતું કે સૌ પોતપોતાની વિશેષતા, વિશિષ્ટતા, સિદ્ધિઓ અને વિજ્ઞાનની સમજના આધારે પંચાંગનું નિર્માણ કરતાં જે કોઈ પણ ખામી વિનાનું એકદમ સચોટ રહેતું. એથી જ આજે પણ પંચાંગની ગણતરીઓ પ્રમાણિત રહે છે. જન્મ કુંડળી નિર્માણથી કરીને વિવિધ સંસ્કાર, લગ્ન અને અન્ય શુભ માંગલિક કાર્યો પંચાંગ પ્રમાણે જ થતાં. 

આ ઉપરાંત કુંભ મેળામાં એ સિદ્ધ સાધુઓ અમૃત સ્નાન સાથે જ્ઞાન સાગરમાં સ્નાન પણ કરતાં. જેમાં સાથે મળીને પરસ્પર શાસ્ત્રાર્થ પણ થતું અને જન સામાન્ય શ્રદ્ધાળુઓ સમક્ષ જ્ઞાન ચર્ચાઓ પણ રહેતી. સાધુઓ પોતાના જીવનની આધ્યાત્મિક યાત્રા દરમિયાન જે જાણ્યું અને અનુભવ્યું હોય તે એક બીજા સાથે વહેંચતા. પોતે મેળવેલી સિદ્ધિઓ એક બીજાને પણ શીખવતા જેથી ધર્મ અને આધ્યાત્મના કાર્યને વેગ મળી શકે. તેમજ આત્મ-ઉન્નતિ સાથે અન્યોને પણ ઉન્નતિ મળી શકે. ‘શ્રુતિ’ અને ‘સ્મૃતિ’ એ બે માધ્યમે આદિ કાળથી ચાલી આવતી આપણી સનાતન સંસ્કૃતિને કુંભ મેળા દરમિયાન ગ્રહણ કરી લોકો સુધી પહોંચાડવામાં એમનો પણ પાયાનો યોગદાન રહ્યો છે.

એટલે સામાન્ય લોકો માટે એક આધ્યાત્મિક પર્વ જેવો ભાસતો કુંભ મેળો ખરેખર એ સાધુઓ માટે ‘વેદ વિદ્યાલય’ જેવો છે જ્યાં અરસપરસમાં ધર્મ, જ્ઞાન, વિજ્ઞાન અને અધ્યાત્મની આપ-લે થાય છે. આમ કુંભ મેળા પાછળના વિજ્ઞાન અને ઉદ્દેશ્યને જાણ્યા બાદ હવે વાત કરીએ કે એમાંથી આપણે શું શીખવું જોઈએ. બીજો મહા કુંભ તો હવે 144 વર્ષ બાદ આવશે, પરંતુ આ મહા કુંભ સાથે આપણે વ્યક્તિગત રીતે મુખ્ય ચાર સંદેશ શીખીને તેને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીશું. 

ચોથો સંદેશ છે આત્મ-ઉન્નતિ: ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયના પાંચમા શ્લોકમાં કહ્યું છે કે ‘ઉદ્ધરેદાત્મનાત્માનં નાત્માનમવસાદયેત્ । આત્મૈવ હ્યાત્મનો બંધુરાત્મૈવ રિપુરાત્મનઃ॥’ અર્થાત્ મનુષ્યને પોતાના મનની સહાયતાથી પોતાનું ઉદ્ધાર કરવું જોઈએ. અધોગતિ કરવી જોઈએ નહીં; કારણ કે મન જ માનવીનો શત્રુ છે અને મિત્ર પણ! તો આપણે મનને મિત્ર બનાવીને આત્મ-ઉન્નતિ માટે જરૂરી દરેક પ્રયત્નો કરીએ. ‘જીવન એટલે ‘જીવ’ ની ‘શિવ’ સુધીની યાત્રા!’ અને શિવ સુધી પહોંચવા માટે મહા કુંભથી વિશેષ અવસર બીજું શું હોઈ શકે? માટે આગામી અંકમાં મહાશિવરાત્રી પર્વ સાથે આપણે શિવ તત્વને સમજવાની ચર્ચા કરીશું.

સૌ પ્રથમ સંદેશ છે જીવનમાં ખગોળ અને જ્યોતિષનું મહત્વ સ્થાપવાનું અને અનુસરવાનું: આપણે સૌ પંચાંગ અનુસાર લગ્ન અને અન્ય શુભ કાર્યો માટે તિથી અને મુહૂર્ત તો જોઈએ જ છીએ. પરંતુ જ્યારે જન્મદિવસ ઉજવવાની વાત આવે તો પાશ્ચાત્ય કેલેન્ડરની તારીખ જ ઉજવાય છે. માટે મહા કુંભ સાથે પહેલું સંદેશ એ લઈએ કે હવેથી જન્મદિવસ પણ તિથિ અનુસાર ‘બર્થડે પર્વ’ બનીને ઉજવાય. જેમ કેલેન્ડર જોઈને સમજવા માટે કોઈ અન્યની જરૂર રહેતી નથી તેમ ‘પંચાંગ’ નું અભ્યાસ શીખીને વ્યવહારમાં વણી લઈએ.  

બીજો સંદેશ છે જીવનમાં જ્ઞાનનું મહત્વ સ્થાપવાનું: જેમ મહા કુંભમાં સૌ જ્ઞાન લેવા અને વહેંચવા આવે છે, તેમ આપણે પણ રોજીંદી દિનચર્યા માંથી થોડું સમય કાઢી જ્ઞાન અર્જિત કરીએ. આપણા વેદ, પુરાણ, ગીતા કે ગ્રંથો વાંચીએ.

ત્રીજો સંદેશ છે જે મળ્યું છે એ આપવાનું: જે ધર્મ, જ્ઞાન કે અધ્યાત્મ જાણ્યું હોય કે શીખ્યા હોઈએ તે પરિવાર, મિત્રો કે સમાજને પણ આપીએ. રોજ નિશ્ચિત સમય માટે કે અઠવાડિયે એક દિવસ સાથે મળીને ગ્રંથ વાંચી ‘અધ્યયન પર્વ’ ઉજવીએ. 

The article is written by the best-seller author Dr. Krupesh Thacker.

મહા કુંભ મેળો 2025 તારીખ, મહત્વ, કથા અને રોચક તથ્યો | Amazing Unknown Facts about Maha Kumbh Mela
અર્ધ કુંભ, પૂર્ણ કુંભ અને મહા કુંભ શું છે? | કુંભ મેળાનો ઇતિહાસ | What is Ardh Kumbh, Purn Kumbh and Maha Kumbh?
નાગા સાધુઓનું રહસ્ય, પ્રક્રિયા, ઇતિહાસ અને અખાડા | The Origin of Naga Sadhu
મૌની અમાસ, વસંત પંચમી, મહા કુંભ સ્નાન, તારીખ, મહત્વ અને રોચક વાતો | Mauni Amavasya, Vasant Panchami and Shahi Snan, Date and Significance

Gujarati Mijaaj Content Desk

Gujarati Mijaaj Content Desk is a dynamic team of writers and authors dedicated to capturing the pulse of entertainment, health, and indie music news in Gujarati language. Our global team delivers the latest scoops and insider insights, weaving captivating tales of stardom and uncovering stories often left untold.