ગુજરાતી મિજાજ વિશેષCultureકૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ધર્મ/અધ્યાત્મ

શું તમે જાણો છો મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ બંને અલગ છે? | Must Know Uttarayan and Makar Sankranti Facts! | Best of 2025

કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર

શું છે ઉત્તરાયણ?

સૂર્ય નું ‘ઉત્તર’ દિશા તરફ ‘અયન’ એટલે કે ગમન એ ‘ઉત્તરાયણ’ કહેવાય છે. આ સાથે જ સૂર્યનો મકર રાશિમાં થતો પ્રવેશ કહેવાય છે ‘મકર સંક્રાંતિ’. જે દર વર્ષે મોટે ભાગે 14 જાન્યુઆરીના જ આવે છે.  સામાન્ય રીતે જનમાનસ ઉત્તરાયણ અને મકરસંક્રાંતિને એક જ માને છે જ્યારે કે બંને અલગ અલગ બાબતો છે. આજે પર્વની પાઠશાળામાં આપણે આ બંને વચ્ચેનો ભેદ તેમજ આ પર્વ સાથે જોડાયેલી રોચક વાતો જાણીશું.  

ઉત્તરાયણ મકર સંક્રાંતિ

શું છે મકર સંક્રાંતિ?

ઉત્તરાયણ અને મકર સંક્રાંતિનું આપણી સનાતન સંસ્કૃતિમાં વિશેષ મહત્વ છે. આપણા શાસ્ત્રોમાં આ દિવાસને ખૂબ જ શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે.  કારણ કે આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી ‘મકર’ રાશિમાં પ્રવેશે છે. સૂર્યનું નવી રાશિમાં પ્રવેશ ‘સંક્રાંતિ’ કહેવાય છે. ધનુ સંક્રાંતિ સાથે શરૂ થયેલ કમુરતા મકરસંક્રાંતિ સાથે પૂર્ણ થાય છે. માટે આ દિવસથી ફરી શુભ કાર્યો અને માંગલિક પ્રસંગો શરૂ થાય છે.

આ પણ વાંચો: ધનુર્માસનું મહત્વ અને મહિમા | શા માટે ધનુર્માસમાં માંગલિક કાર્યો નથી થતા? | આ માસ દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવી હજારો વર્ષોની પૂજા કરવા સમાન છે

બહુવિધ રીતે ઉજવાતો પર્વ!

ખગોળીય રીતે જોવા જઈએ તો ઉત્તરાયણ સાથે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના પરિભ્રમણમાં થયેલા ફેરફારને કારણે દિવસ અને રાતનો સમયગાળો 12 – 12 કલાકનો એમ એક સમાન થઈ જાય છે. એટલે શિયાળાનો ટૂંકો દિવસ અને લાંબી રાત આ દિવસથી એક સરખી થઈ જાય છે. જે પ્રકૃતિ અને માનવ જગત માટે સ્વાસ્થ્યપ્રદ બની રહે છે.

ભારતની કૃષિ પ્રધાન સંસ્કૃતિમાં હજુ પણ કેટલાક પ્રાંતોમાં આ પર્વ ‘કૃષક તહેવાર’ તરીકે ખેડૂતોમાં અલગ રીતે ઉજવાય છે. વળી આ સંક્રાંતિનો પર્વ અલગ અલગ સભ્યતામાં  અલગ અલગ નામે ઓળખાય છે. જેમ કે હિમાચલ પ્રદેશ અને પંજાબમાં લોહરી, નેપાળમાં માઘી, આસામમાં માઘ બીહુ અને તામિલનાડુમાં પોંગલ; એ સિવાય રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા અન્ય રાજ્યોમાં તે ‘મકર સંક્રાંતિ’ તરીકે પતંગો સાથે ઉત્સાહભેર ઉજવાય છે. 

ઉત્તરાયણના રીત-રિવાજ

ગુજરાતની વાત કરીએ તો આ દિવસે લોકો વહેલી સવારે ઉઠીને વિશેષતઃ પાણીમાં સફેદ અથવા કાળા તલ ઉમેરી સ્નાન કરે છે. વળી પીવાના પાણીમાં પણ તલ ઉમેરવામાં આવે છે. ત્યારબાદ ખાસ કરીને સૂર્યની પૂજા અથવા સૂર્યને અર્ધ્ય અપાય છે. એ સિવાય આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાનો ચલણ પણ જોવા મળે છે. મંદિરમાં પૂજા કરીને ઘઉં કે બાજરીની ઘૂઘરી, વિવિધ ધાનનો ખીચડો અને તલની ચિક્કી કે લાડુનો ભોગ ધરાવે છે અને પ્રસાદ અપાય છે.

આ ઉપરાંત જૂનું કાઢીને નવું ઉમેરવાની માન્યતા અનુસાર લોકો જૂની વસ્તુઓ દાનમાં આપીને નવી વસ્તુઓ પણ વસાવે છે. આ દિવસે જરૂરતમંદ વ્યક્તિને વસ્ત્રો અને અન્ન દાન આપવાનો તેમજ ગાયોને ભોજન કરાવવાનો કે ઘાસ ખવડાવવાનો વિશેષ મહત્વ હોય છે. લોકમાન્યતા અનુસાર ગૃહિણીઓ જાહેર શિવ મંદિરોમાં ઘી, ખીચડો, કળા રીંગણા, તલની ચિક્કી, ગાજર, બોરા,શેરડીનો સાંઠો વગેરેની થાળ તૈયાર કરીને અર્પણ કરે છે.

મકર સંક્રાંતિની વિશેષતાઓ

બાળકો અને યુવાઓ વહેલી સવારથી જ અગાસી એ ચઢીને પતંગ ઉડાવવાનો આનંદ લે છે. આ સાથે જ ગુજરાતી લોકો મેળાવો કરીને આ તહેવાર સાથે ઉજવવાનો આગ્રહ રાખે છે અને ખાસ ઊંધિયાના શાક સાથે જમણવાર માણે છે. અમદાવાદ,રાજકોટ, સુરત અને બરોડા જેવા મહાનગરોમાં લોકો સાંજે પણ પતંગ સાથે કાગળનું ફાનસ જેને ‘ગોબારા’ અને ‘ટુક્કલ’ પણ કહેવાય છે, એ ઉડાડીને ઉજવણી કરે છે.

વળી આ દિવસે સૂર્ય પ્રકાશ ગ્રહણ કરવો સ્વાસ્થ્ય માટે એકદમ લાભકારી હોય છે. જેથી પતંગ ઉડાવવાના બહાને પણ નાના-મોટા સૌ કોઈ ઉજવણી સાથે સારા સ્વાસ્થ્યનો લાભ પણ મેળવે છે. આ સિવાય અમદાવાદ અને કચ્છના માંડવી દરિયા કિનારે થતો પતંગોત્સવ પણ વિદેશી પ્રવાસીઓ અને જાહેર જનતા માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે. 

મકર સંક્રાંતિનું પૌરાણિક મહત્વ

ઉત્તરાયણ, મકરસંક્રાંતિ અને પતંગ એ ત્રણેય બાબતોનો ઉલ્લેખ આપણા પુરાતન શાસ્ત્રોમાં થયેલું છે. સૂર્યની ઉપાસના માટેના વિધાનો વેદો અને પુરાણોમાં જોવા મળે છે. ઋગ્વેદમાં સૂર્ય ને ‘પતંગ’ નામે સંબોધાયો છે. પ્રાચીન કાળમાં પતંગનો ઉપયોગ પવનની દિશા જાણવા માટે થતો. જેમાં પતંગ બનાવવા રેશમી કાપડ અથવા ઝાડના મોટા પાંદડાનો ઉપયોગ થતો. સમયાંતરે પતંગ એ સૌ લોકો માટે કલા અને ઉજવણી માટેની પ્રવૃત્તિ બની ગઈ.

મકર રાશિમાં પ્રવેશતો સૂર્ય એ ખૂબ જ શુભ અને કલ્યાણકારી કહેવાયો છે. જે અંધકાર અને અશુભ ફળને દૂર કરે છે. માટે જ મહાભારતમાં પણ જ્યારે યુદ્ધ દરમિયાન ભીષ્મ પિતામહ હણાયા અને બાણ શૈયા પર સૂતા હતા ત્યારે તેમણે ઈચ્છા મૃત્યુના વરદાન થકી મકર સંક્રાંતિ સુધી પ્રતિક્ષા કરી. એ ધનુર્માસનો સમય હતો અને એ સમયે વિષ્ણુ પૂજા કરવાનો મહિમા આપણે અગાઉના લેખમાં જાણ્યો છે. ત્યારે ભીષ્મ એ પાંડવોને સૌ પ્રથમવાર વિષ્ણુ સહસ્ત્ર નામ કહી સંભળાવ્યા હતા. ત્યારબાદ મકર સંક્રાંતિના શુભ દિવસે જ પ્રાણ છોડ્યા. એ કથા મહાભારતના અનુશાસનપર્વમાં જોવા મળે છે. આમ ઉત્તરાયણ અને મકર સંક્રાંતિનો પર્વ ફક્ત મનોરંજન જ નહીં પરંતુ ધાર્મિક, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક મહત્વ ધરાવતો પર્વ છે. 


ક્યારે છે મકર સંક્રાંતિ?

મકર સંક્રાંતિ દર વર્ષે મોટે ભાગે 14 જાન્યુઆરીના આવે છે.

ક્યારે છે ઉત્તરાયણ?

ઉત્તરાયણ દર વર્ષે મોટે ભાગે 14 જાન્યુઆરીના જ આવે છે.

મકર સંક્રાંતિ એટલે શું?

સૂર્યનો મકર રાશિમાં થતો પ્રવેશ કહેવાય છે ‘મકર સંક્રાંતિ’ કહેવાય છે.

ઉત્તરાયણ એટલે શું?

સૂર્ય નું ‘ઉત્તર’ દિશા તરફ ‘અયન’ એટલે કે ગમન એ ‘ઉત્તરાયણ’ કહેવાય છે.

કમુરતા ક્યારે પૂરા થાય?

ધનુ સંક્રાંતિ સાથે શરૂ થયેલ કમુરતા મકર સંક્રાંતિ સાથે પૂર્ણ થાય છે.

લોહરી એટલે શું?

હિમાચલ પ્રદેશ અને પંજાબમાં મકર સંક્રાંતિ ને લોહરી તરીકે ઉજવવામાં આવે છે.

માઘ બીહુ એટલે શું?

આસામમાં મકર સંક્રાંતિને માઘ બીહુ તરીકે ઉજવવામાં આવે છે.

પોંગલ એટલે શું?

તામિલનાડુમાં મકર સંક્રાંતિને પોંગલ તરીકે ઉજવવામાં આવે છે.

પતંગ એટલે શું?

ઋગ્વેદમાં સૂર્ય ને ‘પતંગ’ નામે સંબોધાયો છે. પ્રાચીન કાળમાં પતંગનો ઉપયોગ પવનની દિશા જાણવા માટે થતો. જેમાં પતંગ બનાવવા રેશમી કાપડ અથવા ઝાડના મોટા પાંદડા નો ઉપયોગ થતો. સમયાંતરે પતંગ એ સૌ લોકો માટે કલા અને ઉજવણી માટેની પ્રવૃત્તિ બની ગઈ.

વિષ્ણુ સહસ્ત્ર નામ કોણે રચ્યા છે?

મહાભારતમાં જ્યારે યુદ્ધ દરમિયાન ભીષ્મ પિતામહ હણાયા અને બાણ શૈયા પર સૂતા હતા ત્યારે તેમણે પાંડવોને સૌ પ્રથમવાર વિષ્ણુ સહસ્ત્ર નામ કહી સંભળાવ્યા હતા.


Gujarati Mijaaj Content Desk

Gujarati Mijaaj Content Desk is a dynamic team of writers and authors dedicated to capturing the pulse of entertainment, health, and indie music news in Gujarati language. Our global team delivers the latest scoops and insider insights, weaving captivating tales of stardom and uncovering stories often left untold.