કૉલમ: ધન્ય ધરા ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષ

કચ્છના પૌરાણીક તીર્થ ‘ધ્રબુડી’ ની શબ્દયાત્રા | ધન્ય ધરા ગુજરાતની

કૉલમ: ધન્ય ધરા ગુજરાતની | લેખક: મીનાક્ષી સોની

પૌરાણીક તીર્થ ‘ધ્રબુડી’ ની શબ્દયાત્રા: ધન્ય ધરા ગુજરાતની એ કોલમ અંતર્ગત મારે કચ્છના પ્રવાસન સ્થાન વિશે માહિતી સાથે લોકોને શબ્દ યાત્રા કરાવવાની છે ત્યારે યાત્રાના પહેલા મણકામાં હું આપને માંડવી તાલુકામાં આવેલા તીર્થ સ્થાનની મુલાકાતે લઈ જઈશ. ગુજરાત રાજ્ય એટલે ભારત મા નો જમણો હાથ અને તેનો સૌથી વિશાળ જિલ્લો એટલે કચ્છ. આ પ્રદેશનું નામ કચ્છ કેમ પડ્યું તે વિશે અનેક ધારણાઓ છે; જેમાં કાચબા જેવા આકારને કારણે અથવા કાદવવાળી ભૂમિને કારણે તેનું નામ કચ્છ પડ્યું હોય.

કચ્છનું સ્કંદપુરાણમાં કચ્છમંડલ તરીકે વાયુપુરાણમાં કચ્છીય અને પાણિનીમાં કચ્છક તરીકે ઉલ્લેખ છે. કચ્છની ભૂમિ એટલે મરુ મહેરામણ અને મેરુ ની ભૂમિ. કેટલાય ધાર્મિક ઐતિહાસિક પૌરાણિક સ્થાનો એ કચ્છને દીપાવ્યું છે. તેથી તો આપણા મહાનાયક અમિતાભ બચ્ચને કહ્યું છે કે: કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા… તો ચાલો આપણે શરૂ કરીએ કચ્છ યાત્રાની પહેલી સફર … આ શબ્દયાત્રાના પહેલા મણકામાં આપણે માંડવી તાલુકાના ગુંદિયાલી ગામ પાસે આવેલા ધ્રબુડી તીર્થધામની યાત્રા કરશું. જેનું ભૌગોલિક અંતર માત્ર આઠ કિલોમીટર છે માંડવીથી… પરંતુ તેના મૂળ છે ત્રેતાયુઞ માં…

ભગવાન રામ અને ઋષિ ભૃગુની ભૂમિ – ધ્રબુડી

સૌપ્રથમ આપણે ધ્રબુડી તીર્થનું પૌરાણિક મહત્વ સમજીએ. ત્રેતા યુગમાં 88,000 ઋષિમુનિઓ અહીં તપ કરવા પધાર્યા હતા. આજે જ્યાં ભૃગુ આશ્રમ મંદિર છે, ત્યાં ભૃગુ ઋષિ પધાર્યા હતા અને ઋષિ કુંડ પણ છે. કે જ્યાં બધા ઋષિમુનિઓ તપ અને સ્નાનાદિ ક્રિયાઓ કરતા હતા. ભગવાન શ્રીરામ પણ અહીં પધાર્યા હતા. એના માનમાં જ સરોવરનું નામ રામ સરોવર છે અને ભગવાન શ્રીરામનું મંદિર પણ એકદમ સુંદર અને રામની હસતી મૂર્તિઓ વાળું છે, જે દરેક શ્રધ્ધાળુઓને દર્શન કરવા માટે આકર્ષે છે.

ધ્રબુડી

આખર કઈ રીતે નામ પડ્યું ધ્રબુડી?

આપણને એમ થાય કે ‘ધ્રબુડી’ નું નામ કેવી રીતે પડ્યું? તો ઋષિમુનિઓ જ્યારે તપ કરતા હતા, તે હજારો વર્ષો સુધી તપ કરવાથી તેમના શરીર પર માટી ઉગી નીકળી અને ધ્રબ નામે એક ઘાસ ઊગી નીકળ્યું. જેના કારણે ‘ધ્રબુડી’ નામ પડ્યું છે, આ ધ્રબ ઘાસ યજ્ઞ યાજ્ઞાદી જેવા કર્મોમાં પણ વપરાય છે અને ગ્રહણ વખતે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સારું હોવાથી ઘરમાં રાખવાથી ગ્રહણના કિરણો આપણને નુકસાન નથી કરતા એ વાત પ્રસિદ્ધ થઈ ચૂકેલી છે.

ભગવાન શ્રી રામના મંદિર ની બાજુમાં ત્રંબકેશ્વર મહાદેવ નું મંદિર છે અહીં પણ રામ અને શિવ રામેશ્વરની જેમ જ સાથે જ બિરાજે છે કારણકે બંને પરસ્પર એકબીજાના ચાહક અને ભક્ત અને ભગવાન છે બંને એકબીજાને સેવે છે. તેથી રામ અને શિવ શંકર હમેશા સાથે જ જોવા મળે છે. આ ઉપરાંત અહીં સપ્તઋષિનું મંદિર, નવગ્રહનું મંદિર પણ આવેલા છે.

આ પણ વાંચો: કચ્છના ઐતિહાસિક મંદિર ‘પુંઅરેશ્વર મહાદેવ’ ની અલૌકિક શબ્દયાત્રા | Discover the majestic 1200-years-old Mahadev temple of Kutch

અહીં પિતૃઓને મળે છે મોક્ષ!

ધ્રબુડી તીર્થસ્થાન પિતૃકાર્ય માટે ખૂબ પવિત્ર ગણાય છે. અહીં સમગ્ર કચ્છમાંથી લોકો મૃત્યુ ઉપરાંતની વિધિ કરવા માટે આવે છે. જે આ સ્થાનનું મહત્વ દર્શાવે છે. કુંડળીના ગ્રહ નિવારણના દોષ માટે પણ અહીં યજ્ઞ યાગાદી થતા હોય છે. અહીં એક પીપલ વૃક્ષ છે, જેને પાણી પાવાનું પણ ખૂબ મહત્વ છે. કહેવાય છે કે અહીં પાણી પાવાથી પિતૃદોષની નિવૃત્તિ થાય છે માટે તેને પિતૃ મોક્ષા પીપલ કહે છે. ધ્રબુડી તીર્થસ્થાનમાં ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિ પાંચમના દિવસે મેળો ભરાય છે. જે ઋષિમુનિઓની વંદના માટેની એક વ્યવસ્થા છે. આપણા સનાતન ધર્મની ખૂબ જ સારી વ્યવસ્થા છે કે આપણા પિતૃઓને અને ઋષિમુનિઓને યાદ કરીને તેમનું ઋણ વાળવા માટેનું એક માધ્યમ બની રહે છે.

ધ્રબુડી ની ઉત્તમ વ્યવસ્થાઓ

ધ્રબુડી તીર્થધામમાં ભોજનાલયની સુંદર વ્યવસ્થા છે. લક્ષ્મી અન્નપૂર્ણા ભંડાર જ્યાં 365 દિવસ યાત્રિકોને સુંદર પ્રસાદ પીરસવામાં આવે છે . અહીં એક સુંદર વ્યવસ્થા છે કે આપણા પિતૃઓની યાદમાં કાયમી તિથી નોંધાવીને આપણે પણ ભોજન કરાવવાની વ્યવસ્થામાં સહભાગી બનીને સમાજનું ઋણ ઉતારવાની તક મેળવી શકીએ છીએ. આ ઉપરાંત અહીં ગૌશાળાની પણ સુંદર વ્યવસ્થા છે. જ્યાં બધી ગાયોને સુંદર રીતે રાખવામાં આવે છે અને વૃક્ષોનું પણ જતન થાય તે માટે વૃક્ષ દત્તક યોજના પણ છે. પ્રિયજન ના નામે આપણે યોજનામાં ભાગ લઈ અને તેમની યાદને કાયમી સ્વરૂપે રાખી શકીએ છીએ. પ્રભુ પ્રકૃતિ અને પ્રિયજન એ ત્રણેની યાદને કાયમ રાખવા માટેનું સુંદર રમણીય અને ધાર્મિક પવિત્ર સ્થળ એટલે ધ્રબુડી છે. અહીં થોડી અંતરે દરિયો પણ આવેલો છે જે સમુદ્રના સેલાણીઓ આકર્ષણ છે.

માંડવીથી જતા વચ્ચે રાવળપીર નામનું એક સુંદર સ્થળ પણ આવે છે જે પણ ઐતિહાસિક શહીદો અને સુરાપુરાના યાદમાં છે. જેને પણ ઘણી બધી જ્ઞાતિના લોકો ઘોડા રુપે પૂજન કરે છે. સુંદર સ્થળ છે અને વચ્ચે એક નાનકડી તલાવડી આવે છે, જેને મોચી તળાવડી પણ કહે છે. શ્રાવણ વદ અમાસના દિવસે આ ત્રણેય મેળાઓ એક સાથે યોજાય છે. જેમાં પુરાણ કાળમાં તો લોકો ગાડામાં બેસીને તે ત્રણેય મેળામાં સાથે જતા; આખો દિવસ ખૂબ આનંદ કરતા. પણ આજે આધુનિક વાહન વ્યવહારના યુગમાં પણ ત્રણેય મેળાનું એટલું જ મહત્વ છે. સવારથી સાંજ સુધી સુંદર આયોજન કરીને લોકો પર્યટનનો આનંદ પણ લે છે. ખરેખર ધ્રબુડી એક વખત જોવા જેવું સુંદર સ્થળ છે.


ધન્ય ધરા ગુજરાતની – મારું ગુજરાત છે

પર્વ ઠક્કર, વાચા ઠક્કર અને ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા ગાયેલ “ધન્ય ધરા ગુજરાતની – મારું ગુજરાત છે” ગીત.


Gujarati Mijaaj Content Desk

Gujarati Mijaaj Content Desk is a dynamic team of writers and authors dedicated to capturing the pulse of entertainment, health, and indie music news in Gujarati language. Our global team delivers the latest scoops and insider insights, weaving captivating tales of stardom and uncovering stories often left untold.