પર્યુષણ પર્વ એટલે શું? | જાણો જૈન ધર્મના આ તહેવારનું મહત્વ | ભગવાન મહાવીરના જન્મની કથા | All about Paryushan Parv
કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર
જૈન ધર્મમાં સર્વ તહેવારોનો રાજા એટલે ‘પર્યુષણ પર્વ’! તેને ‘મહાપર્વ’ અને ‘પર્વાધિરાજ’ નામે પણ ઓળખવામાં આવે છે. કારણ કે જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો માંથી એક સિદ્ધાંત એટલે ‘ક્ષમા’ અને પર્યુષણ એ ‘ક્ષમા’ નો પર્વ છે. તેથી તે વિશ્વભરના જૈનો માટેનો પ્રમુખ તહેવાર છે.

સામાન્ય રીતે પર્યુષણ શ્રાવણ મહિનાના છેલા ચાર દિવસ અને ભાદરવા મહિનાના પ્રથમ ચાર દિવસ એમ આઠ દિવસનો પર્વ છે. જે આ વર્ષે 31 ઓગસ્ટ થી શરૂ થઈ 7 સપ્ટેમ્બર સુધી ચાલશે. શ્વેતાંબર જૈનો પર્યુષણ આઠ દિવસ ઉજવે છે, જ્યારે દિગંબર જૈનો દસ દિવસ ઉજવતા હોવાથી તેને ‘દસલક્ષણ પર્વ’ પણ કહે છે. પર્વની પાઠશાળામાં આપણે જાણીશું પર્યુષણ પર્વ વિષેની રોચક વાતો અને ભગવાન મહાવીરના જન્મની કથા.
પર્યુષણ કેવી રીતે ઉજવવામાં આવે છે?
પર્યુષણ શબ્દનો અર્થ છે ‘પાલન કરવું’. જો કે આ શબ્દની સાથે ‘સૌ પ્રકારે વસવું’ અથવા ‘આત્મામાં વસવું’ નો ભાવ પણ જોડાયેલો છે. માટે જ આ આઠ દિવસો દરમિયાન જૈનો ઉપવાસ, અભ્યાસ અને ધ્યાન દ્વારા શરીર અને મનનું શુદ્ધિકરણ કરી આધ્યાત્મિકતા તરફ આગળ વધે છે. આ પર્વનો ઉદેશ્ય તમામ નકારાત્મક વિચારો, ઉર્જા અને મનની આદતોનો નાશ કરવાનો છે. પર્યુષણમાં યોગ્ય આચરણ, અહંભાવનો ત્યાગ, ધીરજ, સયંમ, જ્ઞાન મેળવવો, 24 તીર્થંકરોની સ્તુતિ કરવી, ગુરુવંદના કરવી અને પ્રતિક્રમણ જેવા મૂળભૂત વ્રતોનો વિશેષ મહત્વ હોય છે. પ્રતિક્રમણ એક ધાર્મિક વિધિ છે. જેમાં રોજ સાંજે જૈનો જાણે અજાણે મન, વાણી અને વર્તનથી થયેલા પાપો માટે પસ્તાવો કરીને ક્ષમા યાચના કરે છે. તો શરીરની શુદ્ધિ માટે ફક્ત ઉકાળેલા પાણી સાથે કઠોર ઉપવાસ પણ કરે છે.

પર્યુષણમાં સાધુઓ વર્ષાઋતુને ભાગ રૂપે સૂક્ષ્મ જીવસૃષ્ટિની હિંસા ટાળવા વિહાર કરતાં નથી. તેથી શ્રાવકો તેમને નગરમાં આમંત્રણ આપે છે અને તેમના સાંનિધ્યમાં જ્ઞાન મેળવવાની તક મેળવે છે. રોજ સવારે નિયત સમયે ઉપાશ્રયમાં સાધુઓ ધાર્મિક વ્યાખ્યાન આપે છે. જૈનો સાધુઓને સંગે જ્ઞાન અર્જિત કરવામાં મન લગાડે છે. તેઓ ભગવાન મહાવીરના જીવન ચરિત્ર આલેખાયેલું પવિત્ર ધર્મ ગ્રંથ ‘કલ્પસૂત્ર’ નું પૂજન અને વાંચન કરે છે. તો નવકાર મંત્રના જપનો પણ વિશેષ મહત્વ રહે છે.
ભાદરવા સુદ એકમને દિવસે મહાવીર જન્મની કથાનો વાંચન થાય છે અને માતા ત્રિશલા દેવીને આવેલા ચૌદ સ્વપ્નોના દર્શન થાય છે. સૌ સાથે મળીને તેમનો પારણું ઝુલાવી જન્મોત્સવ ઉજવે છે. પર્યુષણનો અંતિમ દિવસ એટલે કે સંવત્સરીના સૌ લોકો એકબીજાને ‘મિચ્છામિ દુક્કડમ્’ કહીને ક્ષમા યાચના કરે છે. જેટલું અદભૂત આ પર્વ છે એટલી જ અદભૂત છે ભગવાન મહાવીરના જન્મની કથા અને તેમના જીવન પ્રસંગો.

TOP 50 HIT JAIN STAVANS
ભગવાન મહાવીરની કથા
ભગવાન મહાવીર એ 24 માં તીર્થંકર છે. રાજા સિદ્ધાર્થ તેમના પિતા અને ત્રિશલા તેમના માતા હતા. ભાદરવા સુદ એકમે જ્યારે ભગવાન મહાવીર માતા ત્રિશલાના ગર્ભમાં હતા ત્યારે તેમને ચૌદ દિવ્ય સ્વપ્નોના દર્શન થયા. આ સ્વપ્નોમાં તેમણે ધવલ હાથી, શ્વેત વૃષભ, સિંહ, કમલાસના લક્ષ્મીદેવી, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, સુવર્ણમય દંડ પર ફરકતી ધજા, જલપૂર્ણ કુંભ, પદ્મ સરોવર, ક્ષીરસમુદ્ર, દેવવિમાન, રત્નરાશિ અને નિર્ધૂમ અગ્નિના દર્શન થયા. આ દિવ્ય ચિન્હો દિવ્ય બાળકના આગમનના પ્રતિક હતા. માતા ત્રિશલાએ ચૈત્ર માસના શુક્લપક્ષની તેરસની તિથિએ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં આ દિવ્ય બાળકને જન્મ આપ્યો. તેમના જન્મ થયાની સાથે જ રાજ્યમાં ધન, ધાન્ય, આશ્વર્ય અને વૈભવની સમૃદ્ધિ થઈ તેથી તેમનું નામ ‘વર્ધમાન’ રાખવામાં આવ્યું.

બાળ વર્ધમાન ખૂબ જ નીડર, વીર અને પરાક્રમી હતા. એકવાર મિત્રો સાથે ઝાડ પર ચડીને ક્રીડા કરી રહ્યા હતા ત્યારે સમંગ નામના દેવ તેમની પરીક્ષા લેવા માટે વિશાળ સર્પનું રૂપ લઈને પ્રગટ થયા. જે ઝાડ પર એ લોકો બેઠા હતા એ ઝાડના થડ સાથે એ સર્પ વીંટળાઈ ગયો. સૌ બાળકો સર્પથી ભયભીત થઈને ઝાડ પરથી કૂદકો મારી ભાગી ગયા. પરંતુ બાળ વર્ધમાન એ વિશાળ સર્પને પકડીને નીચે ઉતર્યા અને સર્પ સાથે રમવા લાગ્યા. વર્ધમાનની વીરતા જોઈને સમંગ દેવ મૂળ રૂપમાં પ્રગટ થયા. ત્યારથી જ બાળ વર્ધમાન ‘મહાવીર’ નામે ઓળખાયા.
યુવાવસ્થાએ જ તેમણે સંસાર છોડીને બાર વર્ષ કઠોર તપસ્યા કરી હતી. જેમાં તેમણે કાનમાં ખીલા જેવા કાષ્ઠ શૂળ લાગવાથી માંડીને ચંડકૌશિક સર્પના દંશ જેવા ઉપસર્ગો સહન કરવા, અનેક દિવસોના લાંબા-લાંબા ઉપવાસ કરવા, જંગલી પ્રદેશના નિર્દય લોકોની વચ્ચે સમભાવથી વિહરવા જેવી વિકટ અગ્નિપરીક્ષા આપી. બાર વર્ષના અંતે અપાપા નગરી (હાલની પાવાપુરી)ની નજીક જૃંભિક ગામની બહાર ઋજુવાલુકા નામની નદીના કિનારે એક શાલવૃક્ષની નીચે ભગવાન મહાવીરને પરમ જ્ઞાન પ્રાપ્ત થયું. ત્યારે મહાવીર સાધક માંથી સર્વજ્ઞ તથા સર્વભાવદર્શી જિન અને તીર્થંકર બન્યા.
FAQs for Paryushan Parv
પર્યુષણ ક્યારે શરૂ થાય છે?
આ વર્ષે 31 ઓગસ્ટ થી શરૂ થઈ 7 સપ્ટેમ્બર સુધી ચાલશે.
પર્યુષણ શું છે?
જૈન ધર્મમાં સર્વ તહેવારોનો રાજા એટલે ‘પર્યુષણ પર્વ’! તેને ‘મહાપર્વ’ અને ‘પર્વાધિરાજ’ નામે પણ ઓળખવામાં આવે છે. કારણ કે જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો માંથી એક સિદ્ધાંત એટલે ‘ક્ષમા’ અને પર્યુષણ એ ‘ક્ષમા’ નો પર્વ છે. તેથી તે વિશ્વભરના જૈનો માટેનો પ્રમુખ તહેવાર છે.
દસલક્ષણ પર્વ શું છે?
દિગંબર જૈનો દસ દિવસ પર્યુષણ ઉજવતા હોવાથી તેને ‘દસલક્ષણ પર્વ’ પણ કહે છે
શ્વેતાંબર જૈનો કેટલા દિવસો ઉજવે છે?
શ્વેતાંબર જૈનો પર્યુષણ આઠ દિવસ ઉજવે છે.
દિગંબર જૈનો કેટલા દિવસો ઉજવે છે?
દિગંબર જૈનો દસ દિવસ પર્યુષણ ઉજવતા હોવાથી તેને ‘દસલક્ષણ પર્વ’ પણ કહે છે
પર્યુષણ શબ્દનો અર્થ શું છે?
પર્યુષણ શબ્દનો અર્થ છે ‘પાલન કરવું’. જો કે આ શબ્દની સાથે ‘સૌ પ્રકારે વસવું’ અથવા ‘આત્મામાં વસવું’ નો ભાવ પણ જોડાયેલો છે.
પર્યુષણ કેવી રીતે ઉજવાય?
પર્યુષણમાં યોગ્ય આચરણ, અહંભાવનો ત્યાગ, ધીરજ, સયંમ, જ્ઞાન મેળવવો, 24 તીર્થંકરોની સ્તુતિ કરવી, ગુરુવંદના કરવી અને પ્રતિક્રમણ જેવા મૂળભૂત વ્રતોનો વિશેષ મહત્વ હોય છે. પ્રતિક્રમણ એક ધાર્મિક વિધિ છે. જેમાં રોજ સાંજે જૈનો જાણે અજાણે મન, વાણી અને વર્તનથી થયેલા પાપો માટે પસ્તાવો કરીને ક્ષમા યાચના કરે છે. તો શરીરની શુદ્ધિ માટે ફક્ત ઉકાળેલા પાણી સાથે કઠોર ઉપવાસ પણ કરે છે.
ભગવાન મહાવીરના માતા-પિતા કોણ હતા?
ભગવાન મહાવીર એ 24 માં તીર્થંકર છે. રાજા સિદ્ધાર્થ તેમના પિતા અને ત્રિશલા તેમના માતા હતા.
ભગવાન મહાવીરનું મૂળ નામ શું હતું?
ભગવાન મહાવીરના જન્મ થયાની સાથે જ રાજ્યમાં ધન, ધાન્ય, આશ્વર્ય અને વૈભવની સમૃદ્ધિ થઈ તેથી તેમનું નામ ‘વર્ધમાન’ રાખવામાં આવ્યું.
ભગવાન મહાવીરનો જન્મ ક્યારે થયો હતો?
ચૈત્ર માસના શુક્લપક્ષની તેરસની તિથિએ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ભગવાન મહાવીરનો જન્મ થયો હતો.
ભગવાન મહાવીરને ક્યારે પરમ જ્ઞાન પ્રાપ્ત થયું?
ભગવાન મહાવીર એ સંસાર છોડીને બાર વર્ષ કઠોર તપસ્યા કરી હતી. બાર વર્ષના અંતે અપાપા નગરી (હાલની પાવાપુરી)ની નજીક જૃંભિક ગામની બહાર ઋજુવાલુકા નામની નદીના કિનારે એક શાલવૃક્ષની નીચે ભગવાન મહાવીરને પરમ જ્ઞાન પ્રાપ્ત થયું. ત્યારે મહાવીર સાધક માંથી સર્વજ્ઞ તથા સર્વભાવદર્શી જિન અને તીર્થંકર બન્યા.
