‘ઘર ઘર ગૂંજે ગીતા’ થકી કચ્છમાં કૃપ ગુરુકુલના વિદ્યાર્થીઓએ રચ્યો ભક્તિ, જ્ઞાન અને કર્મનો ત્રિવેણી સંગમ | Ghar Ghar Gunje Gita movement by Krup Gurukul | Top Stories 2024
કચ્છના ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક, ઇઝી આઈડી અને કૃપ ગુરુકુલ દ્વારા હાલમાં ચાલી રહેલા ગીતા જયંતી પર્વ અંતર્ગત સંસ્થાની કોલેજ અને ગુરુકુલના વિદ્યાર્થીઓ એ ‘અર્જુન’ બનીને અંજારના વિવિધ સ્થળોએ ‘ઘર ઘર ગૂંજે ગીતા’ નું આયોજન કર્યું. જેમાં ગાયત્રી સોસાયટી, કનકેશ્વર મંદિર અને પ્રજાપતિ સોસાયટીના વિવિધ સ્થળો નો સમાવેશ થાય છે. તેમને પ્રોત્સાહન આપવા માટે સંસ્થાના પ્રણેતા ડૉ. કૃપેશ ઠક્કર, ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર અને ગુરુકુલના આચાર્યા ડૉ. પૂજા ઠક્કર હાજર રહ્યા હતા.
ભગવદ્ ગીતા જ્ઞાનનો વ્યાવહારિક ઉપયોગ કરી બન્યા આદર્શ ઉદાહરણ
ભગવદ્ ગીતાના વ્યાવહારિક ઉપયોગના કોલેજમાં શીખેલા જ્ઞાનને અનુસરતા વિદ્યાર્થિનીઓ પ્રિયાબેન પ્રજાપતિ, અંજલીબેન સેવક, નૈઋતીબેન શેઠિયા અને લતાબેન ઓઝાએ કર્મયોગની પહેલ કરી હતી. જેમાં અન્ય વિદ્યાર્થીઓ પણ સાથે જોડાયા. દરેક કાર્યક્રમની શરૂઆત ગૂંજે ગીતાના બાળ એમ્બેસેડર પર્વ ઠક્કર અને વાચા ઠક્કર સાથે ગુરુકુલના બાળકોએ પ્રાર્થના સાથે કરી હતી. ત્યારબાદ આમંત્રિત મહેમાનોએ સાથે મળીને સંગીતમય ગૂંજે ગીતાનું પારાયણ કર્યું હતું. આ સાથે જ કોલેજના વિદ્યાર્થીઓએ જ્ઞાન, ભક્તિ અને કર્મયોગના સ્વાનુભવ વ્યક્ત કર્યા.



‘ઘર ઘર ગૂંજે ગીતા’ અભિયાન શરૂઆત
આ પ્રસંગે શ્રીમતી નયનાબેન એ કહ્યું કે, “ગૂંજે ગીતા શતક મહોત્સવમાં એક સો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ લોકોના બહોળા પ્રતિસાદને આવકારી સંગીતમય ગીતાને હર ઘર સુધી પહોંચાડવા ‘ઘર ઘર ગૂંજે ગીતા’ અભિયાન શરૂ થયું. જેમાં સંસ્થાના ગિફ્ટ ઓફ ટાઈમ એમ્બેસેડર સદસ્યો પોતાનું નોંધપાત્ર યોગદાન આપે છે.”
આ કોર્સ અંતર્ગત એક નહીં અનેક પ્રતિનિધિઓ થઈ રહ્યા છે તૈયાર!
વધુમાં ડૉ. કૃપેશ એ ઉમેર્યું કે, “ભગવદ્ ગીતાના સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સમાં જોડાયેલા વિદ્યાર્થીઓ ખરેખર ગીતાના વ્યવહારિક ઉપયોગ માટે તૈયાર થઈ મેદાનમાં ઉતરી આગળ વધી રહ્યા છે. ત્યારે તેમના સફળ પ્રયત્નો જોઈ અમે ગૌરવ અનુભવીએ છીએ. આ કોર્સ અંતર્ગત એક નહીં અનેક પ્રતિનિધિઓ તૈયાર થઈ રહ્યા છે જે ગીતાના આ અભિયાનને લોકો સુધી પહોંચાડે છે.”
તો બાળકો વિષે વાત કરતા ડૉ. પૂજા એ ઉમેર્યું કે, “નાના બાળકોને ગીતા ગાતા જોવું એ પણ એક લ્હાવો છે. ગુરુકુલમાં સનાતન સંસ્કાર સાથે વ્યક્તિત્વ અને ચારિત્ર્ય ઘડતર શીખી રહેલા નાના બાળકો આ કર્મયોગમાં જોડાઈને અન્ય માટે પ્રેરણા અને આદર્શ ઉદાહરણ સ્થાપી રહ્યા છે.”
ગીતાના સર્ટિફિકેટ કોર્સ માટે નવી બેચ પણ શરૂ!
કાર્યક્રમના અંતે ઉપસ્થિત અન્ય લોકોએ પણ આ ઉત્સવની થીમ ‘મૈં ભી અર્જુન’ ના સૂત્ર સાથે કર્મયોગમાં જોડાવવાનો સંકલ્પ લીધો. અત્રે ઉલ્લેખનીય છે કે લોકોના બહોળા પ્રતિસાદને આધારે સંસ્થાએ ગીતાના સર્ટિફિકેટ કોર્સ માટે નવી બેચ પણ શરૂ કરી છે. જેમાં ગૃહિણીઓ, વડીલો અને યુવાઓ જોડાયા છે.
