ભુજ આશાપુરા મંદિરનો ઇતિહાસ | મંદિરમાં શા માટે માતાજીની બે મૂર્તિઓ છે? | 50 Best Tourist Places in Kutch
કૉલમ: ધન્ય ધરા ગુજરાતની | લેખિકા: અરુણા અરુણ ઠક્કર
ભુજ આશાપુરા મંદિર વિશેષ: મા આશાપુરા….નામ આવે, ને નતુ મસ્તક થઈ જવાય. માતાના મઢમાં માના બેસણા છે. નવરાત્રિમાં અધધધ પદયાત્રીઓ ઠેકઠેકાણેથી ઉમટી પડે છે.
મા આશાપુરાનું મંદિર તો અખંડ વિશ્વાસનું પ્રતિક!
આ બધા દર્શનાર્થીઓ સહુ પ્રથમ ભુજ, મા આશાપુરાના મંદિરે દર્શન કરીને પછી જ આગળ વધે છે. ભુજ – કચ્છ… આ સ્થળને વિશ્વ વિખ્યાત કરવામાં ભૂકંપનો ફાળો તો ખરો જ. પણ, મા આશાપુરાનું મંદિર તો અખંડ વિશ્વાસનું પ્રતિક છે. . દેશ દેશાવરથી લોકો માનતા માનીને, કે ભક્તિ-શ્રદ્ધાથી ભરપૂર થઈને માના ચરણે શીશ નમાવવા આવે છે. મહાદેવના બે મંદિર બાદ, આજે આપણે આ મંદિરના ભવ્ય ઈતિહાસને, પરિવર્તન અને વર્તમાનની વાત કરીશું.

આજે પણ અસલ મૂર્તિ નિજ મંદિરમાં બિરાજમાન છે
કચ્છના રાખો શ્રી ખેંગારજી પહેલાએ ભુજ શહેરની સ્થાપના કરી. મોરબીમાં વિજય અપાવનાર સારસ્વત બ્રાહ્મણ દિવાન શ્રી રૂઘા જોશીને કચ્છ દેશ દેવી મા આશાપુરાના મંદિરનું નિર્માણ કાર્ય સોંપતાં, વિક્રમ સવંત ૧૬૧૦ માં ભુજમાં આશાપુરા માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું સવંત ૧૫૫૫ પોષ વદ સાતમ, શુક્રવારના રાવ શ્રી ખેંગારજી પહેલાને આશીર્વાદમાં મળેલ દુર્ગા માતાજીની પંચધાતુમાં ઢાળેલી મૂર્તિને આધાર રાખીને આશાપુરા માતાજીની મૂર્તિ બનાવવામાં આવી છે. આજે પણ આ અસલ મૂર્તિ નિજ મંદિરમાં બિરાજમાન છે, જેની રોજ પૂજા થાય છે. એક અખંડ જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી, જે છેલ્લા ૪૬૨ વર્ષથી આજે પણ ચાલુ છે.

પત્રી પૂજાની પરંપરા | ભુજ આશાપુરા મંદિર
ભુજીયા કિલ્લા ઉપર અમદાવાદના બાદશાહની ચડાઈને કારણે ઘમાસાણ યુદ્ધ થયું ત્યારે રાવો શ્રી દેશળજીએ મા આશાપુરાની ચામર પૂજા તથા પત્રી પૂજાની પ્રતિજ્ઞા લીધી અને વીરતાપૂર્વક લડયા અને ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો. ત્યારથી આસો માસની નવરાત્રિમાં, આઠમના માતાના મઢ તેમજ ભુજ મંદિરમાં આશાપુરાની પત્રી પૂજા ની પરંપરા ત્યારથી ચાલુ થઈ છે. રાજ પરંપરા આજ પર્યંત ચાલુ છે.
વધુ વાંચો: કચ્છના પૌરાણીક તીર્થ ‘ધ્રબુડી’ ની શબ્દયાત્રા
માતાજીની બે મૂર્તિઓ પૂજવામાં આવે છે
આ મંદિરમાં આશાપુરા માતાજીની બે મૂર્તિઓ બિરાજમાન છે. જેની ઐતિહાસિક ઘટના આ પ્રમાણે છે. કચ્છના રહો શ્રી દરજી બીજાએ મુસ્લિમ ધર્મના પ્રભાવમાં આવતા ભુજ આશાપુરા મંદિરને ખંડિત કરવાનો વિચાર્યું .આ મનસુબા ની જાણ પૂજારીને થતા તેઓ સ્થાપિત મૂર્તિને લઈને અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા. કચ્છ જાડેજા અને અંજાર દિવાન લોહાણાને જાણ થતાં તેઓ શ્રી લશ્કર સાથે ભુજ આવીને રાયધણજીને કેદ કર્યા. કચ્છની પ્રજાએ બળવો કરતા ‘બારભાયા’ રાજ્યની સ્થાપના કરી. ત્યારબાદ આશાપુરા માતાજીની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થતી હતી તેની જાણ પુજારીને તેઓ મૂર્તિ લઈ આવતા, તે મૂર્તિ પણ ફરી મૂળ જગ્યા સ્થાપી અને તેની પણ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. આમ, માતાજીની બે મૂર્તિઓ પૂજવામાં આવે છે
ભુજ આશાપુરા મંદિર | Bhuj Ashapura Mandir
૧૯૭૧ માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભુજની આજુબાજુ સો જેટલા બોમ્બ પાકિસ્તાન તરફથી ફેંકવામાં આવ્યા, ત્યારે બધાએ માતા આશાપુરા ને પ્રાર્થના કરી, ‘તું રક્ષા કરજે અને ખરેખર એમાં ભારત વિજય થયો. સવાર થતા જ આખા ભુજના લોકો બહુ મોટી સંખ્યામાં દર્શન કરવા આવેલ.૨૬ જાન્યુઆરી ૨૦૦૧ ના ભૂકંપ સમયે પણ, મંદિરની આસપાસના ૯૯% મકાનો ધરાશાયી થઈ ગયા, અસંખ્ય મૃત્યુ થયા, પરંતુ મંદિરમાં જે હતા, માહી નવરાત્રી સુદ બીજ, ચંદ્રદર્શન માટે મોટો સમુદાય હતો એ સહુ સલામત હતા.
કહે છે ને,’ચમત્કાર વિના નમસ્કાર ન હોય’ તો આવા અસંખ્ય ચમત્કારિક ઘટનાઓ આ મંદિર સાથે જોડાયેલી છે. સવંત ૨૦૬૬ જેઠ વદ ચૌદશ તા. ૧૦/૭/૨૦૧૦ના પૂજારી શ્રીના પરિવારની હાજરીમાં, માતાજીએ સ્વયં મુખારવિંદ પરનો વાઘો ઉતારી નાખ્યો. વિજય પ્રાપ્તિની આનંદ સ્વરૂપ મૂર્તિ દેખાઈ. આવી જ ઘટના ૨૦૨૪માં પણ બની છે. દિવાલો પર દશ મહાવિદ્યાના ચિત્રો, નકશીકામ વાળા ચાંદીના દરવાજા, વિશાળ પરિસર, સતત નાવિન્ય સાથે સુધારા વધારા, સત્સંગ, આવા ઐતિહાસિક, પૌરાણિક, શ્રદ્ધેય સ્થાન પર ભક્તિ અને ભક્તોના ઘોડાપૂર ઉમટતાં રહે છે અને રહેશે….જય માતાજી…..
ધન્ય ધરા ગુજરાતની – મારું ગુજરાત છે
પર્વ ઠક્કર, વાચા ઠક્કર અને ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા ગાયેલ “ધન્ય ધરા ગુજરાતની – મારું ગુજરાત છે” ગીત.