નાગ પંચમી કેમ મનાવવામાં આવે છે? | નાગની પૂજાનું વિશેષ મહત્વ | નાગ પાંચમની રોચક ધાર્મિક કથાઓ | Nag Panchami importance, Puja Vidhi, Niyan, Vrat
કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર
પાવન શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની પાંચમ એટલે ‘નાગ પંચમી’. હિંદુ સંસ્કૃતિમાં નાગ પાંચમ પ્રમુખ તહેવારોમાંથી એક છે. કારણકે તેનું પૌરાણિક મહત્વ તો છે જ! પરંતુ ભારત દેશ કૃષિ પ્રધાન હોવાથી તેમજ ભારતીય સંસ્કારોમાં પ્રકૃતિ સાથે મનુષ્યોનું વિશેષ જોડાણ હોવાથી નાગ પાંચમ ઉજવવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે.
નાગ પંચમી શા માટે ઉજવવામાં આવે છે?
વસ્તુતઃ નાગ એટલે સર્પો, એ ક્ષેત્ર એટલે કે ખેતર ની ઉંદરો અને અન્ય જીવ જંતુઓ થી રક્ષા કરે છે માટે તેમને ક્ષેત્રપાળ કહેવામાં આવે છે. આજે પણ તમે કોઈ ખેતરે જાઓ ત્યારે ત્યાં તમને ખેતરપાળ ની નાની દેરી જોવા મળે જ. જેમની પૂજા ખેડૂતો કરતા હોય છે. સનાતન ધર્મમાં નાગો નું વિશિષ્ટ સ્થાન રહ્યું જ છે, એક તરફ મહાદેવના કંઠ પર તો બીજી તરફ ભગવાન વિષ્ણુ ની શેષ શૈયા! રામાયણમાં ભાઈ લક્ષ્મણ અને મહાભારતમાં ભાઈ બલરામ ને શેષનાગ ના જ અવતાર કહ્યા છે.

નાગ પાંચમે આ રીતે કરો પૂજા

નાગ પાંચમ ભારત અને નેપાળ સિવાય અન્ય દેશો જ્યાં હિંદુ, બૌદ્ધ અને જૈન સંસ્કૃતિ છે ત્યાં પણ ઉજવાય છે. ગુજરાતમાં મુખ્યત્વે આ દિવસે ઘરે ઘરમાં પૂર્વાભિમુખ દીવાલ પર અથવા પાણિયારે કંકુ કે છાણ થી નાગ દેવતાની આકૃતિ બનાવાય છે. તેમને રુની દેવેટ નો હાર ચડે જેને નાગલા કહેવાય. ત્યારબાદ ઘરના સૌ સદસ્યો કંકુ ચોખા થી વધાવી ને નાગ દેવતાની પૂજા અને આરતી કરે છે. તેમને પ્રસાદમાં ઠંડુ મીઠું દૂધ તેમજ બાજરાના લોટમાં ઘી ગોળ નાખી બનાવેલી કુલેર ધરાવાય છે.
નાગ પાંચમે ચૂલો સળગાવાતો નથી. ગૃહિણીઓ ઠંડુ ખાઈને વ્રત કરે છે. નાગ પાંચમની પૂજા અને વ્રતની વિશેષ મહિમા છે. તેના ફળ રૂપે ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે. પરિવારને અનિષ્ટ તત્વો, જીવ જંતુઓ વગેરેથી રક્ષણ મળી રહે એ માટે નાગ દેવતાને પૂજવામાં આવે છે. આ ઉપરાંત ખાસ નાગ પાંચમે કરેલી શિવપૂજા અને શિવ અભિષેક થી પણ વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.

નાગ પાંચમ નિમિતે લોકો શિવ મંદિર કે ખેતરપાળ મંદિરે અચૂક દર્શન કરે છે. જો નાગ મંદિરની વાત કરીએ તો ગુજરાતમાં ચોકડી ગામે ચરમાલિયા નાગ, ડીસા મધ્યે શેષનાગ, આબુ ખાતે અર્બુદા નાગ, પ્રભાસ મુકામે શેષ નારાયણ, દાહોદમાં ગોગા નારાયણ તો કચ્છમાં થાન જાગીરે વાસુકી નાગ અને ભુજિયા ડુંગરે ભુજંગ દેવ નાગ તીર્થો જાણીતા છે.
નાગ પંચમીનું ધાર્મિક મહત્વ | રાજા પરીક્ષિતની રોચક કથા

નાગ પૂજન અને નાગ પંચમીનો સંબંધ મહાભારત કાળ સાથે જોડાયેલો છે. નાગ પંચમી ઉજવવાની શરૂઆત એ સમય દરમિયાન થઈ છે. એ સમયની મહિમા થકી આજે આપણે શ્રીમદ ભાગવત કથા અને મહાભારત જાણી શક્યા છીએ એમ કહી શકાય. કારણ કે પુરાણોની કથા અનુસાર એક દિવસ રાજા પરીક્ષિત કે જેઓ અર્જુનપુત્ર અભિમન્યુ ના પુત્ર હતા, તેઓ જંગલમાં ગયા. લાંબા સમયના ભ્રમણનો થાક અને તરસ સંતોષવા માટે તેઓ શમીક ઋષિના આશ્રમ પહોંચ્યા.
ધ્યાનસ્થ બેઠેલા ઋષિ પાસે તેમણે મદદ માંગી. પરંતુ ઋષિએ કોઈ પ્રતિક્રિયા ન આપી ત્યારે તેમને ઢોંગી માની આવેશ વશ પરીક્ષિત એ તેમના ગળે મૃત સાપ પહેરાવી દીધો. એ જોઈ ઋષિ પુત્ર શૃંગીએ શ્રાપ આપ્યો કે સાત દિવસ બાદ તક્ષક નાગના દંશથી તમારું મૃત્યુ થશે. રાજા પરીક્ષિત ને પશ્ચાતાપ થતાં તેઓ અન્ન જળનો ત્યાગ કરી ગંગા તટ પર તપ કરવા બેઠા. ત્યાં શુકદેવજી પાસેથી ભાગવત કથા સાંભળી અને સાતમે દિવસે તક્ષક નાગ કરડે એ પહેલા જ મોક્ષ પામ્યા.
આ ઘટનાની જ્યારે પરીક્ષિતના પુત્ર જનમેજયને જાણ થઈ ત્યારે પિતાની મૃત્યુ નો બદલો લેવા તેણે સમસ્ત નાગ વંશનો વિનાશ કરવા સર્પ સત્ર નામે યજ્ઞ આરંભ્યો. આ યજ્ઞના પ્રભાવથી સૌ સાપોના હ્રદયમાં પીડા ઉત્પન્ન થઈ. પરિણામે બધા સાપો એક એક કરીને યજ્ઞ કુંડમાં પડવા લાગ્યા. હવે તક્ષક નાગની વારી હતી. રક્ષણ માટે તે ઇન્દ્ર પાસે ચાલ્યો ગયો. વાસુકિ નાગ એ ચિંતીત થઈ પોતાની બહેન જરત્કારુને વિનંતી કરી. જરત્કારુ અને ઋષિ જરત્કારુ નો પુત્ર આસ્તિક મુનિ ખૂબ જ તેજસ્વી અને જ્ઞાની હતો. તેમના થી પ્રભાવિત થઇને રાજા એ જે ઈચ્છા હોય તે માંગવા કહ્યું. તક્ષક નાગનું આહ્વાન કરવામાં આવ્યું. તે યજ્ઞ માં પડવાનો હતો એટલામાં આસ્તિક એ યજ્ઞ રોકવાની ઈચ્છા માંગી. જનમેજય એ પોતાનું વચન પાળ્યું. આસ્તિક એ નાગવંશની રક્ષા કરી.

શ્રાવણ વદ પાંચમની એ ઘટના વખતે નાગ દેવતા એ આશિર્વાદ આપ્યા કે જે લોકો આ તિથિએ નાગની પૂજા કરશે તેમને ક્યારેય પણ સાપ ના કરડવાનો ભય નહીં રહે. એ ઘટના બાદ વેદ વ્યાસ ના શિષ્ય વૈશંપાયન વ્યાસ એ જનમેજય ને મહાભારતની કથા કહી હતી. જે પછી એની ભ્રાંતિ દુર થઈ. આમ નાગ પાંચમની એ ઘટના આપણી સનાતન સંસ્કૃતિ ની એક અભૂતપૂર્વ ઘટના છે. જેની મહિમા નાગ પૂજા ની પરંપરા સાથે આજ પર્યંત કાયમ છે.
FAQs for Nag Panchami
શા માટે કરવામાં આવે છે નાગની પૂજા?
ભારત દેશ કૃષિ પ્રધાન હોવાથી તેમજ ભારતીય સંસ્કારોમાં પ્રકૃતિ સાથે મનુષ્યોનું વિશેષ જોડાણ હોવાથી નાગ પાંચમ ઉજવવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે. વસ્તુતઃ નાગ એટલે સર્પો, એ ક્ષેત્ર એટલે કે ખેતર ની ઉંદરો અને અન્ય જીવ જંતુઓ થી રક્ષા કરે છે માટે તેમને ક્ષેત્રપાળ કહેવામાં આવે છે. આજે પણ તમે કોઈ ખેતરે જાઓ ત્યારે ત્યાં તમને ખેતરપાળ ની નાની દેરી જોવા મળે જ. જેમની પૂજા ખેડૂતો કરતા હોય છે. સનાતન ધર્મમાં નાગો નું વિશિષ્ટ સ્થાન રહ્યું જ છે
શું છે નાગ પંચમીની પૂજા વિધિ?
નાગ પંચમીના દિવસે ઘરે ઘરમાં પૂર્વાભિમુખ દીવાલ પર અથવા પાણિયારે કંકુ કે છાણ થી નાગ દેવતાની આકૃતિ બનાવાય છે. તેમને રુની દેવેટ નો હાર ચડે જેને નાગલા કહેવાય. ત્યારબાદ ઘરના સૌ સદસ્યો કંકુ ચોખા થી વધાવી ને નાગ દેવતાની પૂજા અને આરતી કરે છે. તેમને પ્રસાદમાં ઠંડુ મીઠું દૂધ તેમજ બાજરાના લોટમાં ઘી ગોળ નાખી બનાવેલી કુલેર ધરાવાય છે. નાગ પાંચમે ચૂલો સળગાવાતો નથી. ગૃહિણીઓ ઠંડુ ખાઈને વ્રત કરે છે. નાગ પાંચમની પૂજા અને વ્રતની વિશેષ મહિમા છે.
ક્યારે છે નાગ પંચમી?
પાવન શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની પાંચમ એટલે ‘નાગ પંચમી’. ૨૦૨૪ માં નાગ પંચમી ૯ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે.
નાગ પંચમી પર ભૂલ થી પણ શું ન કરવું?
નાગ પંચમીના દિવસે વૃક્ષ-છોડ ન કાપવા જોઇએ. આ દિવસે ભૂલથી પણ જમીનનું ખોદકામ ન કરવું જોઇએ. ખાસ કરીને તે સ્થાન પર જ્યાં નાગનું બિલ હોવાની સંભાવના હોય. આ દિવસે સાપને પરેશાન ન કરવા જોઇે અને તેમને મારવા ન જોઇએ.
નાગ પાંચમ વિશેષ ભગવાન શિવના ભજન અને મંત્રો
પર્વ ઠક્કર, વાચા ઠક્કર અને ડૉ. કૃપેશ ઠક્કર (પર્વ ફ્યુઝન બેન્ડ) દ્વારા ગાયેલ ભગવાન શિવ માટેના ભક્તિ ગીતો તેમજ મંત્રો.
