માતાના ૧૧ રૂપોની વંદના સાથે 30 દિવસીય “મા પર્વ” નું કચ્છ તેમજ અમેરિકામાં થયું સમાપન | Maa Parv: Mother’s Day Sanatan Way | Best of Maa Parv
ગિવ વાચા ફાઉંડેશન અને કૃપ ગુરુકુલ દ્વારા આયોજિત “મા પર્વ” નું ભવ્ય 30 દિવસીય આયોજન “Mother’s Day, Sanatan Way” થીમ હેઠળ કરવામાં આવ્યું. આ પર્વમાં માતૃત્વના ૧૧ રૂપો ને આધારે વિવિધ પૂજાઓ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કચ્છના વિવિધ શહેરો તેમજ અમેરિકામાં કરવામાં આવ્યું. આ સમગ્ર સંસ્કાર યાત્રાનું પ્રેરણાસ્થાન બન્યું પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા પર્વ‘ જે લેખક ડૉ. કૃપેશ નયના શશિકાંત નું બેસ્ટ સેલર પુસ્તક છે.
વંદે માતરમ
મા પર્વ અંતર્ગત “ભારત માતા” ને નમન કરવામાં આવ્યું. સૌએ તિરંગા સાથે રાષ્ટ્રગાન ગાઈને દેશ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી તેમજ સૈનિકોના બલિદાનને યાદ કરી તેમણે નમન કર્યું. બાળકો અને વડીલોએ પર્વ ફ્યુઝન બેન્ડ દ્વારા તૈયાર કરાયેલા “હૈ નમન”, “ઐ વતન – વંદે માતરમ”, અને “શહીદો કો સલામ” જેવા દેશભક્તિ ગીતો ભાવપૂર્વક ગાયા.
માતૃ દેવો ભવઃ
આ ઉત્સવ દરમિયાન વિવિધ સ્થળોએ માતૃપૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં કચ્છ યુનિવર્સિટી અને ગિવ વાચા ફાઉન્ડેશન દ્વારા ચાલતા “ભગવદ ગીતા ફોર લાઈફ મેનેજમેન્ટ” કોર્સના કોલેજના વિદ્યાર્થીઓ પણ ગુરૂકુળના બાળકો સાથે જોડાયા. બાળકો અને વડીલોએ સાથે મળીને “માતૃ દેવો ભવઃ” ની સંસ્કૃતિને જીવંત કરી. બાળકો દ્વારા પોતાની માતાનું ચરણસ્પર્શ, તિલક અને પુષ્પાંજલિ કરીને અનુકંપા અને સ્નેહ માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
કૃપ ગુરુકુલમાં માતાના વિવિધ રૂપોની પૂજા
આ અવસરે બાળકોએ માતા સાથે વિવિધ પ્રવૃતિઓ કરી, રમત રમી તેમજ ચિત્રો બનાવ્યા – જેના દ્વારા સમગ્ર વાતાવરણ ભાવનાત્મક બની ગયું. વડીલ માતાઓના ચહેરા પર તેજ અને હર્ષની ઝલક જોવા મળી. આ માસ દરમિયાન ગુરુ પૂજા દ્વારા વિદ્યા આપનાર માતાની પૂજા કરવામાં આવી. જેમાં ઉપસ્થિત બાળકોએ ગુરૂમિત્ર ડૉ. પૂજા પ્રવિણાબેન જગદીશભાઈ ની વંદના કરી. આ સાથે જ માતૃભાષાની વંદના “ધન્ય ધરા ગુજરાતની” થકી તો ગીતા મા અને ગૌ માતા નું પૂજન પંચમુખી હનુમાન મંદિર ખાતે આવેલ ગૌ શાળામાં “ગુંજે ગીતા” થકી કરવામાં આવ્યું. લોકમાતા તેમજ તુલસી માતા ના પૂજન સાથે સમગ્ર સૃષ્ટિ માટેના તેના મહત્વ અને જતનની સમજ આપવામાં આવી.

પુત્રોહમ્ પૃથિવ્યા
મા પર્વ અંતર્ગત સૌ કોઈ પોતાના માતા પિતાના નામ સાથે વિવિધ સામાજિક કાર્યોમાં પણ જોડાયા, જેમાં ધરતી માતા અને દેવી મા ની વંદના રૂપે “પુત્રોહમ્ પૃથિવ્યા” ના ભાવ સાથે ગ્લોબલ ક્લબફૂટ અવરનેસ પર્વ માટે વૈશ્વિક કક્ષાએ કાર્ય થયું. એ માટે કચ્છના કાર્યકરો એ વિવિધ શહેરોમાં લોકજાગૃતિ કરી તો સંસ્થાના ટ્રસ્ટી ડૉ. કૃપેશ નયના શશિકાંત અને એમ્બેસેડર બાળ કલાકાર વાચા પૂજા કૃપેશ એ અમેરિકા ખાતે 30 દિવસિય મોરચો સંભાળ્યો.

મા પર્વમાં આવા સંયોજન દ્વારા બાળકોમાં માતાના વિવિધ રૂપ પ્રત્યે કૃતજ્ઞતા, પ્રેમ અને સાધનાની ભાવના જન્મી રહી – જે આજના યુગમાં અત્યંત આવશ્યક સંસ્કાર છે. ડૉ. પૂજા પ્રવિણા જગદીશ એ બાળકોને માતૃત્વના વિવિધ સ્વરૂપો પર ઊંડું જ્ઞાન અપાયું. તો કાર્યક્રમના આયોજનમાં પ્રિયાબેન, નિલમબા, નૈઋતીબેન અને આનંદભાઈ એ પોતાનો સહકાર આપ્યો. આ પ્રસંગે ગિવ વાચા ફાઉંડેશનના ટ્રસ્ટી નયનાબેન દિવાળીબેન જેઠાલાલ એ ઉમેર્યું કે “માતૃત્વ એ ભાવનાઓનો સૂર છે – જે ક્યારેક મૌન હોય છે, ક્યારેક મંત્ર હોય છે, પણ હંમેશા માર્ગદર્શક હોય છે.”
Here is the superhit songs by Dr. Krupesh, Dr. Pooja, Vacha and Parv (Parv Fusion Band)
