માતાના મઢ નો ઇતિહાસ, વાર્તા અને ફોટા | આશાપુરા માતાજી | ધન્ય ધરા ગુજરાતની | 50 Best Tourist Places in Kutch
કૉલમ: ધન્ય ધરા ગુજરાતની | લેખક: મીનાક્ષી સોની
ધન્ય ધરા ગુજરાતની એ શબ્દ યાત્રામાં આજે આપણે કચ્છના તીર્થધામ માતાના મઢ ની યાત્રા કરીશું …
માં શક્તિના આરાધના પર્વ નવરાત્રીમાં દરેક કચ્છીઓના હૈયે અને હોઠે આપણે વંદન વંદન આશાપુરા માતને એ ગરબો સાંભળતા જ હોઈએ છીએ એ ગરબાના રચયિતા શ્રી ચંદુભા જાડેજા જે કચ્છના માંડવી તાલુકાના મેરાઉ ગામના વતની હતા. તેમને પોતાના પુસ્તક શ્રી આશાપુર્ણા પ્રાકૃટ્યમએવં આશા તીર્થ માં આશાપુરા નો પ્રાગટ્યના ઈતિહાસનું સવિસ્તાર વર્ણન કર્યું છે જે સંદર્ભને લઈને આજે એ વાતને રજુ કરું છું.
પ્રાચીન ઇતિહાસ ધરાવતા મંદિરો
કચ્છ પ્રદેશે દરેક ગામ વસતા લોકોએ પોતાની કુળદેવી ઇષ્ટ દેવી અથવા તો આરાધ્ય દેવી માનીને દેવીને સ્થાપેલા છે અને જુદા જુદા નામ આપેલા છે. પરંતુ શ્રી આશાપુરાજીના પ્રાચીન ઇતિહાસ સાથે સંબંધ ધરાવતા હોય તેવા સ્થાનો કચ્છમાં ત્રણ છે … પહેલું આશાપુરા માતાજીના મઢ ત્યારબાદ કચ્છના માંડવી તાલુકામાં રતડીયા થી દોઢેક માઈલના અંતરે આવેલ નદીની ભેખડમાં આશાપુરા માનુ મંદિર આવેલું છે ત્રીજું સ્થાન વિંઝાણથી પૂર્વે નદીતીરે આવેલા છે જે દેવીને વીંદ્યવાસીની નામથી પણ કેટલાક ઓળખે છે ..પરંતુ સૌથી પ્રાચીન તો માતાનામઢ જ ગણાય છે.
સ્કંદપુરાણ અનુસાર અને રામાયણ અનુસાર ભગવાન રામ જ્યારે કચ્છમાં નારાયણ સરોવર બાજુ પધાર્યા હતા અને ત્યાં જે રામવાડા કહેવાય છે એ વિસ્તારના જે વર્ણન છે તે પ્રમાણે દરેક વિસ્તારની એક દેવી હોયછે તેના હિસાબે આશાપુરા માનુ નું સ્થાન એમાં આવી જાય છે.
માતાના મઢ
વર્તમાનકાળે પણ આ ક્ષેત્ર જોવાથી સ્પષ્ટ જણાઈ આવે છે કે કચ્છના પશ્ચિમ વિભાગમાં આવેલ ગરડા પ્રદેશમાંના મુખ્ય નગર નલિનપુર એટલે કે આજનું નળીયા થી આશરે 22 માઈલ દૂર પર અને ત્યાંથી અકરી અને બેર નામના બે ગામ આવેલા છે અને ત્યાંથી ચાર માઇલના અંતરે આ માતાના મઢ આવેલું છે . આ સ્થાનને માતાના મઢ તરીકે સૌ કોઈ જાણે છે. માતાના મંદિરમાં મા આશાપુરાની સુંદર સ્વયંભૂ મૂર્તિ છે .
મા નું મંદિર 58ફૂટ લાંબુ, 32ફૂટ પહોળું અને 52ફૂટ ઊંચું છે. મઢ શબ્દનો અર્થ મંદિર થાય છે શ્રી માતાને ધર્મક્ષેત્રની અધિદેવતા માની છે. આજે પણ કચ્છ દેશમાં આ દેવીને દેશ દેવી તરીકે માનવામાં આવે છે. કચ્છ રાજ્યના વખતમાં કચ્છના સિક્કા ઉપર જે મહોર છાપવામાં આવતી તેમાં પણ શ્રી માતાનાત્રિશૂલને પસંદ કરેલ હતું.
પૌરાણિક માન્યતા ને આધારે શ્રી રામે ખડગ અને ચામર આપી માંડલીક રાજાઓને બ્રાહ્મણો તેમજ તીર્થની રક્ષા માટે ત્યાં જ રાખ્યા હતા. આ પરંપરા આજ સુધી સ્થાનમાં જોવામાં આવે છે.
નવરાત્રી પૈકી એક જણ નવ દિવસ સુધી એક જ આસને બેસે છે જેનેખડગધારી નામથી સંબોધવામાં આવે છે અને કચ્છ ના મહારાવશ્રી અષ્ટમીના દિવસે ચામર લઈને અહીં આવે છે. હરિવંશ પુરાણમાં આર્યા દેવીની સ્તુતિ આવે છે તેમાં લખે છે કે;
આશાત્વં ચ મનુષ્યાણાંપુષ્ટિશ્ચ કૃત કરમણામ્
” હે દેવી તું ઉદ્યોગી મનુષ્યની આશા પૂર્ણ કરનાર છો માટે જ તું આશાપુરા કહેવાય છે”
કલિયુગના પ્રબળ પ્રભાવે ઘણા બધા કારણોથી શ્રી માતાને આશાપુરા નું મંદિર નષ્ટ થયું અને પાછું પુનઃ નિર્માણ થયું.

માતાના મઢની વાર્તા
આજથી લગભગ પંદરસો વર્ષ પૂર્વે દેવચંદ નામે એક મારવાડી વૈશ્ય પોતાની વણઝાર લઈને વેપાર તરીકે નીકળેલો ફરતા ફરતા તેણે સ્થાન જોયું વિપુલ પ્રમાણમાં ઘાસચારો જોયો અને પાણી સગવડ જોઈ રોકાઈ ગયો. થોડો વખત અહીં વિશ્રાંતિ લેવાના નિશ્ચયથી તે પોતાના પડાવ નાખ્યો. દેવચંદને સર્વ વાતે સુખ હતું અને પોતાના ઇષ્ટમાં શ્રધ્ધા પણ હતી. પોતાની રીતે પૂજા માટે શ્રીદેવીની સાથે રાખતો હતો.આ સમયે શારદીય નવરાત્રી ચાલતા હોય પરંતુ થોડા દિવસ રોકાઈ પૂજન કરી શકાયએ હેતુથી જ્યાં મંદિર છે ત્યાં રોકાઈ ગયો. દેવચંદ શાહને ભગવતીની કૃપાથી સર્વ પદ્રારથ પ્રાપ્ત હતા છતાં પુત્રની ખામી હતી એટલે તેમની માતાજીને પ્રાર્થના કર્યા કરતો હતો.

દેવચંદ શાહ માટે એ ફળ પ્રાપ્ત કરવાનો સમય પાકી ગયો હોય તેમ અર્ધ રાતે મહામાયા જગદંબામાં આવીને દર્શન આપ્યા અને આજ્ઞા કરી કે “હે વત્સ! જ્યાં તારો તંબુ છે તે સ્થાન મને પરમ પ્રિય છે તેમ આ સ્થાનની અધિદેવતા પણ હું છું માટે તારે તારી મનોકામના પૂર્ણ કરવી હોય તો એ જ સ્થળે મારું દેવળ બંધાવી તૈયાર કર.
તૈયાર થયા બાદ છ માસ સુધી એના દ્વારને બંધ રાખવા જેથી મારું સર્વાંગ સંપૂર્ણ વિગ્રહ એટલે કે પ્રતિમા મંદિરમાં પ્રાગટ જોવામાં આવશે. મારા આ દિવ્ય વચનને માત્ર સ્વપન સમજી બિલકુલ શંકા ન કરીશ. પ્રાતઃકાળ જ્યારે તું ઉઠીશ એટલે થયા પાસે એક શ્રીફળ અને ચુંદડી જોવામાં આવશે તો તને તું સત્ય માનજે. અસ્તુ !!”
એમ કહી દેવી અંતરધ્યાન થઈ ગયા. દેવચંદ શાહ ઉઠીને જુએ છે તો શ્રી ભગવતીના કયા મુજબ શ્રીફળ ની ચુંદડી તેને જોવા મળ્યા એટલે તેણે શિલ્પકારોને બોલાવીને યોગ્ય મુરત કરાવી મંદિર નું કામ શરૂ કરાવ્યું.
ધીમે ધીમે મંદિર થઈ ગયું પાંચ મહિના નીકળી ગયા રોજ તેની દર્શનની આતુરતા વધતી જતી હતી એક દિવસ મંદિરમાંથી તેને મંત્રોચ્ચાર નો અવાજ આવવા લાગ્યો આજે તેને ધીરજ ખૂટી ગઈ અને તેને દ્વાર ખોલી નાખ્યા તેને હર્ષના આંસુ સાથે થોડુંક ક્ષોભ પણ થયો કારણકે તેની માની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હતું.
ખૂબ ક્ષમા પ્રાર્થના પણ કરી પરંતુ મા એ કહ્યું કે “હવે કંઈ ન થાય તું શાંતિ ન જાળવી શક્યો એટલે આજે હજી મારા ચરણ ભૂગર્ભમાં જ રહી ગયા છે .આ સ્થિતિ હવે જેમની તેમ રહેવાની છે તું મારો પરમ ભક્ત હોય તારી આજ દિવસ સુધી સેવાથી સંતુષ્ટ છું. અને તને થયેલા અપરાધની ક્ષમા આપું છું ત્યારે જે માંગવું હોય તે માંગી લે.” દેવચંદ વાણીયાએ પોતાને શું કમી છે તે વાત કહી અને માતાએ તેમને તથાસ્તુ કહી અંતરધ્યાન થઈ ગયા”
સમયાંતરે અનેક દાતાઓએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલ છે.
માતાના મઢની આસપાસના અન્ય મંદિરો
છેલ્લે ગુંદિયાલીના સુંદરજી સોદાગરે કરાવેલ છે. માતાના આશાપુરા મંદિર સિવાય અન્ય મંદિરો પણ છે. ચાચરાકુંડ ઉપર ભવાની નું મંદિર, એક શિવાલય ખાટલા ડુંગર ઉપર ખાટલા ભવાની નું મંદિર, ચાચરકુંડ થી પશ્ચિમ એક જ કમ્પાઉન્ડ માતાજી શ્રી હનુમાનજી શ્રી ગણપતિ વગેરે મંદિરો આવેલા છે. માતાનામઢ ગામથી ઉત્તરમાં ત્રણ માઈલ દૂર જાગોરા પહાડ માં જાગોરા જોગેશ્વરી માતા નું સ્થાન અને ગુફા આવેલી છે.
તદુપરાંત સતી શુરાના પાળિયા નાના-મોટા તળાવ વગેરે જોવાલાયક સ્થળો આવેલ છે. માતાના મઢમાંથી નીકળતો આશાપુરી ધૂપ જે સારાએ ભારતમાં અહીં જ નીકળે છે તે અને માતાજીના ચાચર કુંડનું જળ ભાવિક ભક્તો દૂર દૂર સુધી પ્રસાદ રૂપે પણ લઈ જાય છે. માતાનો મઢના આશાપુરા પ્રત્યે કચ્છના દૂર વસતા લોકો ને પણ ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા છે. નવરાત્રી દરમિયાન ઘણા બધા શ્રદ્ધાળુઓ પગપાળા સાઇકલ કે અન્ય વાહનોથી દર્શન કરવા આવે છે જે તેની શ્રદ્ધાનું પુરાવો છે.
પતરી વિધિ
દર વર્ષે નવરાત્રી દરમિયાન હવન વિધિ રાજવી વંશના પરિવારના સભ્ય દ્વારા જ કરવામાં આવે છે. જેમાં રાજવી પરિવારના સભ્ય ઉઘાડા પગે ચાચર કુંડથી સફેદ ચામર લઈને માતાજીના મંદિર સુધી જાય છે અને તે એક પગે ઊભા રહીને પત્રીની રાહ જુએ છે. પત્રી ઝીલ્યો બાદ હવન વિધિની શરૂઆત થાય છે.
માતાના મઢમાં સુંદર સુવિધાઓનો કરોડોના ખર્ચે વિકાસ કરવામાં આવ્યો છે. જેમાં અતિથિ ગહો અને ભોજનાલયની પણ વ્યવસ્થા છે દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ પ્રસાદ લઈને પોતાની જાતને ધન્ય માને છે.
માતાનામઢ માંથી નીકળતું ખનીજ બોક્સાઈટ અને મંગલ ગ્રહ પરથી મળતા ખનીજ બંનેની સમાનતા હોવાથી માતાના મઢ નું મહત્વ પણ વધી ગયું છે.

આપણે પણ દેશ દેવી મા આશાપુરાને વંદન કરી શબ્દ યાત્રા ને વિરામ આપીએ….
ધન્ય ધરા ગુજરાતની – મારું ગુજરાત છે
પર્વ ઠક્કર, વાચા ઠક્કર અને ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા ગાયેલ “ધન્ય ધરા ગુજરાતની – મારું ગુજરાત છે” ગીત.
