Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: ધન્ય ધરા ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

કચ્છના ઐતિહાસિક મંદિર ‘પુંઅરેશ્વર મહાદેવ’ ની અલૌકિક શબ્દયાત્રા | Discover the majestic 1200-years-old Mahadev temple of Kutch | ધન્ય ધરા ગુજરાતની

કૉલમ: ધન્ય ધરા ગુજરાતની | લેખક: અરુણા ઠક્કર

ઐતિહાસિક મંદિર ‘પુંઅરેશ્વર મહાદેવ’ ની શબ્દયાત્રા: મહાદેવનું નામ પડે, એટલે પ્રકૃતિનું તાદાત્મ્ય સહેજે અનુભવાય. પાર્વતી એ પ્રકૃતિ…. શિવનો વસવાટ ક્યાં હોય? આમ તો સ્મશાનમાં પણ હોય! પરંતુ આપણે શિવાલયો જોવા જઈએ તો લગભગ ગામને પાદરે મળે. એમ તો દરેક ગામમાં પણ શિવ મંદિર હોય જ, પણ ગામની ભાગોળે પણ, અથવા તો ગામથી સારું એવું દૂર, શિવાલય તો હોય જ છે. એ જ કારણસર શિવમંદિરમાં શાંતિ અને ભક્તિ સાથે પ્રકૃતિ પણ મનને સ્પર્શી જાય છે.

કચ્છના શિવાલયો લેખવા બેસીએ તો અધધધ…. થઈ જાય. કચ્છ આ દૃષ્ટિએ પણ અત્યંત સમૃદ્ધ છે. મહાદેવના નામ પણ કેટલાં વૈવિધ્ય સભર હોય છે. આજે આપણે એક એવા સ્થળની, એવા શિવાલયની વાત કરીશું કે જે સાવ અજાણ તો નથી જ. કચ્છથી નાતો રાખનાર, કચ્છથી જોડાયેલ, અથવા તો કચ્છ પ્રેમી પણ, ‘પુંઅરેશ્વર મહાદેવ’ના નામથી પરિચીત હશે જ. જ્યારે આ મંદિરની વાત થાય ત્યારે એક આશ્ચર્ય આવીને ઊભું રહી જાય છે.

કચ્છના ઐતિહાસિક મંદિર પુંઅરેશ્વર મહાદેવ ની શબ્દયાત્રા | ધન્ય ધરા ગુજરાતની

૧૨૦૦ વર્ષ જૂનું શિવ મંદિર: ‘પુંઅરેશ્વર મહાદેવ’

નખત્રાણા ભુજ હાઈવે પર, નખત્રાણાથી અઢારેક કિલોમીટરના અંતરે નવમી સદીમાં નિર્માણ પામેલ પુંઅરેશ્વર મહાદેવ મંદિર અંદાજે ૧૨૦૦ વર્ષ જૂનું છે. જિલ્લાના હજારો લોકોની આસ્થાનું આ કેન્દ્ર દ્રવિડ અને નાગર શૈલીનું સ્થાપત્ય ધરાવે છે. આ મંદિરના મહંત સો વર્ષથી પણ વધુ ઉંમરના છે. તેમના શિષ્ય સાથે સેવા પૂજા કરે છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં દરેક સોમવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે.

આ પણ વાંચો: કચ્છના પૌરાણીક તીર્થ ‘ધ્રબુડી’ ની શબ્દયાત્રા | ધન્ય ધરા ગુજરાતની

‘પુંઅરેશ્વર મહાદેવ’ મંદિર નો ઇતિહાસ

એક માન્યતા પ્રમાણે પદ્ધર ગઢના સ્થાપક રા-પુઅરા રાજાએ આ મંદિર બંધાવ્યું હતું. એટલે ‘પુંઅરેશ્વર’ નામ પડ્યું. બીજી દંતકથા પ્રમાણે રા-પુઅરાની સગાઈ થઈ, એ શિવભક્ત હોવાથી તેમણે એવી વાત મૂકી કે શિવજી તેમની સાથે આવે, તો જ લગ્ન કરશે. લગ્ન પછી એમની વેલ પાછળ શિવમંદિર પણ આવવા લાગ્યું. પદ્ધર ગઢના નાના દ્વાર જોઈને રાણીને શક પડ્યો કે, મંદિર અંદર આવશે? એમણે ફરીને જોયું, એટલે મંદિર ગામ બહાર જ રહી ગયું. એવી લોક વાયકા પણ કચ્છના લોકો પાસેથી જાણવામાં આવી છે.             

એક પ્રશ્ન, એક આશ્ચર્ય, સહુ માટે છે. ૨૦૦૧માં ભૂકંપની થપાટ બાદ, પુંઅરેશ્વર મહાદેવ મંદિર અડીખમ તો ઊભું છે, પણ હાલત જર્જરિત છે. હવે જ્યારે સરકાર દ્વારા આ સ્થળને હેરિટેજ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે જો પુરાતત્વ વિભાગ દ્વારા સમારકામ કે કાળજી લેવામાં આવે તો કચ્છના પર્યટન સ્થળોમાં આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. વધુમાં સરકાર દ્વારા મંજૂર થયેલ ગ્રાન્ટ માંથી ધાર્મિક અને ઐતિહાસિક સાથે સાંસ્કૃતિક મહત્વ ધરાવતા આ મંદિરના સંરક્ષણ, જિર્ણોદ્ધાર, પરિસર વિકાસ, વૃક્ષારોપણ, બ્યુટી ફીકેશનનાં કાર્યો થાય એવી સંભાવનાઓ પણ જોવા મળે છે.

પુંઅરેશ્વર મહાદેવ મંદિર અને તેની પ્રાકૃતિક સુંદરતા ને જોતાં, જો પર્યટક સુવિધાનું ધ્યાન રાખવામાં આવે તો આ સ્થળની લોકપ્રિયતા ઓર વધી જાય એ નક્કી. કચ્છના લોકોની શ્રદ્ધા અને આસ્થાનું આ અડીખમ પ્રતિક, ભવિષ્યમાં નવીન અને સુંદર સ્વરૂપ સાથે ભક્તો અને પર્યટકોને આવકારે એવી સૌને પ્રતિક્ષા રહેશે. હર હર મહાદેવ…..

વધુ વાંચો: Jalaram Bapa | Jogi Jalaram | जलाराम बापा | જલારામ બાપા
Guru Nanak | गुरु नानक | ગુરુ નાનક

ધન્ય ધરા ગુજરાતની – મારું ગુજરાત છે

પર્વ ઠક્કર, વાચા ઠક્કર અને ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા ગાયેલ “ધન્ય ધરા ગુજરાતની – મારું ગુજરાત છે” ગીત.


Gujarati Mijaaj Content Desk

Gujarati Mijaaj Content Desk is a dynamic team of writers and authors dedicated to capturing the pulse of entertainment, health, and indie music news in Gujarati language. Our global team delivers the latest scoops and insider insights, weaving captivating tales of stardom and uncovering stories often left untold.