લેખક-દિગ્દર્શક ડૉ. કૃપેશ ઠક્કરની ફિલ્મ ‘મૈં ભી અર્જુન: પર્વ’ સનાતન મૂલ્યો થકી કરશે વૈશ્વિક સ્તરે ક્લબફૂટ અવેરનેસ | World’s 1st motivational film that spreads Clubfoot Awareness through Bhagavad Gita! | Best Stories 2025
હાલમાં વસંત પંચમી નિમિતે અંજારના કૃપ ગુરુકુલ ખાતે ગિવ વાચા ફાઉન્ડેશન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયું. જેમાં સંસ્થાના અગ્રણીઓ, ફિલ્મના કલાકારો અને બાળકોને હસ્તે ‘મૈં ભી અર્જુન: પર્વ’ ફિલ્મના પોસ્ટરનું અનાવરણ થયું. સંસ્થા બાળકોમાં જોવા મળતી ક્લબફૂટ નામની જન્મજાત ક્ષતિ માટે ‘ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ’ (જીસીએપી) અભિયાન અંતર્ગત છેલ્લા સાત વર્ષથી જનજાગૃતિના સ્થાનિક અને વૈશ્વિક સ્તરે કાર્યો કરે છે, ત્યારે અસરગ્રસ્ત અને દિવ્યાંગ લોકોને પ્રેરણા મળે એ ઉદેશ્યથી ક્લબફૂટ વોરિયર બાળ કલાકાર પર્વ ઠક્કરના જીવની પર આધારિત ફિલ્મનું નિર્માણ કરી રહી છે. આ બાયોપિક સાથે પર્વ વિશ્વનો સૌ પ્રથમ બાળક બનશે જેના પર ફિલ્મ બની હોય.

મૈં ભી અર્જુન: પર્વ ફિલ્મ છે અર્જુન જેવા ગુણો અને ગીતા જ્ઞાનના વ્યાવહારિક ઉપયોગનું પ્રતિક!
ફિલ્મ વિશે વાત કરતાં લેખક અને દિગ્દર્શક ડૉ. કૃપેશ ઠક્કર એ કહ્યું કે “જીસીએપી અભિયાનમાં સંસ્થા ભગવદ્ ગીતાના માર્ગથી સનાતન સંસ્કૃતિના મૂલ્યો લોકો સુધી પહોંચાડી અને જનજાગૃતિ કરે છે. ‘મૈં ભી અર્જુન’ શ્રેણી અંતર્ગત બની રહેલી આ ફિલ્મ અર્જુન જેવા ગુણો અને ગીતા જ્ઞાનના વ્યાવહારિક ઉપયોગનું પ્રતિક છે. જેનો જીવંત ઉદાહરણ બાળ પર્વની સંઘર્ષથી સફળતા સુધીની યાત્રામાં જોવા મળશે. આ ફિલ્મ ‘અર્જુન ઉવાચ: નાનકડા પગલાં ભરે હરણફાળ’ ગુજરાતી પુસ્તક અને ‘અર્જુન ઉવાચ: મૈં ભી અર્જુન’ હિન્દી નવલકથા પર આધારિત છે જે વિવિધ દેશોમાં બેસ્ટસેલર રહી છે. વાચકોનો બહોળા પ્રતિસાદ મળતા આ ફિલ્મ બનાવવાની પ્રેરણા મળી.”

ફિલ્મના કેન્દ્રમાં ફક્ત પર્વ નહીં પરંતુ ક્લબફૂટ અવેરનેસનો જન કલ્યાણનો ઉદેશ્ય
વધુમાં ફિલ્મ નિર્માતા, આર્ટ ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર ડૉ. પૂજા ઠક્કર એ જણાવ્યું કે “પર્વના જન્મ સાથે જ જીસીએપી અભિયાનનો જન્મ થયો છે. માટે માતા તરીકે ફિલ્મના કેન્દ્રમાં ફક્ત પર્વ નહીં પરંતુ જન કલ્યાણનો ઉદેશ્ય રહે એ વાત પર ખાસ ધ્યાન આપું છું. ફિલ્મમાં પર્વ એ અર્જુનની જેમ એક માધ્યમ બનીને જે ભગવદ્ કાર્ય કર્યું છે તેને દર્શાવવામાં આવશે.” અગાઉ ડૉ. પૂજાએ ૨૫ થી વધુ મ્યુઝિક વિડીયોનું નિર્માણ કાર્ય કર્યું છે. જેમાં તેમની કલા અને કુશળતા સાથે ઉત્તમ અભિનય પણ જોવા મળે છે. એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રના સાત વર્ષના અનુભવ પર હવે તેઓ આ ફિલ્મમાં યોગદાન આપશે.

કલબફૂટ વોરિયર પર્વ ઠક્કર
પર્વ કૃપેશ ઠક્કર અંજાર-કચ્છનો 7 વર્ષનો બાળ કલાકાર છે. તે યંગેસ્ટ સિંગર, એક્ટર અને ચેન્જમેકર તેમજ યંગેસ્ટ એન્ટ્રેપ્રનર છે. તે વિશ્વભરમાં એકમાત્ર ક્લબફૂટ વોરિયર સેલિબ્રિટી છે, જે સંગીત દ્વારા આ જન્મજાત વિકૃતિ વિશે જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. તેના જન્મ સાથે જ ‘ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ’ (GCAP) અભિયાનનો જન્મ થયો.
જે અંતર્ગત ગિવ વાચા ફાઉન્ડેશન સંસ્થા આ બીમારી અંગે જનજાગૃતિ લાવવાના કાર્યો સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરે સંગીત, કલા, સંસ્કૃતિ, સાહિત્ય, સ્વાસ્થ્ય અને સેવાના માધ્યમે કરે છે. 2024 માં સંગીત, કલા અને ગૂંજે ગીતા દ્વારા ક્લબફૂટ જાગૃતિ ફેલાવવા બદલ મુખ્ય મંત્રી, ગૃહ મંત્રી, આરોગ્ય મંત્રી અને કુટુંબ કલ્યાણ મંત્રી દ્વારા તેને પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું છે.

સૌથી નાની વયની સંગીતકાર તરીકે વાચા ઠક્કર આ ફિલ્મ સાથે પદાર્પણ
આ ફિલ્મ સાથે સૌથી નાની વયની સંગીતકાર તરીકે બાળ કલાકાર વાચા ઠક્કર પદાર્પણ કરી રહી છે. ત્યારે આનંદ વ્યક્ત કરતા વાચા એ કહ્યું કે “માતા-પિતા એ હંમેશા પોતાની કલાનું ભગવાન માટે ઉપયોગ કરવા કહ્યું છે. માટે આ ફિલ્મના થીમ સોંગ પર કામ કરવા હું ઉત્સુક છું.” વાચાના 50+ મ્યુઝિક આલ્બમ વૈશ્વિક સ્તરે લોન્ચ થયા છે. તે ભક્તિ ગીતો, દેશભક્તિ ગીતો તેમજ પારિવારિક પોપ ગીતો ગાય છે. વાચા એ પર્વ ફ્યુઝન બેન્ડની મુખ્ય ગાયિકા તરીકે 100+ શોમાં પરફોર્મ કર્યું છે.
તેના હમણાં સુધીમાં કુલ 12 પુસ્તકો વૈશ્વિક સ્તરે ‘પર્વ પબ્લિશિંગ’ અંતર્ગત પ્રકાશિત થયા છે. બહુવિધ ભાષામાં પુસ્તકો પ્રકાશિત કરવા બદલ તેને ‘ગ્લોબલ બુક ઓફ રેકોર્ડ્સ’ અંતર્ગત ‘યંગેસ્ટ મલ્ટી લિંગવલ ઓથર’ નો વિશ્વ વિક્રમમળ્યો છે. યંગેસ્ટ CEO તરીકે પર્વ અને વાચા એ ‘પર્વ પબ્લિશિંગ’ પ્રકાશન સંસ્થાની 2022 માં સ્થાપના કરી. હવે તે પ્લેબેક સિંગર, એડિટર અને મ્યુઝિક કમ્પોઝર તરીકે પ્રથમ ફિલ્મ પર કામ કરશે.

પાયામાં છે ‘ગિફ્ટ ઓફ ટાઈમ’ એટલે કે સમયદાનનો વિચાર!
કાર્યક્રમના અંતે સંસ્થાના ટ્રસ્ટી ડૉ. શશીકાંત ઠક્કર એ જણાવ્યું કે “સંસ્થા આ ફિલ્મ વ્યાવસાયિક હેતુથી નહીં, પરંતુ જન કલ્યાણ અર્થે બનાવી રહી છે. જેના પાયામાં હંમેશા ‘ગિફ્ટ ઓફ ટાઈમ’ એટલે કે સમય દાનનો વિચાર રહ્યો છે. જે અંતર્ગત લોકો પોતાનો સમય, કલા અને કૌશલ્ય સાથે જોડાય છે. આ પ્રોજેક્ટમાં સૌ પ્રથમ પરિવારના સદસ્યો સમયદાન સાથે જોડાયા છે, ત્યારે અન્ય લોકો પણ આ ફિલ્મના નિર્માણમાં સેવા આપશે.” સંસ્થા દ્વારા ‘મૈં ભી અર્જુન યુનિવર્સ‘ ફિલ્મ શ્રેણી અંતર્ગત નિર્માણ પામતી ફિલ્મોમાં કોઈ પણ વ્યક્તિ પોતાના સમય અને કલા તેમજ કૌશલ્યો સાથે જોડાઈને ‘ગિફ્ટ ઓફ ટાઈમ’ એમ્બેસેડર બની શકે છે.
ગિફ્ટ ઓફ ટાઈમ એમ્બેસેડર માટે નામ નોંધાવવા અહીં ક્લિક કરો: Gift of Time Ambassador Registration Form
અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્થા દ્વારા ચાલી રહેલા કચ્છ ટેલેન્ટ હન્ટ કોન્ટેસ્ટના ચયન પામેલા સ્પર્ધકો તેમજ સંસ્થાની કોલેજમાં કચ્છ યુનિવર્સિટી માન્ય ભગવદ્ ગીતાનો સર્ટિફિકેટ કોર્સ કરી રહેલા વિદ્યાર્થીઓ પણ આ કાર્યમાં જોડાઈને આગવું અનુભવ લેશે. ટૂંક સમયમાં જ કચ્છના વિવિધ શહેરોમાં ઓડિશન માધ્યમે અન્ય લોકોને પણ પ્રોજેક્ટમાં જોડવવાનો અવસર મળશે.
