ધનુર્માસનું મહત્વ અને મહિમા | શા માટે ધનુર્માસમાં માંગલિક કાર્યો નથી થતા? | આ માસ દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવી હજારો વર્ષોની પૂજા કરવા સમાન છે | Dhanurmas 2024
કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્ય ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ઉજવાય છે ‘ધનુર્માસ’. જે સામાન્ય રીતે 16 ડિસેમ્બરથી શરૂ થઈને 14 જાન્યુઆરી સુધીનો હોય છે. આ માગશર માસ એ વિષ્ણુ ભક્તિ માટે ઉત્તમ છે. પરંતુ આ સમય દરમિયાન માંગલિક કાર્યો થતાં નથી. માટે પર્વની પાઠશાળામાં આજે આપણે જાણીશું ધનુર્માસનું મહત્વ, મહિમા, વિધિ-વિધાન અને તેને લગતી રોચક વાતો.
ધનુર્માસ વિષ્ણુ ભગવાનની ભક્તિ કરવા માટે ઉત્તમ સમય છે
સૂર્યના ધન રાશિમાં પ્રવેશ કરતા જ ધનુર્માસ આરંભે છે. તેથી તેને ધન સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. જે માગશર પ્રતિપદાથી શરૂ થઈને મકર સંક્રાંતિએ પૂર્ણ થાય છે. કારણ કે ત્યારે સૂર્ય ધનમાંથી મકર રાશિમાં પ્રવેશે છે. જેને મકરસંક્રાંતિ કહેવાય છે. જેને આપણે પતંગોત્સવ સાથે ઉજવીએ છીએ. ધનુર્માસના આરાધ્ય દેવ વિષ્ણુ છે. માટે વિષ્ણુ ભગવાનની ભક્તિ કરવા માટે ધનુર્માસ ઉત્તમ સમય મનાય છે.

ધનુર્માસમાં માંગલિક કાર્યો ન કરવાનું કારણ
એક તરફ જ્યાં લોકોમાં ‘કમુરતા’ ને લઈને શુભ કાર્ય ન કરવાનો વિચાર પ્રવર્તમાન છે. એની પાછળનું મંતવ્ય એ જ કે અન્ય કાર્યોમાં વ્યસ્ત ન રહેતા આપણે ફક્ત ભક્તિમાં રત રહી શકીએ એટલે ભક્તિ સિવાયની અન્ય પ્રવૃતિઓને પડખે મૂકી ધનુર્માસ દરમિયાન અન્ય શુભ કે માંગલિક કાર્યો ન કરવાનું કહેવામાં આવે છે. ઉપરાંત જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે સુર્ય ધનુ રાશિમાં પ્રવેશે છે ત્યારે નબળો હોય છે. એટલે ત્યારે વિવાહ કે અન્ય માંગલિક કામો કરવામાં આવતા નથી. વળી એવી પણ માન્યતા છે કે આ સમય દરમિયાન જ મહાભારતનું ભીષણ યુધ્ધ થયું હતું. જે પણ એક કારણ છે કે આ મહિનામાં લોકો શુભ કાર્ય કરવા અવગણે છે.
ધનુર્માસ દરમિયાન ભક્તિનું મહત્વ

ધનુર્માસ દરમિયાન કરવામાં આવતી ભક્તિનું હજાર ગણું ફળ મળે છે. ભગવાનની એક દિવસની પૂજા-આરાધના પણ હજાર દિવસના પૂજન જેટલું ફળ આપે છે. તો આ માસ દરમિયાન કરવામાં આવતું નદી સ્નાન કે તીર્થ સ્નાન અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ આપે છે. વળી આ સમય દરમિયાન કરવામાં આવતું અન્ન દાન પણ મહાપુણ્ય આપનારું હોય છે. તેથી લોકો ધનુર્માસ દરમિયાન સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સૂર્યને અર્ધ્ય આપે છે. ત્યારબાદ તુલસીએ પાણી આપી દીવો કરે છે.
ધનુર્માસની પૂજા વિધિ
ભગવાનને પંચામૃત અને ગંગાજળથી સ્નાન કરી શણગાર કરે છે. તેમજ રોજ મંત્રજાપ, ભજન કીર્તન અને સ્તુતિ કે સ્તોત્ર ગાવાનો નિયમ પાળે છે. ધનુર્માસ દરમિયાન બહેનો અને વડીલો રોજ સાંજે ચોકમાં કે મંદિરે વિશેષ કથા શ્રવણ અને સત્સંગ રાખી સમૂહ પઠન અને કીર્તન કરે છે. આ ઉપરાંત આ માસ દરમિયાન શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના પાઠ કરવાનો પણ વિશેષ મહિમા છે. ધનુર્માસમાં લોકો ગરીબોને દાન તેમજ બ્રાહ્મણોને પણ અન્નદાન આપવાનો આગ્રહ રાખે છે.
જ્ઞાન અર્જિત કરવાનું અને વિદ્યા દાનનું બેવડું ફળ
વિવિધ સ્થાનિક અને જાહેર મંદિરો તથા સંસ્થાઓ અને સમાજ ક્ષેત્રે પણ ધનુર્માસ દરમિયાન નાના મોટા પાયે કથાઓનું આયોજન થાય છે. જેમાં સંતો અને કથાકારો લોકોને કથાના માધ્યમે ભક્તિ, જ્ઞાન અને કર્મ સાથે જોડે છે તથા સત્સંગ અને મહાપ્રસાદનો લાભ આપે છે. વળી આ સમય દરમિયાન જ્ઞાન અર્જિત કરવાનું પણ એટલું જ મહત્વ છે. કહેવાય છે કે આ માસ દરમિયાન કરેલ ભક્તિથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળી રહે છે તેમજ જ્ઞાન અને ભક્તિ દ્રઢ થતાં આધ્યાત્મિક ઉન્નતિ તરફ આગળ વધી શકાય છે.
વધુ વાંચો: ગીતા જયંતીની તારીખ, મહત્વ, પૂજા વિધિ, શુભ મુહુર્ત, કથા અને રોચક તથ્યો | જાણો ગીતા મહાત્મય
‘વેદોમાં હું સામવેદ, દેવોમાં ઇન્દ્ર અને ઇન્દ્રિયોમાં મન હું છું.’
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જ્યારે અર્જુન ભગવાન કૃષ્ણ પાસેથી જ્ઞાન મેળવે છે ત્યારે તેને કૃષ્ણના વિશાળ રૂપને જોવાની અને જાણવાની જિજ્ઞાસા થાય છે એટલે દસમાં અધ્યાય વિભૂતિ યોગના અઢારમાં શ્લોકમાં તે ભગવાન ને કહે છે કે, ‘હે જનાર્દન, પોતાની યોગશક્તિને અને વિભૂતિને હજી પણ વિસ્તારથી કહો; કેમકે આપનાં અમૃત જેવાં વચનોને સાંભળતા મને તૃપ્તિ થતી નથી, મારી સાંભળવાની ઉત્કંઠા હજીય વધતી જાય છે. ત્યારે પોતાના વિશાળ રૂપનું જ્ઞાન આપતા કૃષ્ણ તેને કહે છે કે, ‘વેદોમાં હું સામવેદ, દેવોમાં ઇન્દ્ર અને ઇન્દ્રિયોમાં મન હું છું.’ જ્યારે પણ કોઈ ભક્ત ભગવાનમાં મન પરોવવાનો પ્રયત્ન કરે ત્યારે ભગવાન જ તેના મનને દ્રઢ બનાવે છે. માટે આપણે ભગવાનમાં દ્રઢતાથી મન પરોવવું જોઈએ.

‘ઋતુઓમાં વસંત હું છું અને મહિનાઓમાં હું માગશર છું.’ – ભગવાન શ્રી કૃષ્ણ
વળી આ જ અધ્યાયના પાંત્રીસમાં શ્લોકમાં ભગવાન એ કહ્યું છે કે, ‘બૃહત્સામ તથા સામ્નાં ગાયત્રી છંદસામહમ્, માસાનાં માર્ગશીર્ષોઽહમૃતૂનાં કુસુમાકરઃ ॥’ અર્થાત ‘તથા ગાઈ શકાય એવી શ્રુતિઓમાં હું બૃહત્ નામનો સામ તેમજ છંદોમાં ગાયત્રી છંદ છું તથા ઋતુઓમાં વસંત હું છું અને મહિનાઓમાં હું માગશર છું.’ જ્યારે ભગવાન એ સ્વયં કહ્યું હોય કે મનમાં પણ તે છે અને માગશર માસને પોતાના સ્વરૂપ સમાન ગણાવ્યું હોય ત્યારે પ્રભુ ભક્તિ માટે એથી ઉત્તમ સમય બીજું શું હોઈ શકે? માટે ધનુર્માસ દરમિયાન સર્વ વ્યાપક ભગવાનમાં ચિત્ત પરોવીને વિવિધ રીતે તેમની પૂજા આરાધના કરી શકીએ એટલે આપણે ભક્તિ સિવાયની પ્રવૃતિઓને છોડી ફક્ત ભગવાનમાં મન પરોવવું જોઈએ.
વધુ વાંચો
સુપરહિટ ભક્તિ ગીતો | Famous devotional songs, mantra, dhun
Here is the superhit devotional songs by Dr. Krupesh, Dr. Pooja, Vacha and Parv (Parv Fusion Band) for this auspicious occasion.
