વિવાહ પંચમી ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? | જાણો વિવાહ પંચમીનું મહત્વ, પૂજા પદ્ધતિ અને કથા | Best Wedding Date is Vivah Panchami 2024
કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર
હિન્દુ કેલેન્ડર મુજબ માગશર માસની સુદ પાંચમ એટલે ‘વિવાહ પંચમી’. આ વર્ષે તે ૬ ડિસેમ્બરે આવે છે. આ પંચમી વિવાહ કરવા માટેનો ઉત્તમ મુહૂર્ત મનાય છે. કારણ કે આપણા પુરાણો અનુસાર આ દિવસે સ્વયં ભગવાન રામ અને માતા સીતાના વિવાહ થયા હતા. ત્યારથી આ તિથિની અયોધ્યા, જનકપુર અને નેપાળ સહિત ભારતભરમાં વિવાહ પંચમી રૂપે ઉજવણી થાય છે. આજે પર્વની પાઠશાળામાં આપણે જાણીશું વિવાહ પંચમીનું મહત્વ, વિધિ-વિધાન અને કથા.
વિવાહ પંચમી ઉજવવાનું કારણ
આપણી સંસ્કૃતિમાં જેટલું મહત્વ શિવ પાર્વતી, વિષ્ણુ-લક્ષ્મી, કૃષ્ણ અને રુક્મિણી, તુલસી, ગણપતિ અને રિદ્ધિ-સિદ્ધિના વિવાહનું છે એટલો જ મહિમા રામ-સીતા વિવાહનો પણ છે. જે પુરાણોએ યુગોથી ગાયો છે. કહેવાય છે કે ભગવાન રામ અને સીતાના વિવાહ પ્રસંગે તૃદેવ સહિત સર્વે દેવો કોઈને કોઈ રૂપ ધરીને પૃથ્વી પર આવ્યા હતા અને રામ-સીતા વિવાહના અલૌકિક અવસરના દર્શન કર્યા હતા. એટલે વિવાહ પંચમીને લગ્ન માટે સર્વોત્તમ મુહૂર્ત માનવામાં આવે છે.

વિવાહ પંચમી શુભ મુહૂર્ત
આમ તો ભારતીય સંસ્કૃતિમાં વિવાહ એ હંમેશા શુભ મુહૂર્ત અને ચોઘડીએ મંડાય છે. પરંતુ વિવાહ પંચમી એ દિવ્ય મુહૂર્ત છે જે સુખી અને સમૃદ્ધ વૈવાહિક જીવનનું ફળ આપે છે. આ દિવસે વિવાહ કરવાથી સર્વે દેવોની પ્રસન્નતા મળે છે. સૌભાગ્ય અને જીવનસાથીની દીર્ઘાયુના આશીર્વાદ મળે છે. આ દિવસે વિવાહ કરનાર દંપતી પર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ રહે છે. માટે લોકોમાં વિવાહ પંચમીએ લગ્ન માંડવાનો આગ્રહ હોય છે.
વિવાહ પંચમીની પૂજા વિધિ
આ ઉપરાંત વિવાહ પંચમીએ વિશ્વભરના રામ મંદિરોમાં સુંદર ઉત્સવ ઉજવવામાં આવે છે. આ દિવસે મંદિરને રોશની, દિવડાઓ અને રંગોળી થી સજાવવામાં આવે છે. ભગવાન રામ અને સીતા તેમજ લક્ષ્મી નારાયણની પૂજા રખાય છે. વૈવાહિક વિધિઓ રચાય છે અને ભગવાન રામ અને સીતા માતાની મૂર્તિઓના વિવાહ મંડાય છે. વળી ભજન, ભોજન, મહાપ્રસાદ વગેરે તો ખરા જ! ભારતમાં ખાસ કરીને અયોધ્યા અને નેપાળના જનકપુરમાં વિવાહ પંચમી ભવ્ય ઉત્સવ મનાવાય છે. જેમાં સૌ નગરજનો તેમજ શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર ભાગ લે છે. મંદિરોમાં સીતા સ્વયંવર અને રામ વિવાહના ભવ્ય આયોજન થાય છે. દૂર દૂરથી ભક્તો આ શુભ ઘડીના દર્શન કરવા આવે છે.
ભગવાન રામ અને માતા સીતાના લગ્નની કથા
ભગવાન રામનું નામ જેટલું પતિત પાવન છે એટલી જ પાવન છે એમની ચરિત્ર કથા. એમાં પણ સીતા સ્વયંવર અને રામ વિવાહની કથા ખૂબ જ પુણ્યશાળી અને શુભફળ આપનારી મનાય છે. રામકથા સાંભળવા માત્રથી વ્યક્તિ પાપ મુક્ત બને છે. ત્યારે ચાલો વિવાહ પંચમીની શુભ કથા વિષે જાણીએ. ભગવાન વિષ્ણુએ જ્યારે રામ અવતાર ધારણ કર્યું ત્યારે માતા લક્ષ્મીએ પણ સીતા અવતાર ધરી દિવ્ય જન્મ લઈને ધરતી માંથી પ્રગટ થયા હતા અને રાજા જનકના પુત્રી રૂપે મોટા થયા.
રાજા જનક પાસે પૂર્વજોની ધરોહર રૂપે ભગવાન શિવનું ધનુષ ‘પિનાક’ સંગ્રહિત હતું. જેને માતા સીતાએ બાળપણમાં એક હાથે ઊંચકી લીધું હતું. જે અતિભારે ધનુષ્યના ટંકાર માત્રથી વાદળો ફાટી પડતાં અને પર્વતો કંપી જતાં તે ધનુષ્ય સાથે સીતાને રમતા જોઈ રાજા જનક એ નિશ્ચય કર્યો કે આ દિવ્ય બાળકીના વિવાહ એ જ પુરુષ સાથે થશે જે આ ધનુષ્યને ઊંચકવા યોગ્ય હશે. એટલે એક દિવસ ભવ્ય સીતા સ્વયંવર યોજાયો જેમાં મહાપ્રતાપી રાજાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
મહર્ષિ વિશ્વામિત્ર પણ કુમાર રામ અને લક્ષ્મણ સાથે એ સ્વયંવરમાં પધાર્યા. કહેવાય છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ સહિત બધા જ દેવો પણ બ્રાહ્મણનો વેશ ધરી એ દિવ્ય ક્ષણોના દર્શન કરવા આવ્યા હતા. જેની શ્રી રામ સહિત બ્રહ્મર્ષિ વશિષ્ઠ અને વિશ્વામિત્રને પણ જાણ હતી. સૌ રાજાઓ એ અથાગ પ્રયત્નો કર્યા પરંતુ શિવ ધનુષ સહેજ પણ ખસેડી શક્યા નહીં. અંતે શ્રી રામ આગળ આવ્યા. શિવ ધનુષને પ્રણામ કરીને એકદમ સરળતાથી ઊંચકી લીધું. એ દ્રશ્ય જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થયા. જેવું ભગવાન રામ એ પ્રત્યંચા ચડાવવાનો પ્રયત્ન કર્યો કે એ શિવ ધનુષ ઘોર અવાજ સાથે ભાંગી પડ્યો.

એ ટંકાર સાંભળી ભગવાન પરશુરામ રોષે ભરાઈ સભામાં હાજર થયા. ભગવાન પરશુરામ, લક્ષ્મણ અને રામ વચ્ચે સંવાદ થયો. પરશુરામ એ શ્રી રામના મૂળ સ્વરૂપના દર્શન કર્યા. રાજા જનક આ દ્રશ્ય જોઈ ગદગદ થયા. ત્યારે દેવી સીતાએ શ્રી રામને વરમાળા પહેરાવી. સૌ દેવોએ પુષ્પવર્ષા કરી. માગશર સુદ પાંચમના શુભ મુહૂર્તે ભગવાન શ્રી રામ અને દેવી સીતાનો ભવ્ય વિવાહ રચાયો. આ દિવ્ય વેળાએ સૌ દેવી દેવતાઓ હાજર રહ્યા હતા. એટલે જ વિવાહ પંચમી યુગો યુગોથી પ્રભુતામાં પગલાં પાડવા માટે સર્વોત્તમ તિથિ ગણાતી આવી છે.
Vivah Panchami Bhakti Songs for Lord Ram
પર્વ ઠક્કર, વાચા ઠક્કર અને ડૉ. કૃપેશ ઠક્કર (પર્વ ફ્યુઝન બેન્ડ) દ્વારા ગાયેલ શ્રી રામ માટેના ભક્તિ ગીતો.
