ઉત્પન્ના એકાદશી ક્યારે છે? | ઉત્પન્ના એકાદશીનું મહત્વ, પૂજા વિધિ અને એકાદશી વ્રતની મહિમા | ભગવાન વિષ્ણુ અને માતા એકાદશીની કથા
કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર
માગશર વદ એકાદશી એટલે ‘ઉત્પન્ના એકાદશી‘. આ વર્ષે તે 26 નવેમ્બરના આવે છે. સનાતન ધર્મ માં એકાદશીનું વ્રત ખૂબ જ મહત્વ ધરાવે છે. આમ તો એક વર્ષમાં આશરે ૨૪ એકાદશી આવે છે. જ્યારે અધિક માસ હોય ત્યારે ૨૬ એકાદશીના વ્રત થાય. આજે આપણે પર્વની પાઠશાળામાં ઉત્પન્ન એકાદશીની મહિમા, પૂજા વિધિ અને કથા વિશે ચર્ચા કરીશું.
ઉત્પન્ના એકાદશીની મહિમા
આપણા શાસ્ત્રોએ એકાદશીનો વિશેષ મહિમા કહ્યો છે. ભગવાને વરદાન આપ્યું છે કે કળિયુગમાં જે લોકો એકાદશીનું વ્રત કરશે તેમને વૈભવયુક્ત જીવન મળશે. કહેવાય છે કે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે અને ભક્તને મૃત્યુ પછી વૈકુંઠ ધામ મળે છે. ખાસ કરીને ઉત્પન્ના એકાદશીની વાત કરીએ ભગવાન વિષ્ણુ માંથી ઉત્પન્ન થઈ હોવાને કારણે તેને ઉત્પન્ના એકાદશી કહી છે.
તેના સ્વામી વિષ્ણુ છે. એટલે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અનેક યજ્ઞો કર્યા જેટલું પુણ્ય મળે છે. તો સર્વે પાપોને નષ્ટ કરીને એકાદશી અસીમ પુણ્યો આપે છે. તેને ઉત્પત્તિકા, ઉત્પન્ના, પ્રાકટ્ય અને વૈતરણી એકાદશી પણ કહેવામાં આવે છે. પદ્મ પુરાણ પ્રમાણે શ્રીકૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને આ એકાદશીની ઉત્પત્તિ અને તેના મહત્વ વિશે જણાવ્યું હતું. ઉત્પન્ના એકાદશીનું વ્રત કરવાથી અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે.

એકાદશી વ્રત અને પૂજાની વિધિ

એકાદશીને પ્રધાન અને બધી સિદ્ધિઓને આપનારી માનવામાં આવે છે. સામાન્ય રીતે એકાદશીના વ્રતમાં જે નિયમો લાગુ પડે છે એ જ નિયમો સાથે ઉત્પન્ના એકાદશીનું વ્રત પણ કરવું જોઈએ. વિશેષ ધ્યાન રાખવા જેવી બાબત છે નિસ્વાર્થ ભક્તિ અને શુદ્ધ ચિત્ત. સંપૂર્ણ વ્રત દરમિયાન મન કે વાણી થી કોઈ નકારાત્મક કર્મ ન થાય એ ધ્યાન રાખવાનું હોય છે. આ વ્રતમાં વ્રતીએ ખરાબ કર્મ કરનાર, પાપી, દુષ્ટ લોકોની સંગતથી બચવું જોઈએ. એકાદશીનું વ્રત એક દિવસ પૂર્વે એટલે કે દશમ થી શરૂ કરવું. દશમને સાંજે ભગવાન વિષ્ણુની પૂજા કરવી. તેમને ફળોનો ભોગ ધરાવવો અને તેમની પાસે જાણે અજાણે થયેલ સર્વે કર્મો માટે ક્ષમા માંગવી. ત્યારબાદ રાત્રે ભોજન લેવું નહિ. હા, ફળાહાર કરી શકાય. સૂતાં પહેલાં મોઢું એકદમ સ્વચ્છ કરીને સૂવું.
સવારે વહેલા ઊઠી તુલસીને પાણી આપી દીવો કરવો. ત્યારબાદ ફરી ભગવાન વિષ્ણુ અને માતા એકાદશીની પૂજા કરવી. ભગવાનને દૂધ, પંચામૃત કે ગંગાજળ અને સુગંધિત જલ થી સ્નાન કરાવી ફૂલોના શણગાર કરવા. તેમની માટે વિશેષ સ્તુતિ, સ્તોત્ર કે મંત્રના પાઠ અને માળા પણ કરી શકાય. ત્યારબાદ ભોજનમાં ફળો ધરાવી જળનું કળશ રાખવું અને આખો દિવસ ઉપવાસ કરવો. બીજા દિવસે સવારે ઊઠીને ભગવાનની પૂજા કરી વ્રત છોડી શકાય. વ્રત પૂર્ણ થયા બાદ તુલસીને પાણી, ગાયોને ઘાસ અને દીપદાન કરવાથી શુભ ફળ મળે છે.
ઉત્પન્ના એકાદશી વ્રતની પૌરાણિક કથા
ઉત્પન્ના એકાદશીની મહિમા અને પૂજા વિધિ જાણ્યા બાદ વાત કરીએ કથા વિશે. સતયુગની આ વાત છે. મુર નામનો એક ભયંકર અસુર હતો. એ અસુર પોતાની શક્તિઓને પ્રતાપે ઇન્દ્ર સહિત અન્ય દેવતાઓને પરાજિત કરીને સ્વર્ગ મેળવી લીધું. ચારે દિશાએ હાહાકાર થયો. દેવતાઓ સાથે મળીને ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તેમની સહાયતા માંગી. દેવતાઓનું કલ્યાણ કરવા સ્વયં ભગવાન વિષ્ણુ અસુર સામે યુદ્ધે ચડ્યા. એવું કહેવાય છે કે તેમનું યુદ્ધ અનેક વર્ષ સુધી ચાલ્યું. પરંતુ મુરાસુર ખરેખર અજેય હતો. ભગવાનના અસ્ત્ર શસ્ત્ર સામે તે ટકી રહ્યો. છેવટે યુદ્ધમાં એક સમય જ્યાં વિરામ આવ્યો ત્યારે ભગવાન વિષ્ણુ વિશ્રામ કરવા માટે બદ્રિકાશ્રમ ગયા.

ત્યાં હેમવતી નામની વિશાળ ગુફામાં પ્રવેશી યોગ નિદ્રા લીધી. એવામાં તે અસુર વિષ્ણુને શોધતા શોધતા ત્યાં આવી પહોંચ્યો. યોગ નિદ્રામાં સૂતેલા વિષ્ણુ ને જોઇને તેણે પ્રહાર કરવાનું વિચાર્યું. એટલામાં જ ભગવાનના નાભિ કમળમાંથી એક દિવ્ય સ્ત્રીરૂપ ધરી દેવી એકાદશી ઉત્પન્ન થયા. તેમણે અસુરને રોકવાના પ્રયત્ન કર્યા. જ્યારે અસુર માન્યો નહિ ત્યારે દેવી એકાદશી સ્વયં યુદ્ધમાં ઉતર્યા અને અંતે મુરાસુર નો વધ થયો. જ્યારે ભગવાન વિષ્ણુ યોગનિદ્રા માંથી જાગ્યા ત્યારે જોયું કે મુર મૃત્યુ પામ્યો છે અને દેવી એકાદશી એ તેમની રક્ષા કરી છે ત્યારે ભગવાને એકાદશીને વરદાન આપ્યું કે લોકો તમારી પૂજા, વ્રત અને ઉપવાસ કરશે.
આ પણ વાંચો: કચ્છના પૌરાણીક તીર્થ ‘ધ્રબુડી’ ની શબ્દયાત્રા | ધન્ય ધરા ગુજરાતની
જે મનુષ્ય એકાદશીનું વ્રત કરશે તેમના સર્વે પાપ નષ્ટ થશે અને તે મને પામશે. આમ ત્યાર થી જ મનુષ્યલોકમાં એકાદશીના વ્રતનો મહિમા થયો. પુરાણોમાં એવી અનેક કથાઓ મળી આવે છે જેમાં સ્વયં દેવતાઓ અને ભક્તો એકાદશીનું વ્રત કરીને મનોવાંછિત ફળ કે વૈકુંઠ ધામ મેળવ્યું હોય.
એકાદશી માટેના ભક્તિ ગીતો | Utpanna Ekadashi Special Devotional Songs
પર્વ ઠક્કર, વાચા ઠક્કર અને ડૉ. કૃપેશ ઠક્કર (પર્વ ફ્યુઝન બેન્ડ) દ્વારા ગાયેલ ભગવાન કૃષ્ણ, ગણેશ, શ્રી રામ, હનુમાન, ભગવાન શિવ અને માતા લક્ષ્મીના ભજન અને ભક્તિ ગીતો.
