Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

કાલભૈરવ જયંતી તારીખ, પૂજા વિધિ અને કથા | આ 5 ઉપાયો કરવાથી થશે ભાગ્યોદય | 5 Steps to Attract Good Luck at Kalashtami |Kaal Bhairav Jayanti Special

કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર

આમ તો સનાતન સંસ્કૃતિમાં દરેક માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ ‘કાલાષ્ટમી’ તરીકે ઉજવાય છે. કારણ કે શિવપુરાણ અનુસાર આ તિથિએ મહાદેવના પાંચમા અવતાર ‘કાલભૈરવ’ નો જન્મ થયો હતો. પરંતુ મુખ્ય રૂપે કાલભૈરવ જયંતી કારતક માસની વદ આઠમના દિવસે ઉજવાય છે. જે આ વર્ષે 22 નવેમ્બરે આવે છે. આજે ‘પર્વની પાઠશાળા’ માં આપણે ‘કાલભૈરવ જયંતી’  અને શિવના એ અવતાર વિષે જાણીશું.

શું છે કાલાષ્ટમી? | What is Kalashtami?

આમ તો શિવપુરાણમાં ભગવાન શિવના નંદી, અશ્વત્થામા, શરભ, ઋષિ દુર્વાસા, હનુમાન, વૃષભ, યતિનાથ, કિરત વગેરે વિવિધ અવતારોની કથાઓ કહેવામાં આવી છે. તેમજ વામન પુરાણમાં પણ ભગવાન શિવના રક્ત માંથી આઠ દિશાઓના આઠ ભૈરવો ઉત્પન્ન થયાની કથાઓ છે. સામાન્ય રીતે ‘અષ્ટમી તિથી’ ના સ્વામી રુદ્ર છે. એટલે દરેક મહિના ના કૃષ્ણ પક્ષની આઠમ એ ‘કલાષ્ટમી’ ઉજવવાની પરંપરા છે. જેમાં ‘કાલભૈરવ’ ની પૂજા થાય છે. પરંતુ કાલભૈરવ જયંતીએ ભૈરવ, ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા અને આઠમનો વ્રત કરવાનો વિશેષ મહિમા કહ્યો છે.

કાલભૈરવ જયંતી કાલાષ્ટમી Kaal Bhairav Jayanti Kalashtami

આ પણ વાંચો: કચ્છના ઐતિહાસિક મંદિર ‘પુંઅરેશ્વર મહાદેવ’ ની અલૌકિક શબ્દયાત્રા | Discover the majestic 1200-years-old Mahadev temple of Kutch

કાલભૈરવ જયંતીનો મહિમા | Kaal Bhairav Jayanti Significance

ભારતમાં અમુક પ્રાંતોમાં તે કારતક મહિનામાં ઉજવાય છે તો બીજા પ્રાંતોમાં તે માગસર મહિનામાં ઉજવાય છે. નારદ પુરાણ અનુસાર કાલાષ્ટમી વ્રત કરવાથી ભક્તની સર્વ મનોકામના પૂર્ણ થાય છે. તેમજ દરેક પ્રકારની બીમારી કે વિવિધ તકલીફો દૂર થઈ જાય છે. માન્યતા પ્રમાણે કલાષ્ટમી એ કાલભૈરવની પૂજા કરવાથી ભય, ક્રોધ અને દુષ્ટતા નાશ પામે છે અને વિવિધ સમસ્યાઓથી રાહત મળે છે. કાલભૈરવની આરાધનાથી નકારાત્મક શક્તિઓ કે અનિષ્ટ તત્વો સામે રક્ષણ મળે છે. તેમના આશીર્વાદથી કોઈ આપણું અનિષ્ટ કરી શકતું નથી. અન્ય લોકોની કુદૃષ્ટિ કે અનિષ્ટ કામનાઓથી રક્ષણ મળે છે. 

કાલભૈરવ જયંતી પૂજા વિધિ | Kaal Bhairav Jayanti Pooja Vidhi

કાલાષ્ટમીએ સવારે વહેલા ઊઠીને સ્નાનાદિ કાર્યોથી પરવારી ઘરના મંદિરે, શિવ મંદિરે કે કોઈપણ ભૈરવના મંદિરે તેલનો દીવો કરી ભગવાન કાલભૈરવને યાદ કરી પૂજન અર્ચન થાય છે. તેમણે પ્રસન્ન કરવા માટે સ્તુતિ સ્તોત્ર, ભગવાન મહાદેવના નામ જાપ કે પછી શિવ-શિવાની સ્તુતિ અને આરતી કરવામાં આવે છે. તેમને પ્રસાદમાં વિશેષ રૂપે ખીર, હલવો કે ફળો ધરાવાય છે. આ દિવસે લોકો વ્રત અને ઉપવાસ રાખે છે. તેમજ સાંજે કથા શ્રાવણ અને જપ માળા કરે છે.

વધુ વાંચો:- કચ્છના પૌરાણીક તીર્થ ‘ધ્રબુડી’ ની શબ્દયાત્રા | ધન્ય ધરા ગુજરાતની

કાલાષ્ટમી એ આ 5 ઉપાયો કરવાથી થશે ભાગ્યોદય! | These 5 Steps Will Change Your Fate at Kalashtami

  1. કૂતરાને ભોજન કરાવવું: કાલભૈરવનો વાહન શ્વાન છે. તેથી કાલાષ્ટમી એ ખાસ કૂતરાને દૂધ કે ભોજન આપવાથી તેમજ ગરીબોને જમાડવાથી પણ ભગવાન પ્રસન્ન થાય છે. તેથી ભાગ્યમાં સુખ અને સમૃદ્ધિ મળશે. તેમજ દુર્ભાગ્ય દૂર થશે.
  2. વાણીની શુદ્ધિ: કાલાષ્ટમી એ કોઈનું પણ અપમાન ન કરવું, અપશબ્દ ના કહેવા, કે અસત્ય ન બોલવું જોઈએ. જેથી વાણી અને કર્મ શુદ્ધ રહી શકે. આ દિવસે વ્યક્તિત્વના આચરણ અનુસરવા પર પણ વિશેષ ભાર અપાય છે. કારણ કે કાલભૈરવને ‘દંડાધિપતિ’ તરીકે ઓળખવામાં આવે છે. માટે શુદ્ધ વાણી અને શુદ્ધ કર્મ થકી ભાગ્યમાં કોઈ દોષ નહીં લાગે.
  3. અનીતિ કે અન્યાય ન કરવું: કાલભૈરવ અનીતિ કે અન્યાય સામે દંડ આપનાર દેવ છે. કોઈ પણ જાતના ભેદભાવ વિના તેઓ ન્યાયને અનુસરે છે. અન્યાય વિરુદ્ધ દંડ આપવામાં તેમણે ભગવાન બ્રહ્માને પણ છોડ્યા ન હતા. માટે જાણે કે અજાણે પણ અનીતિ કે અન્યાય ન થઈ જાય તેનું ધ્યાન રાખવાથી પણ ભાગ્યમાં સફળતા મળશે.
  4. ભગવાન શિવની આરાધના: કાલાષ્ટમી ખાસ કરીને શિવ મંદિરના દર્શન કરવા, મહાદેવને દૂધ કે ગંગાજળથી અભિષેક કરવો અને શક્ય હોય તો બીલીપત્ર પણ ચડાવવું. ભગવાન મહાદેવની પૂજા થકી પણ કાલભૈરવ પ્રસન્ન થશે અને શુભ ફળ મળશે.
  5. મંત્રજાપ અને માળા: કાલાષ્ટમી એ ખાસ ૐ ની કે ૐ નમઃ શિવાય કે પછી શિવ મંત્રોની માળા કરવી, ધ્યાન કરવું અને શિવ સ્તુતિ કે સ્તોત્ર પાઠ કરવાથી વિશેષ ફળ મળે છે. અધ્યાત્મિક ઉન્નતિ અને શુભ ભાગ્ય પ્રાપ્ત થાય છે.

કાલાષ્ટમી માટે મંત્ર, શિવ ભજન | Kalashtami Special Mantra, Shiva Songs

Here are some trending songs & mantra by Dr. Krupesh, Dr. Pooja, Vacha and Parv (Parv Fusion Band) for this auspicious occasion.



કાલભૈરવ જયંતી કથા | Kaal Bhairav Jayanti Story

ચાલો જાણીએ ભગવાન કાલભૈરવના ઉત્પતિની કથા. પૌરાણિક કથા અનુસાર એક દિવસ સૌને ત્રિદેવો એટલે કે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવ માંથી કોણ શ્રેષ્ઠ છે એવો પ્રશ્ન થયો. માટે સૌ દેવતાઓ એ સભા ભરી જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ હાજર રહ્યા. સૌ એ પોત પોતાના મંતવ્યો જણાવ્યા. ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવએ સૌના મંતવ્યોનો સ્વીકાર કર્યો. પરંતુ ભગવાન બ્રહ્મા એમની વાત માન્યા નહીં. એટલું જ નહીં પણ તેમણે ભરી સભામાં ભગવાન મહાદેવનું અપમાન પણ કર્યું.

નિર્દોષ હોવા છતાં થઈ રહેલા અપમાનથી ભગવાન શિવ ખૂબ ક્રોધિત થયા. અને ‘ભય’ ઉપજાવે એવો ‘રવ’ એટલે કે અવાજ કરી, ત્રાડ પાડીને ‘ભૈરવ’ અવતાર લીધો. કાળો રંગ, ક્રોધથી લાલ થયેલી આંખો અને ભયાવહ અવાજ સાંભળી સૌ કોઈ ઘબરાયા. બ્રહ્માને તેમના દુષ્કૃત્યનો દંડ આપવા માટે તેઓ કાલભૈરવ બની દોડ્યા અને બ્રહ્માના પાંચ મુખ માંથી એક મસ્તક કાપી નાખ્યું. પૂરી સભામાં હાહાકાર થયો.

હવે બ્રહ્માના ફક્ત ચાર મુખો જ રહ્યા. પરંતુ કાલભૈરવ નો ક્રોધ ઓછો થયો નહીં. અંતે ભગવાન બ્રહ્માએ ક્ષમા માંગી ત્યારે કાલભૈરવ શાંત થયા. આ ઘટનાને કારણે તેમને ‘બ્રહ્મહત્યા’ નો પાપ લાગી ગયો હતો. જેની માટે ભગવાન શિવ એ તેમને પૃથ્વીલોક પર જઈ તપસ્યા કરવા કહ્યું.

તેમની આજ્ઞા મુજબ પ્રાયશ્ચિત નો ઉપાય અનુસરી તેમણે અનેક વર્ષો સુધી પૃથ્વી પર ભ્રમણ કરીને તપસ્યા કરી. આખરે કાશી વિશ્વનાથ ધામે તેમની યાત્રા અને તપસ્યા પૂર્ણ થઈ. અંતે તેઓ ત્યાં જ દ્વારપાળ બનીને સ્થાયી થયા.

આમ કાલભૈરવ અન્યાય સામે દંડ આપવાના અધિકારી હોવાથી તેમને ‘દંડાધિકારી’ અને પ્રાયશ્ચિત કર્યું હોવાથી તેમને ‘દંડપાણી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. નીતિ અને ન્યાયપ્રિય દેવ કાળભૈરવ સૌને નીતિ માનીતા કેળવવાનો સંદેશ આપે છે.

આ પણ વાંચો: જલારામ બાપા | Jalaram Bapa | 100 Amazing Facts of Indian God


Gujarati Mijaaj Content Desk

Gujarati Mijaaj Content Desk is a dynamic team of writers and authors dedicated to capturing the pulse of entertainment, health, and indie music news in Gujarati language. Our global team delivers the latest scoops and insider insights, weaving captivating tales of stardom and uncovering stories often left untold.