દત્તાત્રેય જયંતિ 2024ની તારીખ, મહત્વ, ઇતિહાસ | દત્ત જયંતિ શુભ મુહુર્ત, પૂજા વિધિ, કથા | ભગવાન દત્તાત્રેયના 24 ગુરુઓના નામ અને માહિતી | Dattatreya Jayanti history, significance, importance
કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર
સનાતન સંસ્કૃતિમાં ભગવાન દત્તાત્રેય ગુરુઓના ગુરુ કહેવાયા છે અને દત્ત ભગવાનની જન્મતિથિ માગશર સુદ પૂનમના ઉજવાતો તહેવાર એટલે ‘દત્ત જયંતી’.
દત્તાત્રેય જયંતિની તારીખ
આ વર્ષે દત્ત જયંતી 14 મી ડિસેમ્બરે આવે છે. દત્ત જયંતીને દત્તાત્રેય જયંતિ પણ કહેવાય છે. ભારતમાં ગુજરાત સિવાય તે આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ ઉત્સાહથી ઉજવાય છે. તો હિન્દુઓમાં નાથ સંપ્રદાય સિવાય સૂફી સંપ્રદાયમાં પણ દત્ત ગુરુના મહાત્મયને ઉજવવામાં આવે છે. આજે પર્વની પાઠશાળામાં આપણે ‘દત્તાત્રેય જયંતિ’ વિશેની રોચક વાતો તેમજ મહિમા અને કથા વિષે જાણીશું.

દત્ત જયંતિનું મહત્વ અને પૂજા વિધિ
આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે દત્તાત્રેય જયંતિ ઉજવવાથી જીવનની મુખ્ય સમસ્યાઓ, અવરોધો અને અજ્ઞાનતા દૂર થાય છે. જ્ઞાન અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. વ્યક્તિ પાપ મુક્ત બને છે. તો ખાસ કરીને આ દિવસે પવિત્ર નદીઓ કે તીર્થસ્થળોએ સ્નાન કરવાથી મહા પુણ્ય મળે છે. દત્તાત્રેય જયંતિએ સવારે વહેલા ઉઠી, સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરીને દત્ત ભગવાનની પ્રતિમાને દૂધ અને ગંગાજળથી સ્નાન તેમજ હળદર અને ચંદનથી વધાવી તેમની પૂજા અને મંત્ર જાપ કરવામાં આવે છે. આ ઉપરાંત લોકો નજીકના દત્તાત્રેય મંદિરમાં દર્શન કરવા જાય છે.
ભગવાન દત્તાત્રેય એ જીવનમાં પૃથ્વી, સૂર્ય, વાયુ, સાપ સહિત 24 ગુરુઓ માન્યા હતા
દત્ત ભગવાન એ સાક્ષાત ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવના સમન્વયથી ત્રિમૂર્તિ સ્વરૂપ છે. તેમને ત્રણ મસ્તક અને છ હાથ છે. જ્ઞાન, સત્ય અને પવિત્રતાના પ્રતિક એવા દત્તાત્રેયને ગુરુઓના ગુરુ મનાય છે. તેમને અનુયાયીઓ ગુરુદેવદૂત, ગુરુસ્વામી, ગુરુરાજ અને ગુરુદેવજી કહીને સંબોધે છે. દત્ત ભગવાન એ પોતાના જીવનમાં 24 જેટલા ગુરુઓ માન્યા હતા. જેમાં અનુક્રમે તેમણે ૧) પૃથ્વી પાસેથી સહનશીલતા શીખી, ૨) પિંગલા વૈશ્યા પાસેથી શીખ્યું કે જીવનમાં ધનનું નહીં પણ પરમાત્માનું મહત્વ હોવું જોઈએ, ૩) કબૂતર પાસેથી શીખ્યું કે વધુ મોહ એ દુઃખનું કારણ છે. તેમણે ૪) સૂર્ય પાસેથી શીખ્યું કે તત્વ એક જ છે જે અલગ અલગ સ્વરૂપોમાં જુદો જુદો દેખાય છે.
૫) વાયુ પાસેથી શીખ્યું કે જેમ પવન પ્રદૂષિત જગ્યાએ જઈને પણ સ્વચ્છ રહે છે તેમ આપણે પણ ખરાબ લોકો વચ્ચે સારા બનીને રહેવું જોઈએ. ભગવાન દત્ત એ જંગલમાં રમતા ૬) હરણને જોઈને શીખ્યું કે આપણે ધૂની બનીને બેદરકારી ન રખાય, તો ૭) સમુદ્ર પાસેથી સતત ગતિશીલ રહેતા શીખ્યું. ૮) પતંગિયાને જોઈને રૂપ-રંગના આકર્ષણમાં ન પડવું, ૯) હાથીને જોઈને કામ વાસનાથી આસક્ત ન થવું તો ૧૦) આકાશ પાસેથી દેશ, કાળ અને પરિસ્થિતિથી વિરક્ત રહેતા શીખ્યું. તેઓ ૧૧) પાણી પાસેથી સદાય પવિત્ર રહેતા શીખ્યા, તો ૧૨) મધપૂડામાંનું મધ કાઢનાર વ્યક્તિને જોઈને શીખ્યા કે જરૂરિયાત કરતાં વધારે લેવું જોઈએ નહીં. દત્તાત્રેય એ ૧૩) માછલી પાસેથી સ્વાદનો મોહ છોડવાનું, ૧૪) ટિટોડી પાસેથી સંગ્રહ વૃતિ છોડવાનું.
૧૫) બાળક પાસેથી પ્રસન્ન રહેતા, ૧૬) ચંદ્ર પાસેથી લાભ-હાનિમાં સમ રહેતા, ૧૭) કુંવારી કન્યા પાસેથી શાંતિપૂર્વક કર્મ કરતા, ૧૮) તીર બનાવનાર પાસેથી એકાગ્રતા, તો ૧૯) સાપ પાસેથી જ્ઞાન લેવા અને આપવા એક જગ્યાએ રહેવાને બદલે સતત ભ્રમણ કરતા રહેવાનું શીખ્યું. આ ઉપરાંત જેમ ૨૦) કરોળિયો પોતાનું જાળ બનાવી અંતે પોતે જ તેને ખાઈ જાય છે તે જોઈને શીખ્યું કે આ સંસાર પણ માયાથી રચાયું છે અને અંતે માયામાં જ વિલીન થઈ જશે. તેમણે ૨૧) ભમરી પાસેથી જ્યાં સારું જ્ઞાન મળે ત્યાંથી ગ્રહણ કરતાં શીખ્યું.
તો ૨૨) ભમરા અને ૨૩) મધમાખી પાસેથી શીખ્યું કે જેમાં મન લગાડીએ મન એવું જ બની જાય તેમજ ૨૪) અજગર પાસેથી જે મળે એમાં સંતોષ માનતા શીખ્યું. આમ પોતાના જીવનમાં ભગવાન દત્તએ ૨૪ ગુરુઓ પાસેથી પ્રેરણા લીધી.
ભગવાન દત્તાત્રેયના જન્મની કથા | ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવના સમન્વયથી ત્રિમૂર્તિ સ્વરૂપ છે દત્તાત્રેય
પ્રકૃતિના વિવિધ તત્વો પાસેથી જ્ઞાન લેવું જેટલું રોચક છે એટલી જ રોચક છે ભગવાન દત્તાત્રેયના જન્મની કથા. પુરાણો અનુસાર એક વાર એવું બન્યું કે નારદજી ભ્રમણ કરતાં કરતાં દેવી પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતી પાસે પહોંચ્યા અને તેમની પાસે અત્રિ ઋષિના પત્ની અનસૂયા દેવીની પવિત્રતા, સદાચાર અને સત્તની ખૂબ પ્રશંસા કરી. જેથી ત્રણે દેવીઓને સતી અનસૂયાની પરીક્ષા લેવાનો વિચાર આવ્યો. ત્રણે દેવીઓએ પોત પોતાના સ્વામી પાસે રજૂઆત મૂકી. પરિણામે સતી અનસૂયાના ચારિત્ર્યની કસોટી કરવા સ્વયં ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ ઋષિવેશ ધારણ કરી તેમના આશ્રમે પધાર્યા. સતી અનસૂયાએ તેમણે પ્રેમથી આવકાર્યા. ત્રણે ઋષિઓએ ‘ભિક્ષાન્ન દેહિ માતે’ કહીને ફક્ત માતાનું ધાવણ ગ્રહણ કરવાનું વ્રત જણાવ્યું.

એવામાં માતા અનસૂયાએ પોતાના પતિનું સ્મરણ કરીને ત્રણે ઋષિ પર જળ છાંટ્યું કે તરત જ ત્રણે ઋષિઓ નાના બાળક બની ગયા. ત્યારબાદ માતા અનસૂયાએ તેમને સ્તનપાન કરાવ્યું અને પારણે પોંઢાડયું. એ જોઈને ત્રણે દેવીઓ ચિંતાતુર થઈને સતી અનસૂયા પાસે આવીને પોતાના સ્વામીને પૂર્વવત પાછા મેળવવાની કામના કરી. અત્રિ ઋષિના આગમન પછી ત્રણે દેવો મૂળ સ્વરૂપમાં આવ્યા અને ઋષિ દંપતીને તેમના પુત્ર રૂપે પ્રગટ થવાના આશીર્વાદ આપ્યા. જેથી માતા અનસૂયાએ ભગવાન દત્તાત્રેયને જન્મ આપ્યો. જે સ્વયં બ્રહ્મા, વિષ્ણુ અને શિવના સમન્વયથી ત્રણ મુખ અને છ ભુજાઓ સાથે જન્મ્યા. ભગવાન દત્તાત્રેયને આજે પણ દત્ત, નાથ અને સૂફી સંપ્રદાય તેમને ગુરુ રૂપે પૂજે છે.
FAQs for Dattatreya Jayanti
દત્તાત્રેય જયંતિ ક્યારે છે?
આ વર્ષે દત્તાત્રેય જયંતિ 14 મી ડિસેમ્બરે આવે છે. દત્તાત્રેય જયંતિને દત્ત જયંતિ પણ કહેવાય છે.
ભગવાન દત્તાત્રેયના 24 ગુરુઓ ક્યાં ક્યાં છે?
ભગવાન દત્તાત્રેયના 24 ગુરુઓ પૃથ્વી, પિંગલા વૈશ્યા, કબૂતર, સૂર્ય, વાયુ, હરણ, સમુદ્ર, પતંગિયા, હાથી, આકાશ, પાણી, મધ કાઢનાર વ્યક્તિ, માછલી, ટિટોડી, બાળક, ચંદ્ર, કુંવારી કન્યા, તીર બનાવનાર, સાપ, કરોળિયો, ભમરી, ભમરો, મધમાખી અને અજગર છે.
વધુ વાંચો
સુપરહિટ ભક્તિ ગીતો | Famous devotional songs, mantra, dhun
Here is the superhit devotional songs by Dr. Krupesh, Dr. Pooja, Vacha and Parv (Parv Fusion Band) for this auspicious occasion.
